કોલકાતા: (Calcutta) કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) વચ્ચે ચાલી રહેલી રસાકસી વચ્ચે મમતાએ નવો દાવ ખેલ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયે (Alpan Bandhopadhyay) સોમવારે નિવૃત્તિ લીધી. તેમનો કાર્યકાળ 31 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો હતો જે ત્રણ મહિના માટે વધારવામાં આવ્યો હતો. તેમને કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા બોલાવવામાં આવ્યા, પરંતુ તેઓ કેન્દ્ર સરકાર પાસે ગયા ન્હોતા. હવે મમતા બેનર્જીએ તેમને તેમના વિશેષ સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ આગામી ત્રણ વર્ષ માટે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાનના મુખ્ય સલાહકાર રહેશે. બીજી તરફ વધારાના મુખ્ય સચિવ (ગૃહ)ના એચ.કે. દ્વિવેદીને બંગાળના નવા મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે.
અલપન બંદોપાધ્યાયને 31 મેની સવારે 10 કલાક પહેલા કેન્દ્ર સરકારને રિપોર્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ બંદોપાધ્યાયની જગ્યાએ મુખ્યમંત્રીનો પત્ર કેન્દ્રને મળ્યો હતો. પશ્ચિમ બંગાળ કેડરના 1987 બેચના આઈએએસ અધિકારી બંદોપાધ્યાય 60 વર્ષની ઉંમર પૂરી કર્યા બાદ 31 મેએ નિવૃત થવાના હતા. પરંતુ કેન્દ્ર પાસેથી મળેલી મંજૂરી બાદ તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. એક્સટેન્શન આપ્યાના ચાર દિવસ બાદ કેન્દ્ર સરકારે તેમની સેવાઓ માંગી. મમતા સરકારને કહેવામાં આવ્યું હતું કે તે પોતાના મુખ્ય સચિવને તત્કાલ કાર્યમુક્ત કરે. તૃણમૂલ કોંગ્રેસ સરકારે આ પગલાને બળજબરીપૂર્વક પ્રતિનિયુક્તિ ગણાવી હતી.
બંદોપાધ્યાય આગામી ત્રણ વર્ષ માટે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાનના મુખ્ય સલાહકાર રહેશે. બીજી તરફ આ મામલે મમતાએ કહ્યું કે, આવા મુશ્કેલ સમયમાં બંગાળ સરકાર પોતાના મુખ્ય સચિવને કાર્યમુક્ત ન કરી શકે. વિવિધ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, મમતાના આ વલણ બાદ કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) બંદોપાધ્યાય વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.
જણાવી દઈએ કે યાસ વાવાઝોડા બાદ પ્રધાનમંત્રી મોદી સાથેની સમીક્ષા બેઠકમાં મોડા પડવાનું અલપન બંદોપાધ્યાયને ભારે પડ્યું હતું. તેમને બંગાળના ચીફ સેક્રેટરી પદેથી હટાવી દિલ્હી બદલી કરી દેવામાં આવી ત્યારબાદ આ વિવાદ શરૂ થયો હતો. સોમવારે કેન્દ્ર સરકારે અલપન બંદોપાધ્યાયને દિલ્હીમાં રિપોર્ટ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પરંતુ બંગાળ સરકારે તેમને કાર્ય મુક્ત કર્યા ન્હોતા. મમતાએ કહ્યું કે, આવા મુશ્કેલ સમયમાં બંગાળ સરકાર પોતાના મુખ્ય સચિવને કાર્યમુક્ત ન કરી શકે. અલપન બંધોપાધ્યાયે સોમવારે નિવૃત્તિ લીધી અને હવે મમતા બેનર્જીએ તેમને તેમના વિશેષ સલાહકાર તરીકે નિયુક્ત કરી દીધા છે.