આણંદ : આણંદના ગોપાલપુરા ગામે ગપ્પા મારી રહેલા બે શખસ મશ્કરી રહી રહ્યાં હોવાના વહેમમાં બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના પગલે બે જુથ આમને સામને આવી ગયાં હતાં અને સામસામે પથ્થરમારો કરતાં તંગદીલી વ્યાપી ગઈ હતી. આણંદના ગોપાલપુરા ગામે રહેતા રાહુલ અરવિંદભાઈ પરમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું અને મારો મિત્ર દર્શન ચૌહાણ બુધવારની રાત્રે અમારા ગામની પરબડી પાસે બેઠા હતાં અને મજાક મસ્તી કરી રહ્યાં હતાં. તે દરમિયાન ત્યાંથી પસાર થતાં અબ્દુલ રજાક ચૌહાણ અને અમન લાલભાઈ ચૌહાણને વ્હેમ ગયો કે અમે તેની મસ્તી કરી રહ્યાં છે. આથી, તેઓ ઉશ્કેરાઇ ગયાં હતાં અને અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
જોકે, આ બોલાચાલીના થોડા સમય બાદ અબ્દુલ કેટલાક માણસોના ટોળા સાથે અમારા ઘરે ધસી આવ્યો હતો અને બોલાચાલી કરી પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં મારા બાપુજીને ઇજા પહોંચી હતી. જોકે, પોલીસ આવી પહોંચતા ટોળું વિખેરાઇ ગયું હતું. આ ફરિયાદ આધારે વાસદ પોલીસે અબ્દુલ રજાક ચૌહાણ, અમન લાલાભાઈ ચૌહાણ, ફરીદ હનીફ મલેક, અરબાજ રાજુ મલેક, સોહેબ અનવર મલેક, રફીક બચુ ચૌહાણ અને મિનબર મયુદ્દી ચૌહાણ તથા અન્ય બીજા આઠથી દસ માણસોના સામે ગુનો નોંધ્યો હતો.
સામાપક્ષે અબ્દુલ રજાકે ફરિયાદમાં જણાવ્યું હતુંકે, પરબડી પાસે રહેતા દર્શન રાજુ ચૌહાણ અને રાહુલ અરવિંદ પરમાર બન્ને અમારા ફળીયાના કોઇ માણસો ત્યાંથી નીકળે તો તેને ગમે તેમ બોલતાં હોય ઝઘડો થયો હતો. જોકે, આ ઝઘડાના થોડા સમય બાદ દર્શન, અરવિંદ તતા બીજા માણસોને ઉશ્કેરણી કરીને તેમની સાથે રાજુ ચૌહાણ સહિતનું ટોળું મારા ઘરે ઝઘડો કરવા આવી ગયા હતા અને અપશબ્દો બોલી પથ્થરમારો કર્યો હતો. આ ફરિયાદ આધારે વાસદ પોલીસે દર્શન રાજુ ચૌહાણ, રાહુલ અરવિંદ પરમાર, રાજુ રામાભાઈ ચૌહાણ, પ્રફુલ ઉર્ફે ટીનો નટુ પરમાર, વિપુલ રાજુ ડાભી, શૈલેષ ચંદુભાઈ પરમાર તથા બીજા સાત આઠ માણસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.