સુરત: (Surat) સુરત શહેરનો વિસ્તાર દિવસે ને દિવસે વધી જ રહ્યો છે. સુરતના આસપાસના ઘણા ગામોનો પણ સુરત મહાનગરપાલિકામાં સમાવેશ કરાયો છે. હાલમાં જ સુરત મનપામાં 27 ગામો અને 2 નગરપાલિકા સમાવિષ્ટ કરાઈ છે. જેથી હવે સુરત મહાનગરપાલિકાના ઝોન પર પણ કામગીરીનું ભારણ વધી રહ્યું છે. સાથે સાથે નવા સમાવિષ્ટ વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધાના તેમજ અન્ય મનપા સંબંધિત કામો માટે ઓફિસો પર દુર સુધી જવું પડી રહ્યું છે આ બાબતોને ધ્યાને રાખી હવે વરાછા ઝોનના બે ભાગ કરીને નવો સરથાણા ઝોન બનાવ્યા બાદ હવે ઉધના ઝોનના પણ બે ભાગ (Two Part) કરી નવો સચીન ઝોન બનાવવા ચક્રો ગતીમાન થઇ ગયા છે. તેમજ સ્થાયી સમિતિની મીટીંગમાં સચીન (ઉધના ઝોન-બી) (Udhna Zone B) માટે તલંગપુર પંચાયત ભવનમાં એક્ષ્ટેન્શન કરીને ઝોન ઓફીસ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જણાવ્યં હતું કે, સુરત શહેરનો કુલ વિસ્તાર 475 ચોરસ કિ.મી છે. જે પૈકી ઉધના ઝોનનો હાલમાં કુલ વિસ્તાર 90 ચોરસ કિ.મી જેટલો છે. ઉધના ઝોનમાં ઘણા વિસ્તારો સમાવાયા છે. જેથી હવે તેમાંથી ઉધના ઝોન-બી તરીકે છુટુ કરીને તેમાં અમુક નવા અને જુના વિસ્તારો સમાવાશે તેમ મનપાના આ 9માં નવા ઝોનમાં અંદાજીત વિસ્તાર 40 ચોરસ કિ.મી થશે. અને વસતી અંદાજીત 9 લાખ જેટલી થશે.
ઉધના ઝોન-બી માં કયા વિસ્તારો સમાવાશે?
ઉધના ઝોનના જુના વિસ્તારો પૈકીના ઉન, જીયાવ, સોનારી, બુડીયા, ગભેણી, તેમજ સુરત મનપામાં સમાવાયેલા નવા વિસ્તારો સચીન, કનસાડ, કનકપુર, પારડી-કણદે, પાલી, તલંગપુર તથા ઉબેર આ તમામ વિસ્તારો સમાવીને નવો ઝોન બનાવાશે.
- શહેરમાં હવે કયા કયા ઝોન
- 1) સેન્ટ્રલ ઝોન
- 2) વરાછા-એ ઝોન
- 3) વરાછા-બી ઝોન
- 4) લિંબાયત ઝોન
- 5) કતારગામ ઝોન
- 6) અઠવા ઝોન
- 7) કતારગામ ઝોન
- 8) ઉધના ઝોન-એ
- 9) ઉધના ઝોન-બી