સુરત: (Surat) શહેરના બે પોલીસ ઇન્સપેક્ટરોની (Police Inspector) ગઈકાલે બદલી થતા સીંગણપોર પીઆઈએ આજે એક ફાર્મ હાઉસમાં તેમનો વિદાય સમારંભ આયોજીત કર્યો હતો. વાયરલ વિડીયોમાં જેના પર કાયદાનું પાલન કરાવવાની જવાબદારી છે એણે જ કાયદાનો ભંગ કર્યો હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. ખુદ પીઆઈએ રાત્રિના 8 પછીના કરફ્યુ અને સોશિયલ ડિસ્ટન્સિંગનો (Social distance) ભંગ કર્યો હતો.
સામાન્ય પ્રજા ઉપર રોફ ઝાડતી પોલીસ પોતે નિયમોનું પાલન કરતી નથી. સિંગણપોર વિસ્તારના કુમકુમ ફાર્મ હાઉસમાં પોલીસ સ્ટાફ દ્વારા ઉજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થતા ભારે વિવાદ જાગ્યો છે. એક તરફ સરકાર લોકોના ત્યાં પારિવારીક પ્રસંગો ઉપર પણ રોક લગાવી રહી છે. પ્રસંગોની ઉજવણી કરવી હોય તો ગાઈડલાઈનનું પાલન કરવું પડે છે. અને સરકારની સૂચનાનું પાલન ખાખીધારીઓ લોકોને રંજાડી રંજાડીને કરાવી રહ્યા છે. ત્યારે આજે પોલીસ કર્મચારીઓ દ્વારા કુમકુમ ફાર્મ હાઉસમાં સીંગણપોર પોલીસ ઇન્સપેક્ટર એ.પી.સલયીયાનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પીઆઈની બદલી ગઈકાલે જ ઇકો સેલમાં થઈ છે. વિડીયોમાં પીઆઈ કુંડાળાની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ કરીને બેસેલા દેખાય છે. રાત્રે 8 વાગ્યા પછી કરફ્યુ હોવા છતાં આ સમારંભ રાત્રે 11 વાગ્યા સુધી ચાલ્યો હતો. સિંગણપુર પી.આઈ એ.પી.સલયિયા તેમજ વિદાય સમારંભમાં હાજર રહેલા પોલીસ કર્મચારીઓ સામે પોલીસ કમિશનર કયા પ્રકારના પગલાં લેશે તે હવે જોવાનું રહ્યું.
બેખોફ થઈને જન્મ દિવસનું સેલિબ્રેશન
બીજી તરફ સુરતમાં હજી પણ જાહેરમાં કેક કાપવાની ઘટના સામે આવી રહી છે. દારૂનો ધંધો કરતા યુવાન દ્વારા જાહેરમાં કેક કટિંગનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી છે. સુરતમાં જાણે કાયદા નો કોઈને ભયનો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. હેમંત પીયો ઉર્ફે માંજરો નામનો જોવાનો વિડીયો વાયરલ થયો છે. જાહેરમાં મોડી રાતે કેક મૂકીને ઉજવણી કરતો વિડીયો વાયરલ થયો છે. સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જાહેરમાં કોઈએ પોતાના જન્મ દિવસની ઉજવણી કરવી નહીં. છતાં પણ કેટલાક લોકો બેખોફ થઈને યુવાનો સેલિબ્રેશન કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં દેખાતો યુવક હેમંત પિયા ઉર્ફે માંજરો હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં તે ભાઠેના વિસ્તારમાં દારૂનો ધંધો કરતો હોવાની જાણકારી મળી છે.