સુરત: (Surat) ડ્રેનેજની સફાઈ કરવામાં ઘણીવાર મનપાના કર્મચારીઓના મોત થયા છે. ડ્રેનેજમાં (Drainage) ઉંડે ઉતરતા શ્વાસ રૂંધાવાથી ઘણીવાર આ પ્રકારના બનાવો ભુતકાળમાં બન્યા છે. પરંતુ ત્યારબાદ, મનપાએ મશીનરીથી જ સફાઈ કરવાનું શરૂ કર્યુ છે અને હવે રાજ્ય સરકારે ડ્રેનેજની સફાઇ માટે સુરત મહાનગર પાલિકાને બે રોબોટ મશીનની (Robot Machine) ફાળવણી કરી છે. સુરત મહાનગર પાલિકા પાસે હાલમાં 8 રોબોર્ટ છે. આ રોબોટ મશીન ખાડામાં ઉતારવામાં આવે છે અને તે જાતે જ સફાઈ કરી નાખે છે.
જૂના વિસ્તારમાં વર્ષો જુની ડ્રેનેજ લાઈન હોવા ઉપરાંત હાલ વસ્તી અને વિસ્તાર વધતાની સાથે ડ્રેનેજ નેટવર્કમાં પણ વધારો થયો છે. હાલ શહેરમાં 114 જેટલા અલગ અલગ મશીનથી ડ્રેનેજની સફાઇ કામગીરી કરવામાં આવે છે. 2006થી સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ડ્રેનેજના મેઈન હોલમાં કામદારોને ઉતારવાનું બંધ કરાયું છે અને હવે ડ્રેનેજની સફાઇ માટે રોબોટ મશીનથી સફાઇ ચાલુ કરવામાં આવી છે. મનપા દ્વારા અગાઉ આઠ મશીન રૂા. 14.70 કરોડના ખર્ચે ખરીદાયા છે. અને હવે રાજ્ય સરકાર દ્વારા વધુ 2 મશીન અપાયા છે એટલે કે, હવે શહેરમાં કુલ 10 રોબોટ મશીનથી ડ્રેનેજની સફાઈ કરવામાં આવશે.
સોની ફળિયામાં ડ્રેનેજની કામગીરી બાદ બ્યુટિફિકેશનનું કામ નહીં થતાં રચનાત્મક વિરોધની ચીમકી
સોની ફળિયા મેઈન રોડ ઉપર ડ્રેનેજની નળીકા નાંખવા માટે રોડ ખોદવામાં આવ્યો હતો. આ કામ પૂર્ણ થતા રોડની મરામત કરવામાં આવી એ અત્યંત નબળી ગુણવત્તાની હોય તેવી પ્રતીતિ થઇ રહી છે. રસ્તા રિપેરિંગ દરમિયાન કોઇ પ્રકારનું લેવલિંગ કરાયું નથી અને બ્યુટિફિકેશન કરવામાં આવ્યું નથી. સુરત મનપાના એન્જિનિયરોની દેખરેખમાં થયેલાં આ કામો બાબતે સામાન્ય વ્યક્તિઓને પણ ખબર પડે છે કે રોડની મરામત એકદમ નબળી ગુણવત્તાની થઇ છે. પરંતુ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને શાસકો તેની સામે આંખ આડા કરી રહ્યા હોવાથી આવનારા દિવસોમાં સોની ફળિયા મેઈન રોડના દુકાનદારો, સ્થાનિક રહેવાસીઓએ રચનાત્મક વિરોધ કરવાની ચીમકી આપી છે.