Columns

મુક્તિનો માર્ગ

સ્વામી રામકૃષ્ણ પરમહંસ કાળી માતાના પરમ ભક્ત હતા અને મહાજ્ઞાની અને મહાન સંત હતા.એક દિવસ તેમની પાસે એક યુવાન આવ્યો. તે બોલ્યો, ‘સ્વામીજી, મારે આ સંસારનો ત્યાગ કરી દેવો છે. મને શિષ્ય તરીકે સ્વીકારો અને દીક્ષા આપો.’સ્વામીજીએ તેને પૂછ્યું, ‘યુવાન, તારે શા માટે દીક્ષા લઈને સંસાર ત્યાગી દેવો છે?’ યુવાને પરમ ભક્તિભાવ સાથે કહ્યું, ‘સ્વામીજી, મને સંસારમાં કોઈ રસ નથી. દિવસે દિવસે મન વિરક્ત થતું જાય છે.બસ તમે મને શિષ્ય તરીકે સ્વીકારો. મારે બસ તમારી અને મા કાળીની સેવા જ કરવી છે.’ સ્વામીજીએ પૂછ્યું, ‘તારા પરિવારમાં કોણ કોણ છે? ગુજરાન ચલાવવા શું કરે છે અને તું કયાં રહે છે?’ યુવાને કહ્યું, ‘હું અહીં નજીકના ગામડામાં જ રહું છું.પરિવારમાં એક વૃદ્ધ મા છે. બીજું કોઈ નથી અને ગુજરાન ચલાવવા એક નાનકડું ખેતર છે તેમાં ખેતી કરી મારું અને મારી માતાનું જેમ તેમ ગુજરાન ચલાવું છું.’

યુવાનનો જવાબ સાંભળી સ્વામીજીએ કહ્યું, ‘મને નથી લાગતું કે તારે સંસાર ત્યાગી વૈરાગ્ય ધારણ કરવો જોઈએ.’ યુવાન બોલ્યો, ‘સ્વામીજી, મને સંસારમાં કોઈ જ રસ નથી. બસ, મારી ઈચ્છા માત્ર વૈરાગ્ય ધારણ કરવાની જ છે. મારે આ સંસારની મોહમાયામાંથી મુક્તિ મેળવવી છે અને સંસાર ત્યાગ કરી મા કાળીની અને ગુરુની સેવા જ મને મુક્તિનો માર્ગ લાગે છે.’

સ્વામીજી બોલ્યા, ‘ના સાવ ખોટા વિચારો છે તારા..શું તેં વિચાર્યું કે તું વૈરાગ્ય ધારણ કરીશ તો તારી વૃદ્ધ માતાનું શું થશે,જેણે તને જન્મ આપી મોટો કર્યો તેના બુઢાપામાં તેને તારી જરૂર પડશે ત્યારે તું એને છોડી દઈશ.તું સંસારત્યાગ કરીશ તો ખેતરમાં કામ કોણ કરશે? તારી વૃદ્ધ મા? અને જો તે કામ નહીં કરી શકે તો પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવશે? છે તારી પાસે આ બધા પ્રશ્નોના જવાબ? તારી વૃદ્ધ માતાને નિ:સહાય છોડીને સંસારત્યાગ કરવાથી તને કોઈ મુક્તિ નહિ મળે.જા, અહીંથી તારી માતા પાસે, તેની સેવા કર.મહેનત કર. તેના બુઢાપાના દિવસોને પ્રેમ અને ખુશીથી ભરી દે.માતાના પરમ આશિષ મળશે તો તને આપોઆપ મુક્તિ મળી જશે.માતૃસેવા એ ઈશ્વર સેવા કરતાં પણ મોટી સેવા છે, માટે જા, જઈને તારી ફરજ નિભાવ. માતાની સેવા કર. તેને જાળવ, એ જ સાચી ભક્તિ છે, એ જ સાચી વિરક્તિ છે.’
સ્વામીજીએ યુવાનને મુક્તિનો સાચો માર્ગ સમજાવ્યો. -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top