SURAT

એક લાખ ઇન્જેક્શન આવશે ત્યારે આવશે પણ હાલ સુરત સિવિલને બે દિવસથી મ્યુકરમાઇકોસિસના ઇન્જેકશન જ નથી મળ્યા!

સુરત: (Surat) સુરતમાં દિવસે દિવસે મ્યુકર માઇકોસિસના (Mucormycosis) કેસો વધી રહ્યા છે, મ્યુકરમાઇકોસિસમાં સંજીવની સમાન ઇન્જેકશનની ભારે અછત જોવા મળી રહી છે. ત્યારે શહેર અને રાજ્યનું આરોગ્ય વિભાગ જાણે કે કુંબકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) દાખલ દર્દીઓ માટે છેલ્લા બે દિવસથી ઇન્જેકશન (Injection) આવ્યા ન હોવાની વિગતો સાંપડી છે. જે દર્દીઓને બે દિવસ પહેલા ઇન્જેકશન આપ્યા હોય અને બાદમાં ઇન્જેકશન આપવામાં ન આવે તો ગંભીર અસર થવાની શક્યતા પણ ડોક્ટરોએ વ્યક્ત કરી છે. આ બાબતે રાજ્ય આરોગ્ય વિભાગ (Health Department) તાત્કાલીક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

કોરોનામાં રેમેડીસીવીર ઇન્જેકશનની અછત જોવા મળી હતી, ત્યાં હવે મ્યુકરમાઇકોસિસના ઇન્જેકશનની અછત પણ જોવા મળી રહી છે. કોરોનામાં એક દર્દીને રેમેડીસીવીરના 6 થી 7 ઇન્જેકશનનો ડોઝ આપવો પડતો હતો, પરંતુ મ્યુકરમાઇકોસિસના રોગમાં એક દર્દીને 127 ઇન્જેકશનનો ડોઝ આપવો પડે તેવી સ્થિતિ છે. પરંતુ હાલમાં સુરતની સિવિલમાં મ્યુકરમાઇકોસિસની અછત જોવા મળી રહી છે. હાલમાં સુરતની સિવિલમાં 111 દર્દીઓ દાખલ છે. સિવિલમાં દાખલ દર્દીઓ માટે 10 દિવસ પહેલા જ 2000 ઇન્જેકશનનો ઓર્ડર આપી દેવાયો હતો. જાણવા મળ્યા મુજબ અત્યાર સુધીમાં અંદાજે 1000 જેટલા ઇન્જેકશન જ આવ્યા છે.

આશ્ચર્યની વાત તો એ છે કે, છેલ્લા બે દિવસથી રાજ્ય સરકાર દ્વારા મ્યુકરમાઇકોસિસના ‘એમ્ફેથોરીસીન-બી’ઇન્જેકશન આપવામાં આવ્યા જ નથી. જેના કારણે સુરતમાં ડોક્ટરો પણ અચંબામાં પડ્યા છે. બે દિવસ પહેલા જે દર્દીઓને ઇન્જેકશન આપ્યા હોય પરંતુ તેઓને ઇન્જેકશનનો બીજો ડોઝ સમયસર આપવામાં ન આવે તો ગંભીર પરિણામ આવવાની પણ શક્યતા જોવાઇ રહી છે.

મ્યુકરમાઇકોસિસના વધતા કેસોને ધ્યાને રાખી એક અલગ વોર્ડ સ્ટેન્ડબાય કરાયો
સિવિલ સુપ્રિ. ડો. રાગીની વર્મા સાથે વાત કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં માત્ર મ્યુકરમાઇકોસિસના દર્દીઓ માટે ત્રણ વોર્ડ (Ward) શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગમાં ત્રીજા માળ ઉપર એક ચોથા વોર્ડને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું છે. જો આગામી દિવસોમાં મ્યુકરમાઇકોસિસના કેસો વધે તો તેઓને અલગથી ચોથા વોર્ડમાં રાખી શકાય. આ ઉપરાંત તંત્ર દ્વારા મ્યુકરમાઇકોસિસના રોગને લઇને જરૂરી તમામ પગલાઓ ભરવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top