- 61 મહિનામાં 15,64,307 વાહન ચાલકો ઈ ચલણ મારફતે દંડાયા
- અધધ…દંડ વસુલ્યો તો ઓક્સિજન બોટલ,રેમડીસીવર ઈન્જેક્શન બેડ તેમજ અન્ય સુવિધાઓ નાગરિકોને કેમના આપી : અતુલ ગામેચી
વડોદરા: વડોદરા શહેરના સામાજીક કાર્યકરે માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ પોલીસ વિભાગની માંગવામાં આવેલી માહિતીમાં છેલ્લા 5 વર્ષ દરમ્યાન સીસીટીવી કેમેરા દ્વારા ઈચલણ મારફતે વડોદરા શહેરમાંથી વાહન ચાલકો 15,64,307 ઈચલણ આપી 36,34,09,398 જેટલી માતબર રકમ વસૂલી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થવા પામ્યો હતો.
વડોદરા શહેરમાં સીસીટીવી કેમેરાના ઈન્સ્ટોલેશન અને ઓએન્ડએમ માટેના તમામ ખર્ચ વડોદરા સ્માર્ટ સીટી ડેવલોપમેન્ટ લિમિટેડના આઈસીસી પ્રોજેક્ટના ભાગરૂપે થાય છે.જાહેર સ્થળોએ સર્વેલન્સના કેમેરા હોવા જોઈએ કારણ કે તે જાહેર સલામતીની ખાતરી કરે છે.પોલીસ કેમેરાથી રેકોર્ડ કરેલા ગુન્હાઓ અટકાવી શકે છે અને ગુન્હાહિત કેસોને ભૌતિક પુરાવા સાથે ઝડપથી હલ કરી શકે છે.વધુમાં મિલકતની ચોરી અને તોડફોડ સામે રક્ષણ આપે છે.
તપાસ દરમ્યાન સર્વેલક્ષણ ફૂટેજ હંમેશા પુરવાઓનો નિર્ણાયક ભાગ હોય છે.કેમેરા ઘણા ગુન્હાઓનું નિરાકરણ પ્રદાન કરે છે સાથે ટ્રાફિક જામ થાય અથવા તો કોઇ નાગરિક ગંદકી કરે થુકે અથવા તો સફાઈના થઇ હોય તેવા સ્થળો જોઈ શકે અને સફાઈ કરાવી શકે.બીજીતરફ રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર વડોદરા શહેર પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન અને કાયદો વ્યવસ્થાના સુચારૂ અમલ માટે મુખ્ય માર્ગો પર કેમેરા લગાવવાનું આયોજન હાથ ધરાયું હતું. પોલીસ પ્રશાસન દ્વારા 10 પોઈન્ટ ઉપર 20 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
જ્યારે વડોદરા મહાનગર પાલિકા તરફથી પણ એક છેડો લેવામાં આવ્યો છે.239 લોકેશન ઉપર 395 ફિક્સ કેમેરા અને 8 લોકેશન ઉપર 110 પીટીઝેડ કાર્યરત છે.વર્ષ 2015 ડિસેમ્બરથી વર્ષ 2021 સુધી પોલીસ પ્રશાસન દ્વારા કાયદાના ઉલ્લંઘન બદલ મોટર વ્હીકલ એક્ટની જોગવાઈ મુજબ સ્પીડ પોસ્ટ થકી 15.64 લાખ ઇચલણ મેમો લોકોને ફટકારવામાં આવ્યા છે.અને જે થકી પોલીસ પ્રશાસનને 36 કરોડ 34 લાખની આવક થઇ છે.
વાહન ચાલકો પાસેથી દંડ વસુલાતની રકમનો ઉપયોગ પોલીસ હેડ ગૌણ સદર ખાતે જમા થાય છે.જ્યારે અન્ય કિસ્સાઓમાં સ્થળ પર વસૂલાતો દંડ સમાધાન શુલ્ક પેટે જમા થાય છે.તો બીજી તરફ વડોદરા શહેરમાં પ્રતિદિન વાહન ચોરીની ઘટનાઓ થંભી રહી નથી,રાત્રી કરફ્યુ હોવા છત્તા હજુ પણ ચોરીની ઘટનાઓ યથાવત છે.શહેરમાં દારૂનું વેચાણ કરતા બુટલેગરો પ્રતિદિન ઝડપાઈ રહ્યા છે.જેમને દારૂનો જથ્થો પૂરો પાડતા ખેપિયા ધૂમ સ્ટાઈલે બાઈક ભગાવી હજુ પણ શહેરમાં પ્રવેશી રહ્યા છે.
વડોદરાનો નાગરિક આ હાઈટેક સુવિધા સામે સલામતી અનુભવવાની જગ્યાએ વધુ આપદા ભોગવી રહ્યો હોય તેવું લાગે છે.ત્યારે આ અંગે આરટીઆઈ એક્ટિવિસ્ટ અને જાગૃત નાગરિક અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે નગરજનોની સુવિધા માટે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે થયેલું આયોજન સરાહનીય છે.કારણકે એક તરફ ક્રાઈમનો રેશીયો ઘટી રહ્યો નથી.જેનો દંડ 36 કરોડ 34 લાખ વસુલવામાં આવ્યો છે.