સુરત: (Surat) શહેરમાં તૌક્તે વાવાઝોડાને પગલે મોડી રાત થી કેટલાક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ ખાબક્યો છે. શહેરમાં સરેરાશ 5 ઇંચ વરસાદ (Rain Water) પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. સતત વરસાદને કારણે શહેરના રેલ્વે ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયા હતા. ઘણી જગ્યાએ ભારે પવનના કારણે પતરાના શેડ ઉડ્યા હતાં. તો કેટલીક જગ્યાએ સતત વરસાદને કારણે ભારે વૃક્ષો તૂટી (Tree Destroy) પડવા સાથે પાણી ભરાવવાના બનાવો પણ બન્યા હતા. શહેરમાં તૌક્તે વાવાઝોડાને કારણે ભારે પવન સાથે મંગળવારની મળસ્કે થી વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કર્યુ હતું. જેમાં શહેરમાં સરેરાશ 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેમાં સોથી વધુ સેન્ટ્રલ ઝોનમાં 5 ઇંચ કરતા વધુ અને સોથી ઓછો રાંદેર ઝોનમાં 2.4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
ગઈકાલે મોડી સાંજ સુધી લોકો વાવાઝોડું તો જતું રહ્યું તેવા વહેમમાં હતાં પણ રાત્રે સૂસવાટાં મારતા પવનનો પ્રકોપ શરૂ થયો તે આજે સાંજ સુધી ચાલ્યો હતો. શહેરમાં આજે બપોરે સૌથી વધારે 86 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયો હતો. પવનની તિવ્રતાએ શહેરને ઘમરોળી નાખ્યું. બપોરબાદ વાવાઝોડુ નબળું પડતા પવનોની ઝડપ ઓછી થઈ હતી. તાઉતે વાવાઝોડાએ ગઈકાલ રાતથી શહેરમાં તોફાન મચાવ્યું હતું. ગઈકાલે દિવસભર 25 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયા હતા. હવામાન વિભાગની 90 કિલોમીટરની ઝડપે પવનની આગાહી મોડી રાત બાદ સાચી ઠરી હતી. સાંજે 6 વાગ્યા પછી ઉત્તરોત્તર પવનોની ઝડપ વધી હતી. રાત્રે 10 વાગે શહેરમાં 65 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો. જે રાતથી વધારે તોફાની બન્યો. મળસ્કે સાડા પાંચ વાગે 76 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયો હતો. સવારે સાડા સાત વાગે 78 અને બપોરે સાડા બાર વાગે સૌથી વધારે 86 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો. શહેરીજનોએ પોતોના ઘરમાંથી જમીન ઉપર નમી પડી ઝોલા ખાતા ઝાડો અને કાનના પરદા હચમચાવી મૂકે તેવે ઘાતક પવનનો અહેસાસ કયો હતો. લોકોએ પોતોના મકાનના દરવાજા પણ હવાએ ખટખટાવતા જોઇ હોરર મૂવીની યાદઆવી ગઇ હતી.આ સિવાયના સમયગાળામાં સતત 55 થી 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાવાનું ચાલું રહ્યું હતું.
- સોમવારની રાતના 12 થી મંગળવારે સાંજના 8 વાગ્યા સુધીનો વરસાદના આંક
- સેન્ટ્રલ 127 મીમી
- રાંદેર 61 મીમી
- અઠવા 101 મીમી
- ઉધના 77 મીમી
- કતારગામ 91 મીમી
- લિંબાયત 62 મીમી
- વરાછા-એ 110 મીમી
- વરાછા-બી 117 મીમી
મે મહિનામાં વરસાદી પાણીના ફરી વળેલા દ્રશ્યો પહેલીવાર જોવા મળ્યા
ભારે વરસાદને કારણે વિવિધ વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ફરી વળ્યા હતાં. મે મહિનામાં શહેરના રસ્તા ઉપર પાણી ફરી વળેલા દ્રશ્યો પહેલીવાર જોવા મળ્યા હતાં. મે મહિનામાં આવી સ્થિતિ અત્યાર સુધી સુરત કોર્પોરેશનના અધિકારીઓએ પણ જોઈ નથી. રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે હાલાકી પડી હતી તો બીજી તરફ ઘણા બધા વાહનો પાણીના ભરાવાના કારણે ખોટકાઈ ગયેલા પણ નજરે ચડયા હતા.
ભારે વરસાદના પગલે નીચાણવાળા રસ્તાઓ નદીની જેમ પાણીથી વહેવા લાગ્યા હતાં
તૌક્તે વાવાઝોડાના કારણે સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનથી સમગ્ર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારથી જ પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં હોડી બંગલા, પોદાર આર્કેડ પાસેના ગરનાળામાં, દિલ્હી ગેટ પાસેના રેલ્વે ગરનાળામાં, અમરોલી મનિષા ગરનાળામાં, મોટા વરાછા સુદામા ચોક, ઘોડદોડરોડ, ભટાર જમના નગર, સીટી લાઇટ તેરાપંથ ભવન પાસે, વેસુ વીઆઇપી રોડ પર, વરિયાળી બજાર, કાદરશાની નાળમાં, કતારગામ દરવાજા, પારસ પોલીસ ચોકી પાસે, પરવટ પાટિયા, આંજણા ફાર્મ પાસે, ભાગળ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતાં. નીચાણવાળો વિસ્તાર હોવાથી બે ઈંચ જેટલા વરસાદમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. બડેખાં ચકલા પોલીસ ચોકીની આસપાસના વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો.
પ્રિ મોન્સુન કામગીરી ન થતા, ફલડ ગેટ ન ખોલાયા હોવાને કારણે ઠેર ઠેર પાણી ભરાયા
પાલિકાની ટીમ કોરોના સંક્રમણને કારણે પ્રિ મોન્સુન કામગીરી આ વર્ષે કરી શકી નથી તેવું આજના દ્રશ્ય પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. મોટાભાગનો પાલિકાનો સ્ટાફ કોરોના નિયંત્રણ લાવવામાં હતો. પ્રિ મોશનની કામગીરી યોગ્ય રીતે ન થઈ હોવાને કારણે શહેરીજનોને મુશ્કેલી જોવા મળી હતી. ઉપરાંત ફલડ ગેટ નહી ખોલાવતા નિચાણવાળા વિસ્તારમાં લાંબા સમય સુધી પાણીનો ભરાયેલા રહ્યા હતા. મે મહિનામાં આ પ્રકારની સ્થિતિ છે તો ચોમાસા દરમિયાન શહેરની સ્થિતિ વધુ વકરી શકે તેવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. કોર્પોરેશન દ્વારા પ્રિ મોશનની કામગીરી ન કરાતા અને ફલડ ગેટ નહી ખોલાતા નીચાણવાળા વિસ્તારોની સાથે સાથે રસ્તા ઉપર ઠેર ઠેર પાણીનો ભરાવો જોવા મળ્યો હતો.
ભારે પવનના ફૂંકાતા પતરાના શેડ હવામાં ફંગોળાયા
શહેરમાં ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં પાર્કિગના શેડ, ટેરેસ પરના શેડ, કાપડના મંડપ, પતરાના પાટેશન સહિત હવામાં ફંગોળાયા હતા. જેમાં વેસુ વિસ્તારમાં મોટા પાર્કિંગનો શેડ પુરપાટ ઝડપે વહેતા પવનને મજબૂત પતરાના શેડ પણ ઉખાડીને ફેંકી દીધા હતાં. જ્યારે વરાછાના કાપોદ્રા રચના સર્કલ પાસે ટેરેસ પરના પતરાનો શેડ હવામાં ઉડતા અફરાતફરી મચી ગઇ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઇ ઇજા કે જાનહાનિ થઇ ન હતી
સુરત એરપોર્ટને માત્ર ઇમરજન્સી ફ્લાઇટ લેન્ડીંગ માટે અનામત રાખવામાં આવ્યું
વાવાઝોડાના પગલે બે દિવસ સુરત એરપોર્ટ બંધ રાખવામાં આવ્યું હતું. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા સુરત એરપોર્ટનો વિસ્તાર વાવાઝોડાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં આવતો હોવાથી સોમવારે સવારે 11 વાગ્યાથી મંગળવારે બપોરે 1 વાગ્યા સુધી એરપોર્ટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ ભારે પવન, વરસાદ અને ઓછી વિઝીબીલીટીને કારણે મંગળવારે રાતે 12 વાગ્યા સુધી એરપોર્ટ બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. આવતી કાલે બુધવારથી 10 ફ્લાઇટ્સ રાબેતા મુજબ ઓપરેટ થશે. એરપોર્ટ ઓથોરીટીએ આ ફ્લાઇટ માટે શીડયુલ જાહેર કર્યું છે. આજે મંગળવારે સુરત એરપોર્ટને માત્ર ઇમરજન્સી ફ્લાઇટ લેન્ડીંગ માટે અનામત રાખવામાં આવ્યું હતું.
ખેડૂતોને નુકસાન
વાવાઝોડાની સીધી અસર સુરત સહિતના દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં જોવા મળી હતી. 65 કિલોમીટરથી વધુ ઝડપે ફરી વળેલા પવન સાથે ભારે વરસાદ થતાં ખેતીને વ્યાપક નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, તાપી અને નર્મદા જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ દ્વારા જે પ્રાથમિક સર્વે કરવામાં આવ્યો છે તે મુજબ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 500 કરોડનું નુકસાન થયું છે. તે પૈકી 250 કરોડથી વધુ નુકસાન માત્ર સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ, પલસાણા, ઉમરપાડા, બારડોલી, ચોર્યાસી, કામરેજ, મહુવા અને સુરત સિટી વિસ્તારમાં થયું છે. જિલ્લાના સહકારી આગેવાન અને ખેડૂત અગ્રણી જયેશ એન. પટેલે (દેલાડ) જણાવ્યું હતું કે, 50 ટકા ખેતરોમાં પાણી ભરાતા 150 કરોડ સુધી માત્ર ડાંગરના પાકને નુકસાન થયું છે.