કોવિશીલ્ડ રસીના બે ડોઝ વચ્ચે અંતર વધારીને 12થી 16 સપ્તાહ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાહેરાત કરી છે. નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઇજેશન (NTAGI)એ ભલામણ કરી હતી કે કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેના સમયગાળાને 12થી 16 સપ્તાહ સુધી વધારી દેવામાં આવે. આ ભલામણને સરકારે સ્વીકારી લીધી છે. અત્યાર સુધી આ વેક્સિનના (Vaccine) ડોઝ વચ્ચે 6થી 8 સપ્તાહ સુધીનું અંતર રાખવામાં આવ્યું હતુ. પેનલે કહ્યું હતું કે કોવેક્સિન અંગે કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. કેન્દ્ર સરકારે પણ માર્ચમાં કોવિશીલ્ડ રસીના પહેલા અને બીજા ડોઝ વચ્ચે અંતર 28 દિવસથી વધારીને 6થી 8 સપ્તાહનું કરવાની વાત કરી હતી. આ સાથે જ સરકારી પેનલે કહ્યું કે જે લોકો કોવિડ-19માંથી સાજા (Recover) થઈ ચૂક્યા છે અને તપાસમાં તેમના સાર્સ સીઓવી-2થી સંક્રમિત થવાની પુષ્ટિ થઈ છે તે લોકોએ સાજા થયા બાદ છ મહિના સુધી સુધી રસીકરણ કરાવવું જોઈએ નહીં. ભારતમાં હાલ બે વેક્સિન કોવૈક્સીન અને કોવિશીલ્ડની મદદથી રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ સરકારે રશિયાની વેક્સિન સ્પૂતનિક-વી રસીને પણ ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.
કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં રસી સૌથી મોટું હથિયાર ગણાઈ રહ્યું છે અને દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી મૂકવામાં આવી રહી છે. ત્યારે હવે કોવિશિલ્ડ રસી બાબતે નવા સમાચાર આવી રહ્યા છે. સરકારની પેનલ નેશનલ ઇમ્યુનાઈઝેશન ટેક્નિકલ એડવાઈઝરી ગ્રૂપ (National Immunization Technical Advisory Group) (NTAGI) એ રસીકરણ અંગે ભલામણો કરી હતી જેનો સરકારે સ્વીકાર કરી મંજૂરી આપી દીધી છે. જેમાં કોવિશીલ્ડ રસીના બે ડોઝ વચ્ચે અંતર વધારવાની વાત કરાઈ છે. બીજી બાજુ, જે લોકોએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે અને જો તેઓને બીજા ડોઝ પહેલાં ચેપ લાગે છે, તો તેઓએ સાજા થયા પછી આગળનો ડોઝ મેળવતા પહેલા ચારથી આઠ અઠવાડિયા રાહ જોવી જોઈએ.
સરકારી પેનલે કહ્યું કે ગર્ભવતી મહિલાઓને કોવિડ-19ની રસીનો કોઈ વિકલ્પ આપી શકાય છે. આ સાથે જ સ્તનપાન કરાવનારી મહિલાઓ બાળકોને જન્મ આપ્યા બાદ કોઈ પણ સમયે રસી મૂકાવી શકે છે. પેનલે જણાવ્યું હતું કે જે લોકો કોરોના મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે તેમણે 6 મહિના સુધી વેક્સિન ના લગાવવી જોઈએ. જોકે સરકારની મંજૂરી મળ્યા પછી જ આ અંગે નિર્ણય લેવામાં આવશે. શરૂઆતમાં કોવિશીલ્ડના બંને ડોઝ વચ્ચે 4થી 6 સપ્તાહ સુધીનું એટલે કે 28થી 42 દિવસનું અંતર રાખવામાં આવ્યું હતું. ત્યાર પછી આને વધારીને 42થી 56 દિવસ સુધી કરાઈ દેવાયું હતું.
કેટલાક લોકો રસીની અછતને કારણે સરકારી પેનલની આ ભલામણ હોઈ શકે તેવું માની રહ્યા છે. રસીના અભાવને કારણે મહારાષ્ટ્ર, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી રસીકરણને અસર થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં કોરોના રસીની અછતને ધ્યાનમાં રાખીને સરકારી પેનલે કોવિશિલ્ડના બંને ડોઝ વચ્ચેનું અંતર વધારવાની ભલામણ કરી હતી.