સુરત: (Surat) કોરોનોની બીજી લહેરમાં સામાન્ય નાગરિકોની સાથે સાથે ભાજપના (BJP) કાર્યકર્તાઓને પણ રડવાનો વારો આવ્યો હતો. સવલતોને અભાવે કાર્યકર્તાઓને પણ તેમના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો હતો. કોવિડની બીજી લહેર તો પુર્ણ થઈ રહી છે. પરંતુ લોકોનો ગુસ્સો હજી શમ્યો નથી. જેમાંથી ભાજપના કાર્યકર્તાઓ પણ બાકાત નથી. ભાજપના લોકસભાના સાંસદ (MP) પ્રભુ વસાવા (Prabhu Vasava) આજે સુરતના પુણા વિસ્તારના આઇસોલેશન સેન્ટરની મુલાકાત કરવા ગયા હતા. તેઓ પોતાના સાથી મિત્રો સાથે આઇસોલેશન સેન્ટર પર પહોંચ્યા ત્યારે ત્યાં હાજર ભાજપના કાર્યકર્તાએ તેમનો ઉગ્ર વિરોધ કરતા સાંસદ પ્રભુ વસાવા શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયા હતા. ભાજપના જ સંગઠન મંત્રી મહેશ હીરપરાઓ સાંસદની સાથે તમામ લોકોને રીતસર ખખડાવી નાખ્યા હતા.
પુણા ખોડલધામ આઈસોલેશન વોર્ડ પુણા પટેલ સમાજની વાડીમાં આજે માત્ર ફોટો સેશન કરાવવા પહોંચેલા પ્રભુ વસાવાને તેમના જ પાર્ટીના સંગઠન મંત્રી મહેશ હીરપરાએ ખખડાવી નાંખતા ત્યાં હાજર તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા. ભાજપના અગાઉ વોર્ડ નં. 3 માં યુવા ભાજપ પ્રમુખ અને હાલના ભાજપના શહેર સંગઠન મંત્રી મહેશ હીરપરાએ તમામનો ઉધડો લઈ લીધો હતો. તેઓએ વિરોધ કરતા જણાવ્યું હતું કે, ‘‘કોરોનાની બીજી લહેરમાં મે મારો સગો ભાઈ ગુમાવ્યો છે. વેન્ટીલેટરના ફાંફા હતા, અમે કેટલા નેતાઓને ફોન કર્યા, કેટલા બધા ધારાસભ્યોને ફોન કર્યા, કોઈએ પણ અમારા ફોન ઉંચક્યા નહી. અને હવે અહીયા ફોટો સેશન કરવા આવી ગયા છો. તમને લોકોને શરમ આવવી જોઈએ. કોરોનાની બીજી લહેર પુરી થઈ ગઈ છે ત્યારે તમે અહી આવ્યા છો તમને શરમ નથી આવતી?? વધુમાં બળાપો કાઢતા તેઓ બોલ્યા હતા કે, અમને ભાજપના કાર્યકર્તા તરીકે કોઈ ગર્વ નથી રહ્યો. અમે સુરત મહાનગરપાલિકાની ચુંટણીમાં જીવના જોખમે મત ભીખ માંગવા નીકળ્યા હતા.’’ ભાજપના અન્ય કાર્યકર્તાઓ તેમને સમજાવતા હતા કે, અત્યારે આવી વાત કરવાનો સમય નથી ત્યારે મહેશ હીરપરાએ તેમને રોકડું પરખાવી દીધું હતું કે, હવે જ અમારો સમય આવ્યો છે.
તેમના ભાઈ કોરોનામાં ગુજરી ગયા જેથી તેમનો આક્રોશ પણ વ્યાજબી છે: પ્રભુ વસાવા(સાંસદ)
બારડોલાની સાંસદ પ્રભુ વસાવાએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં જાણે આભ ફાટી ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પુણા આઈસોલેશન સેન્ટરમાં ગયા ત્યારે ભાજપના જ કાર્યકર્તા મહેશ હીરપરા કે જેઓ થોડા ઉગ્ર સ્વભાવના છે. તેઓના ભાઈ પણ કોરોનામાં ગુજરી ગયા હતા જેથી તેમનો આક્રોશ પણ વ્યાજબી છે. પાર્ટીના લોકોને કોરોનામાં જે-તે વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી હતી. અને ધારાસભ્યોએ તેમની જવાબદારી પણ નિભાવી છે.