વેક્સિનના મામલે તમે ચૂપ બેસશો તો ઘરે બેસવાનો વારો આવશે – Gujaratmitra Daily Newspaper

SURAT

વેક્સિનના મામલે તમે ચૂપ બેસશો તો ઘરે બેસવાનો વારો આવશે

surat : મનપાના વિવિધ ઝોનના કોર્પોરેટરો, અધિકારીઓ સાથે પદાધિકારીઓ મીટિંગ કરી રહ્યા છે. જે અંતર્ગત મંગળવારે રાંદેર ઝોન સાથે મીટિંગનું આયોજન કરાયું હતું. અડાજણમાં પર્ફોમિંગ આર્ટ સેન્ટર ખાતે યોજાયેલી મીટિંગ ( meeting) માં સ્થાનિક કોર્પોરેટરોએ શહેરની હદ વિસ્તારમાં નવા સમાવવામાં આવેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ આપવાના મુદ્દે તથા રાંદેર ગામતળ વિસ્તારમાં અશાંતધારા મુદ્દે પ્રશ્નોનું નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત રાંદેર ઝોન ( rander zone) ના કેટલાક વિસ્તારોમાં દબાણકર્તાઓનું ન્યૂસન્સ દૂર કરવા માટે પણ રજૂઆતો કરવામાં આવી હતી. ઉપરાંત હાલમાં વેક્સિનેશન ( vaccination) માટે ઘણાં સેન્ટરો પર હાલાકી થઈ રહી હોય, રાંદેર ઝોનના એક મહિલા નગરસેવકે રાંદેર ઝોનમાં વેક્સિન ( vaccine) નો કેટલો જથ્થો આવે છે તેવો પ્રશ્ન કર્યો હતો. પરંતુ તે સવાલના જવાબમાં આરોગ્ય અધિકારી ચૂપ બેસી રહેતાં સ્થાયી સમિતિના ચેરમેને આરોગ્ય અધિકારીને રોકડું સંભળાવી દીધું હતું કે, આવું જ રહેશે તો તમારે ઘરે બેસવાનો વારો આવશે.

ઉપરાંત રાંદેર ગામતળ વિસ્તારના કોર્પોરેટરોએ અશાંતધારા મુદ્દે જે પ્રશ્નો ચાલી રહ્યા છે અને લોકોની ફરિયાદો મળી રહી છે તેનું યોગ્ય નિરાકરણ માટે માંગ કરી હતી. નવા સમાવિષ્ટ વિસ્તારો ઈચ્છાપોર-ભાઠા વિસ્તારોના કોર્પોરેટરોએ રજૂઆત કરી હતી કે, હાલમાં જ આ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં હજુ સુધી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. ત્યારે ઝડપથી આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે. આ ઉપરાંત ડ્રેનેજની સમસ્યાને લઈને પણ અનેક ફરિયાદો મળી રહી છે. ત્યારે જૂની લાઈનો તબદીલ કરવા માટે પણ માંગ કરવામાં આવી હતી. રાંદેર બજાર તથા સુભાષ ગાર્ડન પાસે દબાણકર્તાઓનો ત્રાસ વધી ગયો છે. જેથી તાત્કાલિક ધોરણે આ ન્યૂસન્સને દૂર કરવા માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સંકલન બેઠકમાં કેટલાક પ્રશ્નોને મુદ્દે રાંદેર ઝોનના કેટલાક અધિકારીઓનો શાસકોએ આડે હાથ લીધા હતા.


અશાંતધારા વિસ્તારમાં ચાલતાં બાંધકામો અટકાવવામાં આવે

રાંદેર ઝોનના ગામતળ વિસ્તારમાં અશાંતધારાના મુદ્દે સ્થાનિક કોર્પોરેટરોએ રજૂઆત કરી હતી. જેમાં ગોરાટ વિસ્તારમાં ચાલી રહેલા રેહાન હાઇટ્સ સહિતનાં તમામ બાંધકામ તાત્કાલિક અટકાવવામાં આવે તેમજ બાંધકામોની વિકાસ પરવાનગીની ફાઈલો રિઓપન કરવામાં આવે, અશાંતધારાની કલમ 263 (બી)નો ભંગ થતો હોવાથી બી.યુ.સી. આપવામાં આવે નહીં એ મુદ્દે સ્થાનિક કોર્પોરેટર કેયુર ચપટવાલાએ રજૂઆત કરી હતી. વધુમાં તેમણે નહેરુબ્રિજ અને વિવેકાનંદ બ્રિજના અડાજણના છેડે અસામાજિક તત્ત્વો ફેરિયાઓનું દબાણ દૂર કરવા, પાણી, ડ્રેનેજ લાઈન તેમજ ગેરકાયદે બાંધકામો દૂર કરવા પણ રજૂઆત કરી હતી.


મનપાની જગ્યા પર ગેરકાયદે દરગાહનું બાંધકામ કરી દેવાયા મુદ્દે પણ રજૂઆત

રાંદેર ઝોનમાં મોરા ભાગળ પાસે સુરત મનપાના પ્લોટ પર જે-તે સમયથી ઈદગાહ માટે બાંધકામ કરાતું હતું. પરંતુ જે-તે સમયે માત્ર 10 ટકા જગ્યા પર જ બાંધકામ કરાયું હતું. પરંતુ સમય જતાં ધીરે ધીરે મનપાના સમગ્ર પ્લોટની જગ્યા પચાવી લેવાઈ હતી. અને દરગાહનું બાંધકામ કરી દેવાતાં આજે સ્થાનિક કોર્પોરેટરોએ આ મુદ્દે પણ રજૂઆત કરી હતી.


પીપરડીવાલા સ્કૂલ પાસે ગેરકાયદે બાંધકામ માટે ખુદ મેયરે રજૂઆત કરવી પડી

રાંદેર ઝોનમાં પીપરડીવાલા સ્કૂલ પાસે, શંકરનગર પાસે કોમન પ્લોટમાં જે-તે સમયે ગેરકાયદે બાંધકામ કરાયું હતું. પરંતુ તે જે-તે સમયે તોડી પડાયું હતું. પરંતુ ત્યાં ફરીવાર બાંધકામ થઈ ગયું હતું. જે અંગે મેયરે અગાઉ પણ કે જ્યારે તેઓ મેયર ન હતા ત્યારે પણ રજૂઆત કરી હતી. અને મેયર બન્યા બાદ પણ તેઓએ અધિકારીઓને આ અંગે પ્રશ્નો કર્યા હતા. પરંતુ અધિકારીઓએ લૂલો બચાવ કરતાં એમ જણાવ્યું હતું કે, તેમને પોલીસ બંદોબસ્ત મળતો નથી.

Most Popular

To Top