સુરત: દરેક હોદ્દાની એક ગરીમા હોય છે અને સાથે સાથે તે હોદ્દો ધરાવતી વ્યક્તિ જે ખુરશી પર બેસતી હોય તેની પણ ગરીમા હોય છે પરંતુ ભાજપના કોર્પોરેટરો જાણે સવાયા અધિકારીઓ હોય તેમ આ ગરીમાને નેવે મુકી રહ્યાં છે. જેની પ્રતિતિ રાંદેર ઝોન કચેરીમાં થવા પામી હતી. રાંદેર ઝોનના કોર્પોરેટર આમ તો રજૂઆત કરવા માટે ગયાં હતાં પરંતુ ડે.કમિ. ગેરહાજર દેખાતાં તેમની ખુરશી પર બેસી ગયા હતાં. મહિલા કોર્પોરેટરની આ હરકતને પગલે અધિકારીઓમાં રોષનો માહોલ છે.
વાત જાણે એમ હતી કે, સામાન્ય રીતે જેમ કોર્પોરેટરો પોતાના વિસ્તારની રજૂઆતો કરવા માટે જતાં હોય છે તેમ રાંદેર ઝોનના કોર્પોરેટર અડાજણના વૈશાલી શાહ પણ સોમવારે પોતાના વિસ્તારના લોકોની રજૂઆત લઈને રાંદેર ઝોન કચેરીમાં ગયાં હતાં. વૈશાલી શાહ એવી રજૂઆત કરવા માટે ગયા હતાં કે રાંદેર ઝોનમાં કોરોનાના દર્દીઓ ઘટતાં નથી. વૈશાલી શાહ રજૂઆત કરવા માટે રાંદેર ઝોનના ઝોનલ ચીફ અને ડે.કમિ. સી.વાય.ભટ્ટને મળવા માટે ગયાં હતાં. પરંતુ ડે.કમિ. ભટ્ટ ગેરહાજર હતાં તો સીધા તેમની ખુરશી પર બેસી ગયાં અને અધિકારીઓને બોલાવીને આદેશ કરવા માંડ્યાં. એક સામાન્ય કોર્પોરેટર ડે.કમિ.ની ખુરશી પર બેસી જતાં મોટો વિવાદ થયો હતો. કોર્પોરેટર દ્વારા ડે.કમિ.ની ખુરશી પર બેસવાને કારણે અધિકારીઓમાં પણ ભારે કચવાટની લાગણી જોવા મળી હતી.
ઝોનલ ચીફ ગેરહાજર હતાં અને ભુલમાં તેમની ખુરશી પર બેસી ગઈ: કોર્પો. વૈશાલી શાહ
આ અંગે ભાજપના કોર્પોરેટર વૈશાલી શાહે જણાવ્યું હતું કે, રાંદેર ઝોનમાં ઘણા પ્રશ્નો છે. પાણીની સમસ્યા છે. કોવિડના કેસ પણ હજી ઘટતા નથી. રાંદેર ઝોનમાં ઘણી માર્કેટોમાં ભીડ થાય છે. જેથી કોરોનાના કેસ ઘટતા નથી. આ તમામ બાબતે ચર્ચા કરવા માટે રાંદેર ઝોન ઓફિસમાં ઝોનલ ચીફને મળવા ગઈ હતી. પરંતુ ઝોનલ ચીફ સી.વાય.ભટ્ટ હાજર ન હતા. તેમની ઓફિસમાં ગઈ હતી અને ધ્યાન બહાર જ તેમની ખુરશી પર બેસી ગઈ હતી.