Gujarat Main

વિજય નેહરાની થઈ શકે છે ટાસ્કફોર્સમાં એન્ટ્રી, ગામડાઓમાંથી કોરોના નાબૂદ કરવા સોંપાઈ વિશેષ જવાબદારી

ગુજરાતનાં શહેરોમાં કોરોનાના કેસો ( corona cases) ઘટી રહ્યા છે, પરંતુ ગામડાંમાં કાબૂમાં ના આવતાં સરકાર હવે ફાસ્ટટ્રેક મોડમાં આવી છે. અમદાવાદમાં કોરોનાની પ્રથમ લહેર દરિમયાન મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી રહેલા વિજય નેહરાની કેટલીક કામગીરી મુદ્દે નારાજગી હોવાથી તેમની બદલી કરીને ગ્રામ વિકાસ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા હતા. હવે તેઓને ફરીથી મુખ્ય કામગીરી સોંપાઈ શકે છે. ગુજરાત સરકાર ગામડાંમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ, અને ટ્રેકિંગ વધારવાની સાથે વેક્સિનેશન ( vaccination) અને યોગ્ય તેમજ ઝડપી સારવારની વ્યવસ્થા મજબૂત કરવા માટે ફરી એકવાર વિજય નેહરા ( vijay nehra) ને ખાસ જવાબદારી સોંપી શકે છે. એટલું જ નહીં કોરોના ટાસ્કફોર્સમાં નેહરાનો સમાવેશ કરવામાં આવી શકે છે.


આ પહેલાં ગત મે 2020માં અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસને કાબૂમાં લેવા અને શાસક પક્ષ સાથે વિવાદ થતાં નેહરાને મ્યુનિસિપલ કમિશનરપદેથી હટાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન અને ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા મુકેશ કુમારને મ્યુનિસિપલ કમિશનર ( municiple commissioner) બનાવી જવાબદારી સોંપવામાં આવી હતી. માર્ચ 2020માં જ્યારે અમદાવાદમાં કોરોનાના કેસો શરૂ થયા ત્યારે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા કાર્યરત હતા. કમિશનર તરીકે પોતે મહાનગરની જવાબદારી હોઈ તેમણે કોરોના સંક્રમણ કાબૂમાં લેવા કડક પગલાં અને એના અમલની શરૂઆત કરાવી હતી. ટેસ્ટિંગથી લઈ ટ્રેસિંગ અને સમયસર સારવાર અંગે તેમણે રણનીતિ બનાવી હતી. જ્યાં પણ વધુ કેસ આવતા હતા ત્યાં બફર અને ક્લસ્ટર ઝોન જાહેર કરીને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવતો હતો. આખા વિસ્તારને બંધ કરી એમાં રહેલા લોકોને સુવિધાઓ પણ પૂરી પાડી હતી. હોમ ક્વોરન્ટીન અંગેના કડક નિયમો લાગુ કર્યા હતા, જેમાં જે પણ વ્યક્તિ ઝોનમાંથી બહાર નીકળે અથવા ક્વોરન્ટીનનો ભંગ કરે તો પગલાં લેવાયાં હતાં.


ભારતનાં વિવિધ રાજ્યો કોરોના સંક્રમણની બીજી લહેર સામે હાલ ઝઝૂમી રહ્યાં છે, ત્યારે દેશના આરોગ્ય નિષ્ણાતોએ પણ દાવો કર્યા છે કે કોરોના સંક્રમણની ત્રીજી લહેર ગંભીર હોય શકે છે. પરિણામે, સંભવિત ત્રીજી લહેરને લઈને રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ( vijay rupani) આ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કોરોના સંક્રમણની બીજી લહેરની સામે લડવાની સાથે સાથે આગળના સમયમાં આવનાર કોરોના સંક્રમણની ત્રીજી લહેરની પણ તૈયારીઓ અત્યારથી જ કરી રહી છે. આ અંગે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે મળતી કોર કમિટીની બેઠકમાં છેલ્લા બે દિવસથી કોરોના સંક્રમણની ત્રીજી લહેરની તૈયારીઓ સંદર્ભે ચર્ચા કરવામાં આવી રહી છે.

ગ્રામીણ વિસ્તારોમાં સંક્રમણ વધશેઃ નેહરા
ખાસ કરીને ગ્રામ વિકાસ કમિશનર વિજય નેહરાએ ચોંકાવનારા નિવેદન સાથે સ્પષ્ટ સંકેતો આપ્યા હતા કે આગામી દિવસોમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધશે, જેને કારણે રાજ્યનાં ગામડાંને ખાસ સુરક્ષિત બનાવવાં પડશે, સાથે સાથે ગ્રામીણ વિસ્તારમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર વિશેષ ભાર મૂકી એને સશક્ત બનાવવાં પડશે.

Most Popular

To Top