SURAT

કાપડ માર્કેટ બંધ હોવાથી DGVCL વીજબીલ પેનલ્ટી નહીં વસુલે : મિલમાલિક

સુરત: કોરોના સંક્રમણ (CORONA INFECTION)ની બીજી લહેર (SECOND WAVE) સુરતના ટેક્સટાઇલ ક્લ્સ્ટર (TEXTILE CLUSTER)ના ડાઇંગ પ્રોસેસિંગ એકમો માટે ઘાતક નીવડી છે. એક તરફ 70 ટકા કામદારો પલાયન કરી જતા મિલોમાં માંડ એક પાળી ચાલી રહી છે. દિલ્હી, મુંબઇ, બેંગ્લૂરૂ, કોલકાતા, ચેન્નાઇ અને રાજસ્થાનની માર્કેટો લોકડાઉન (LOCK DOWN)ને લીધે બંધ છે. એવી સ્થિતિમાં પ્રોડક્શન સાવ તળિયે ગયું છે.

સુરતમાં કાપડ માર્કેટો બંધ છે. તેને લીધે જોબવર્ક પર આધારિત મિલોને તાળા મારવાના દિવસ આવ્યાં છે. આ સ્થિતિમાં મિલો માટે કર્મચારીઓને ખર્ચી આપવાની સમસ્યા ઉભી થઇ છે. ત્યારે સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશને ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરી અને ગુજરાત ગેસના એમડી તથા જનરલ મેનેજરને પત્ર લખી પ્રોસેસિંગ એકમોને વીજબિલ અને ગેસબિલમાં રાહત આપવા માંગ કરી છે.

એસજીટીપીએના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં વેપાર ધંધો બંધ છે. કાપડનો વેપાર જે રાજ્યોમાં થાય છે ત્યાં લોકડાઉનની સ્થિતિ છે. તેને પગલે 50 ટકાથી વધુ મિલો બંધ થઇ છે. જે મિલો ચાલે છે, તે એક પાળીમાં કાર્યરત છે. આવી સ્થિતિમાં ડીજીવીસીએલે વીજબિલના વિલંબિત ચૂકવણામાં વ્યાજ અને પેનલ્ટી વસૂલવી જોઇએ નહીં તથા જે યુનિટોએ કમિટમેન્ટ ચાર્જનો કરાર કર્યો છે અને જો તે યુનિટ વર્તમાન સ્થિતિમાં બંધ રાખવામાં આવ્યું હોય તો તેમની પાસે મિનીમમ ચાર્જ વસૂલ કરી રાહત આપવી જોઇએ. વખારિયાએ વધુમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે સરકારે વીજબિલ ભરવામાં રાહતો આપી હતી એટલુજ નહીં જૂના બાકી બિલના વ્યાજમાં પણ પચાસ ટકા સુધી રાહત આપી હતી અને વિલંબિત બિલની પેનલ્ટી માફ કરી હતી. તેને લીધે ડાઇંગ પ્રોસેસિંગ ઉદ્યોગ ફરી બેઠો થયો હતો. એસજીટીપીએ દ્વારા આ મામલે ટૂંક સમયમાં ઉર્જામંત્રી સૌરભ પટેલને પણ રજૂઆત કરાશે.

ગુજરાત ગેસ કંપની પણ મિલોને મિનીમમ ચાર્જ અને ડિલે પેમેન્ટના વ્યાજમાં રાહત આપે

એસજીટીપીએના પ્રમુખ જીતુ વખારિયાએ જણાવ્યું હતું કે એસોસિયેશન દ્વારા ગુજરાત ગેસ કંપનીના સીએમડીને પણ ઉદ્યોગની વર્તમાન સ્થિતિથી વાકેફ કરી એવી રજૂઆત કરવામાં આવી છે કે ગેસ કંપની ટેક્સટાઇલ યુનિટો પાસેથી મિનીમમ ચાર્જની વસૂલાત નહીં કરે અને ડિલે પેમેન્ટનું વ્યાજની વસૂલાતમાં પણ રાહત આપે. જે યુનિટો કરાર આધારિત છે તેમની પાસે વાસ્તવિક વપરાશ પ્રમાણે સભ્યો પાસે બિલની વસુલાત ગયા વર્ષની જેમ કરેતો ઉદ્યોગો ફરી બેઠા થઇ શકે છે.

Most Popular

To Top