uncategorized

“મન સે જો હારા, વો હારા, મન સે જો જીતા, વો જીતા” : કોરોના મહામારીમાં દ્રઢ મનોબળ જાળવી રાખવા રાજયપાલની અપીલ

“મારું ગામ, કોરોના મુક્ત ગામ”ની રાજ્ચપાલની પ્રેરણાથી શરૂ થયેલી ઝૂંબેશે વેગ પકડ્યો: 13 હજાર ઉપરાંત ગામોમાં કોવિડ કેર સેન્ટર કાર્યરતપીઆઈબી આયોજિત વેબિનારમાં ખુલ્લા મને રાજ્યપાલની અખબારી આલમના મોભીઓ સાથે મંત્રણા – ગુજરાતમિત્રના રૂચિર રેશમવાળાની પણ વર્ચ્યુલ ઉપસ્થિતિગાંધીનગર: “Rajbhavan rises in Corona crisis” કેન્દ્ર સરકારના સૂચન બાદ કોરોના સામેની લડાઈમાં તમામ રાજ્યોના રાજભવનોએ સક્રિયતાથી કાર્યવાહી કરવાનું ચાલુ કરી દીધું છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા રાજ્યની ધાર્મિક સંસ્થાઓના વડાઓ સાથે તાજેતરમાં એક બેઠક મળી હતી. બાદમાં તમામ યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલર્સની બેઠક બોલાવી રાજ્યપાલે શિક્ષકો અને વિદ્યાર્થીઓને કોરોના વિરુદ્ધની સામૂહિક લડાઈમાં જોતરાઈ જવા અનુરોધ કર્યો હતો.

આજે પીઆઈબી અમદાવાદ દ્વારા યોજાયેલ ખાસ વેબિનારમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આપેલા ચાવીરૂપ વક્તવ્યમાં માર્મિક અપીલ કરતાં કહ્યું હતું કે “મન સે જો હારા, વો હારા, મન સે જો જીતા, વો જીતા”,રાજ્યપાલે કોરોના મહામારી સામે દ્રઢ મનોબળની જાળવણી પર ભાર મૂકતાં કહ્યું કે સામૂહિક ચેતના દ્વારા જ આવી ભયંકર વ્યાપ અને તીવ્રતાવાળી મહામારીનો સફળતાપૂર્વક મુકાબલો કરી શકાશે. રાજ્યના પત્રકાર જગતના અગ્રણીઓ સાથે સંવાદ દરમિયાન રાજ્યપાલશ્રીએ કહ્યું કે હોસ્પિટલોમાં તાલીમ પામેલ પેરામેડિકલ સ્ટાફની પૂરતી તૈનાતી માટે રાજ્ય સરકાર તમામ પગલાં લઈ રહી છે.

એક પ્રશ્નના જવાબમાં રાજ્યપાલે કહ્યું હતું કે પ્રાકૃતિક ખેતી એ માત્ર આવક વધારવાનું જ સાધન નથી, પરંતુ હાનિકારક રસાયણોના ઉપયોગ વગર પ્રાકૃતિક સંસાધનોથી થતી આવી ખેતીના ઉપજરૂપ અનાજ, કઠોળ વગેરે રોગપ્રતિકારક શક્તિ વધારવાના અવ્વલ સાધનો છે. મોટા પાયે વૃક્ષારોપણ પ્રવૃત્તિને ઉત્તેજન અને વૃક્ષ છેદન પ્રવૃત્તિ પર અંકુશ – આ બંને ધ્યેયો અભિયાનના સ્વરૂપમાં આગામી દિવસોમાં રાજભવન ચલાવશે એમ પણ રાજ્યપાલે ઉમેર્યું હતું.એક સ્વયંસેવી સંસ્થાના સહયોગથી કોરોના યોદ્ધાઓના પરિવારોને રાશનપાણીની કીટ પહોંચાડવાનું અભિયાન શરૂ થઈ ચૂક્યું હોવાની માહિતી પણ એમણે આપી હતી. પહેલા તબક્કામાં આવી 11 હજાર કીટ રાજકોટ, જામનગર અને કચ્છ જિલ્લાને ફાળવી હોવાની તેમજ તે વિતરિત થઈ ગઈ હોવાની વાત આચાર્ય દેવવ્રતજીએ કરી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં “મારું ગામ કોરોનામુક્ત ગામ” અભિયાનને ટૂંક સમયમાં જ અપ્રતિમ સફળતા મળી હોવાનું એમણે જણાવ્યું હતું. ભવિષ્યમાં મીડિયા કર્મીઓને પણ રાજભવન દ્વારા કોરોના સહાયતા કીટ આપવામાં આવશે એવી રાજ્યપાલશ્રીએ ખાતરી આપી હતી.

રાજ્યપાલશ્રીના વેબ સંવાદમાં તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીઓ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા. વેબિનારમાં પીઆઈબી પશ્ચિમ ક્ષેત્રના મહાનિદેશક મનીષ દેસાઈ, પીઆઈબી અમદાવાદના અપર મહાનિદેશક ડૉ. ધીરજ કાકડિયા તેમજ પીઆઈબી/આર.ઓ.બી.ના ઈન્ચાર્જ ડાયરેક્ટર સરિતા દલાલ ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના પત્રકાર જગતના મોભીઓ પૈકી સુરત ગુજરાત મિત્રના રૂચિર રેશમવાલાએ પણ ઉપસ્થિત રહી રાજ્યપાલ સાથેના સંવાદમાં ભાગ લીધો હતો.

Most Popular

To Top