Dakshin Gujarat Main

ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં કેવી રીતે લાગી આગ, કેવી રીતે લોકોનો જીવ ગયો, કેવી રીતે લોકોને બચાવ્યા- જાણો સમગ્ર ઘટનાક્રમ

ભરૂચ, અંકલેશ્વર: ભરૂચની (Bharuch) પટેલ વેલફેર હોસ્પિટલના (Patel Welfare Hospital) કોવિડ વોર્ડમાં ભીષણ આગ (Fire) લાગી હતી. જેમાં ૧૬ દર્દી સહિત કુલ ૧૮ લોકોનાં મોત નિપજ્યાં છે. સમગ્ર વિસ્તારમાં અફરાતફરી ફેલાઈ હતી. આ ઘટનામાં ૧૬ દર્દી અને ૨ સ્ટાફકર્મી સહિત ૧૮ લોકોનાં મૃત્યુ થયાં હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં મોડી રાતે ૧૨.૪૫ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગ લાગી ત્યારે હોસ્પિટલમાં ૫૮ જેટલા દર્દી સારવાર લઈ રહ્યા હતા. તો હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં ૨૭ જેટલા દર્દી હતા. આ ઘટનામાં ૧૬ દર્દી અને ૨ સ્ટાફ સભ્ય સહિત ૧૮ લોકોનાં મૃત્યુ થયાં હતાં. જો કે, મૃત્યુ આંક વધવાની શક્યતા છે. આગનો ભોગ બનેલી હોસ્પિટલના દર્દીઓને ભરૂચની સિવિલ હોસ્પિટલ, સેવાશ્રમ હોસ્પિટલ, જંબુસર અલ મહેમૂદ સહિત ભરૂચની ખાનગી હોસ્પિટલોમાં શિફ્ટ કરાયા હતા. હોસ્પિટલના કોવિડ (Covid 19) વોર્ડમાં આગ શોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં અચાનક આગ લાગતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સમાચાર જાણીને લોકોનાં ટોળેટોળાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ દર્દીઓનાં સ્વજનો તેમને બચાવવા માટે ધમપછાડા કરી રહ્યા હતા. પોતાના સ્વજનની સ્થિતિ શું છે તે જાણવા પણ લોકો દોડી આવ્યા હતા. કેટલાંય સ્વજનો દર્દીઓના મરણ (Patient Death) પામ્યાની ખબર સાંભળી આઘાતમાં સરી પડ્યા હતા. આગને પગલે ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. સાથે જ ૪૦થી વધુ એમ્બ્યુલન્સનો કાફલો દર્દીઓની સારવાર માટે દોડાવવામાં આવ્યો હતો. તાત્કાલિક દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા બીજી હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી કરાઈ હતી.

સ્થાનિક રહીશો અને આગેવાનો તથા દર્દીઓના સંબંધીઓ ખડેપગે તંત્ર સાથે બચાવ અને રાહત કામગીરીમાં જોડાયા છે. આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે ઓક્સિજન સિલિન્ડર લીક થયો હોઈ શકે તેમ પણ જણાવ્યું છે. આગને પગલે ભરૂચ કલેક્ટર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં તાત્કાલિક આગનો રિપોર્ટ તૈયાર કરવાની સૂચના આપી દેવાઈ છે. પુરાવાના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. સાથે જ કલેક્ટરે કહ્યું કે, આ ઘટનામાં જવાબદાર લોકો સામે કડકમાં કડક પગલાં લેવાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગકાંડની આ સાતમી ઘટના છે. આ પહેલા ગુજરાતના અમદાવાદ, વડોદરા, જામનગર અને રાજકોટની અલગ અલગ ૬ હોસ્પિટલમાં એક વર્ષમાં આગ લાગવાનો બનાવ બની ચૂકયો છે. એક વર્ષમાં થયેલી આ ૭ આગ હોનારતની ઘટનામાં કુલ ૩૪ દર્દીનાં મોત નિપજ્યાં છે. પરંતુ ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલની હોનારત સૌથી વધુ દિલ ધડકાવી દે તેવી છે. રાત્રે પોણા એક વાગ્યાની આસપાસ લાગેલી આગને કારણે મદદ માટે મોડી રાત્રે અનેક દર્દીઓએ હોસ્પિટલની અંદરથી ઓડિયો મેસેજ પણ મોકલ્યા હતા.

PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
ભરૂચ: ભરૂચના પટેલ વેલફેરમાં લાગેલી આગ અંગે પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો છે. મૃતકોનાં પરિવારજનોને સાંત્વના આપી છે. પ્રધાનમંત્રી મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, ભરૂચની હોસ્પિટલમાં લાગેલી આગમાં થયેલી જાનહાનિથી દુ:ખી છું. મૃતકોના પરિવારજનોને મારી સંવેદના છે.



ગુજરાત સરકારે પટેલ વેલફેરના મૃતકો માટે ૪ લાખની સહાય જાહેર કરી

ભરૂચ: ગુજરાત સ્થાપનાનો દિવસ ભરૂચવાસીઓ માટે કાળો દિવસ બનીને આવ્યો છે. ગત મોડી રાત્રે ભરૂચની હોસ્પિટલમાં આગ લાગવાના લીધે સારવાર લઈ રહેલા ૧૬ દર્દી તેમજ બે નર્સ સહિત મળી કુલ ૧૮ વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ કરુણ બનાવના પલગે સમગ્ર રાજ્યની જનતામાં બેદરકારી રાખનાર જવાબદારો સામે ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. ત્યારે આ ઘટનાના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્‌વીટ કરીને કહ્યું કે, ભરૂચની હોસ્પિટલમાં લાગેલી આગની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દર્દીઓ, ડોક્ટરો અને હોસ્પિટલના સ્ટાફ પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખની સહાય આપશે. જો કે, રૂપાણીએ મૃતકોને સહાયની જાહેરાત કરી છે. પરંતુ આગ કયાં કારણોસર લાગી અને આ માટે જવાબદારો સામે શું કાર્યવાહી થશે તે અંગે હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

ઇમરજન્સીમાં કાર્યરત વેલફેર હોસ્પિટલના ન્યૂ કોવિડ સેન્ટરની બિલ્ડિંગ પાસે ફાયર NOC ન હતી

ભરૂચ: કોરોના સામે જિંદગીનો જંગ જીતવા દાખલ થયેલા ૧૬ દર્દી અને ૨ સ્ટાફ નર્સ જીવતા જીવ જ કાયમ માટે મૃત્યુની આગમાં સમાઈ જવાની હચમચાવી દેનારી આ હોનારતમાં રિજનલ ફાયર ઓફિસર દીપક મખીજાનીએ કહ્યું છે કે, હોસ્પિટલ પાસે ફાયર એન.ઓ.સી. ન હતી. ખાલી વેલફેરની આગળની મુખ્ય ઇમારતની ફાયર એન.ઓ.સી. હતી. નવી પાછળની કોવિડ સેન્ટરની ફાયર એન.ઓ.સી. ન હતી. આટલું ઓછું હોય તેમ હોસ્પિટલે કોવિડ સેન્ટર માટે લીધેલો વીજ પૂરવઠો પણ હંગામી હોવાની હકીકત દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાંથી બહાર આવી છે. હોસ્પિટલ માટે કામચલાઉ ટેમ્પરરી વીજ જોડાણ મેળવવામાં આવ્યું હતું. મધરાતે ભરૂચ જિલ્લાની કોરોના કાળમાં હોસ્પિટલની સૌથી મોટી આગ હોનારત અને તેમાં હોમાઈ ગયેલાં ૧૮નાં મોત પાછળ ફાયર સેફ્ટીનો અભાવ તેમજ હંગામી વીજજોડાણ પણ એટલાં જ કારણભૂત છે.

આગની તપાસ કરવા કમિટીની રચના: આઈએએસ વિપુલ મિત્રા અને રાજકુમાર બેનીવાલને તપાસ કરવા આદેશ

ભરૂચ: આ આગને પગલે ભરૂચ કલેક્ટર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં બે સિનિયર આઈએએસ વિપુલ મિત્રા અને રાજકુમાર બેનીવાલને તપાસ સોંપાઈ છે. અને પુરાવાના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. સાથે જ કલેક્ટરે કહ્યું કે, આ ઘટનામાં જવાબદાર લોકો સામે કડકમાં કડક પગલાં લેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષમાં કોરોનાકાળ દરમિયાન ગુજરાતમાં સતત હોસ્પિટલોમાં આગ લાગવાના બનાવો બની રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં અમદાવાદ, વડોદરા, જામનગર અને રાજકોટની હોસ્પિટલોમાં આગના બનાવ બન્યા છે. જેમાં અનેક દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

ભરૂચના પશ્ચિમ વિસ્તારના 5થી 6 હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યા

અંકલેશ્વર: ભરૂચ-જંબુસર બાયપાસ પર આવેલી વેલફેર હોસ્પિટલને ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરાઈ હતી. જ્યાં મધ્ય રાત્રિએ આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રેસ્ક્યૂ કરી અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત વાયુવેગે ફેલાતાં ભરૂચના પશ્ચિમ વિસ્તારના 5થી 6 હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યા હતા. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓનાં સ્વજનો તેમને બચાવવા માટે ધમપછાડા કરી રહ્યા હતા. આ ઘટનાને પગલે 40 ઉપરાંત એમ્બ્યુલન્સ બચાવ કામગીરીમાં લાગી હતી. તેમજ જિલ્લા પોલીસનો કાફળો અને ફાયર બ્રિગેડની 12થી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા કામે લાગી હતી.

ઓક્સિજન, વેન્ટિલેટરો, અન્ય ઇલેક્ટ્રિક સાધનોના લીધે આગ વિકરાળ બની

અંકલેશ્વર: કોવિડ વિભાગમાં આઈસીયુ (ICU) વોર્ડમાં 12 દર્દી વેન્ટિલેટર અને 2 દર્દી બાયપેપ પર હતો. જ્યારે રાત્રિ ફરજ પર 3 નર્સની ડ્યૂટી હતી. ICU સિવાયના અન્ય વિભાગમાં કોરોનાના 35 જેટલા દર્દી સારવાર લઈ રહ્યા હતા. શુક્રવારે મધરાતે 12.40 કલાકના અરસામાં ICUમાં વેન્ટિલેટર શોર્ટ સર્કિટથી સળગી ઊઠતાં અફરાતફરી મચી હતી. વોર્ડમાં રહેલી 1 નર્સે આગ ઓલવવાની કોશિશ પણ કરી હતી. પરંતુ તે ઓક્સિજન, વેન્ટિલેટરો, અન્ય ઇલેક્ટ્રિક સાધનોના લીધે જોતજોતામાં વિકરાળ બની હતી.

શ્રેષ્ઠ પશુપાલક તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કરનાર માંગરોળના વસ્તાન ગામના પશુપાલન ઇબ્રાહીમ રંદેરાનું

વાંકલ: રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શ્રેષ્ઠ પશુપાલક તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કરનાર માંગરોળના વસ્તાન ગામના પશુપાલન ઇબ્રાહીમ રંદેરાનું મોત થયું હતું. ઇબ્રાહીમભાઇ ભરૂચની હોસ્પિટલમાં લાગેલી આગનો ભોગ બનતાં મોત નીપજ્યું હતું. ઇબ્રાહીમભાઇ મોટાપાયે વસ્તાન ગામે પશુપાલન કરતા હતા. વર્ષ-2007માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શ્રેષ્ઠ પશુપાલક તરીકેનો એવોર્ડ તેમને અર્પણ કરાયો હતો. સુમુલ ડેરીમાં તેઓ દૂધનો મોટો જથ્થો પહોંચાડતા હતા. છેલ્લા આઠ દિવસથી તેઓ ભરૂચની વેલફેર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેમની તબિયત સુધરતાં આવતા શનિવારે તેમને રજા આપવામાં આવનાર હતી. પરંતુ રાત્રિ દરમિયાન હોસ્પિટલમાં શોર્ટસર્કિટથી આગ લાગતાં ઇબ્રાહીમભાઇનું મોત થયું હતું. તેમની અંતિમ વિધિ વસ્તાન ગામે કરાઈ હતી.

બે નર્સના મોત: બહેનપણીને ફરીગાને સળગતી જોઈ માધવીએ તેને બાથ ભીડી લીધી

ભરૂચની વેલફેર હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગમાં 18 લોકોના મોત થયા હતા. જેમાં બે નર્સ અને 16 દર્દીઓ સામેલ છે. હોસ્પિટલમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોના દર્દીઓની સારવાર કરી રહેલી બે ટ્રેઇની નર્સના પણ મોત થયા છે. જેમની ઉંમર માત્ર 19 વર્ષની હતી. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં રહેતી માધવી મુકેશ પઢિયાર અને અંકલેશ્વર ખાતે રહેતી ફરીગા ખાતુન ભરૂચની વેલફેર હોસ્પિટલમાં ટ્રેની તરીકે ફરજ બજાવતી હતી. અને છેલ્લા બે મહિનાથી કોવિડ દર્દીઓની દેખરેખ કરી રહી હતી. મોતને ભેટેલ બંને નર્સ 19 વર્ષીય હતી. માધવી વેલ્ફેર હોસ્પિટલની નર્સિંગ કોલેજમાં બે વર્ષનો નર્સિંગનો કોર્સ કરી રહી હતી. જે દરમિયાન જિલ્લા વહીવટી તંત્રના આદેશ અનુસાર તેઓને ટ્રેઈની તરીકે કોવિડ વોર્ડમાં મુકવામાં આવ્યા હતા. વેન્ટિલેટરમાં ફાયર થતાં ફરીગા આગની લપેટમાં આવી ગઈ હતી. જેને બચાવવા માટે તાત્કાલિક માધવીએ ફરીગાને બાથ ભીડી લીધી હતી. જેથી તેની પણ પીપીઇ કિટ સળગવા લાગી હતી અને શરીર સાથે ચોંટી ગઇ હતી. જે બાદ બંને નર્સ બચાવ માટે બાથરૂમ તરફ દોડ્યા હતા અને પાણીનો મારો પોતાની ઉપર ચલાવવાની કોશિષ કરી હતી. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે તે બંને બચી શક્યા ન હતા.

આગના 2 કલાકમાં જ 200 જેટલા યુવાનોએ ઓક્સિજન સાથેના 100 બેડની સુવિધા તૈયાર કરી જીવ બચાવ્યા

ભરૂચની વેલફેર હોસ્પિટલના ન્યૂ કોવિડ સેન્ટરમાં લાગેલી આગે સમગ્ર રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે અરેરાટી ફેલાવી દીધી છે. 16 દર્દીઓ અને 2 નર્સિંગ સ્ટુડન્ટ આગમાં ભૂંજાઇ ગઈ છે. જિલ્લાની આરોગ્ય ક્ષેત્રે મોટી હોનારતમાં અન્ય દર્દીઓને બચાવવા 2 કલાકમાં જ 22 KM દૂર બસોથી વધુ યુવાનોએ 100 બેડ ઓક્સિજન સાથે કાર્યરત કરી દઇ અન્ય દર્દીઓના જીવ બચાવી લેવામાં અહમ ભૂમિકા ભજવી હતી. વેલફેર કોવિડ સેન્ટરના ICU માં લાગેલી વિકરાળ આગે 16 દર્દીઓને જીવતા જીવ જ આગમાં ભસ્મીભૂત કરી દીધા હતા. ICU વોર્ડમાં રહેલી 2 નર્સિંગ સ્ટુડન્ટ પણ આ ગોઝારી ઘટનામાં મૃત્યુ પામી છે. વિકરાળ આગનો કોલ મળતા જ અને ઘટના વાયુ વેગે પ્રસરતા હોસ્પિટલથી 22 કિલોમીટર દૂર વાગરા બચ્ચો કા ઘર કોવિડ કેર સેન્ટર ખાતે બસોથી વધુ યુવાનોએ 2 કલાકમાં જ ઓક્સિજન સાથેના 100 બેડ કાર્યરત કરી દીધા હતા. એક તરફ કોવિડ વેલફેર હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સની કતારો વચ્ચે રેસ્ક્યુ કરી કોરોનાના દર્દીઓને રેસ્કયુ કરી શિફ્ટિંગની કામગીરી હાથ ધરાઈ રહી હતી. ત્યાં બીજી તરફ કતારોમાં એક પાછળ એક એમ્બ્યુલન્સ આવી આ દર્દીઓને અન્યત્ર હોસ્પિટલમાં સ્થળાંન્તરની કમાન સંભાળી રહી હતી. આ સમયે વેલફેર હોસ્પિટલથી 22 KM દૂર વાગરા બચ્ચો કા ઘરના મેદાનમાં 100 બેડ તૈયાર કરી દેવાયા હતા. જેના માટે ઓક્સિજનના 100 બોટલ ભરૂચ તાલુકાના નબીપુર સહિત આસપાસના ગામો અને વાગરા તાલુકામાંથી પહોંચાડવા યુવાનોએ કામે લાગી 2 કલાકમાં જ 100 બેડની ઓક્સિજન સાથેની કોવિડ હોસ્પિટલ મેદાનમાં કાર્યરત કરી દીધી હતી.

Most Popular

To Top