અનાવલ: ભારત દેશના સ્વાતંત્ર્યરત્ન અને મહુવા (Mahuva) તાલુકાના લસણપોરના વતની એવા ૯૮ વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની (Freedom Fighter) બલ્લુભાઈ હાંસજીભાઈ ધોડિયાનું કોરોનાને લીધે નિધન થયું હતું. જ્યારે આઝાદીનું આંદોલન તબક્કાવાર અલગ-અલગ કાર્યક્રમો દ્વારા આગળ વધતું હતું, એ દરમિયાન એમાં કેટલાય લોકોએ અમાનુષી અંગ્રેજ સરકારનો (British Government) સાથ છોડીને એમની સામે જંગનું એલાન કર્યું હતું. મૂળ અલગટ ગામના અને પછીથી લસણપોર સ્થાયી થયેલા આદિવાસીઓ આઝાદી ચળવળના રંગે રંગાયેલા હતા. તેમાંના એક આદિવાસી સ્વાતંત્ર્યસેનાની હાંસજીભાઈ ઝીણાભાઈ ધોડિયાના (Hansji Bhai Ghodia) પરિવારની કુરબાની પણ ઊડીને આંખે વળગે એવી છે. આ ગામના લોકો પર અંગ્રેજ સરકારનો જુલમ વધી જતાં હિજરત કરીને જતા રહેતા હતા. પરંતુ ખેતી કરવા તો પાછું આવવું જ પડે તેવું હતું.
ઇ.સ.૧૯૩૨માં અંગ્રેજો દ્વારા ૨૨ ટકાના મહેસૂલ વધારાની સામે સરદાર પટેલે મહેસૂલ નહીં ભરવાની હાંકલ કરતાં સુખી-સંપન્ન પરિવારના હાંસજીભાઈએ સરકારના લોકોને રોકડું પરખાવી દીધું હતું કે, ‘એક રાતી પાઈ પણ નહીં આપું’. આમ તેમણે વિરોધ કરતાની સાથે જ તેમને સાબરમતી જેલમાં પૂરી દેવાયા હતી. તેમજ તેમની મિલકતની લીલામીની તૈયારી કરાઈ હતી. ત્યારે પણ જેલમાંથી ખમીરવંતા હાંસજીભાઈએ પરિવારને સંદેશો આપ્યો હતો કે, ‘મિલકત બચાવવા દંડ ભરશો નહીં અને દંડ ભરશો તો હું ગામમાં પગ નહીં મૂકું’.
સ્વદેશીની ચળવળમાં હાંસજીભાઈનાં પત્ની અને લલિતાબેન તેમજ તેમના દીકરી ગજરાબેન પણ પિકેટિંગ કરવા જતાં અઢી વર્ષ યરવાડામાં જેલવાસ ભોગવ્યો હતો. ત્યારબાદ તેમના બલ્લુભાઈ ધોડિયા તેમજ તેમના પરિવારે હિજરત કરી મહુવાના લસણપોર ખાતે વસવાટ કર્યો હતો. તેઓ પાસે પોતાના મૂળ વતનમાં કોઈ મિલકત રહી ન હતી. છતાં તેમણે ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ અપાવવાની લગનીમાં લગીરેય ઓટ આવી ન હતી. ૧૯૪૨ની સ્વાતંત્ર્ય ચળવળમાં સામેલ થતાં બલ્લુભાઈ તેમના પિતા અને ભાઈ એમ ત્રણેયની ધરપકડ કરાઈ હતી અને નવસારી જેલમાં બંદીવાન બનાવવામાં આવ્યા હતા.
સ્વાતંત્ર્યસેનાની બલ્લુભાઈ ધોડિયા પોતાના પરિવાર સાથે નિવૃત્તિનું જીવન હાલ વડોદરા ખાતે રહી જીવતા હતા. ત્યારે કોરોના પોઝિટિવ આવતાં તેમની સારવાર દરમિયાન તેઓ કોરોના સામે જંગ હારી ગયા હતા. ખૂબ જ નહીંવત પ્રમાણમાં સ્વાતંત્ર્યસેનાનીઓ હયાત છે. ત્યારે તેમના નિધનથી સમગ્ર વિસ્તારમાં એક વીર ગુમાવવાનો અફસોસ જોવા મળી રહ્યો છે.
બલ્લુભાઈ ધોડિયાના પિતા પર ગાંધીજીએ પણ પત્ર લખ્યા હતા
સ્વાતંત્ર્યસેનાની બલ્લુભાઈ ધોડિયાના પરિવારે તન, મન, ધનથી આઝાદીના મહાસંગ્રામમાં ઝંપલાવ્યું હતું. જેની નોંધ પણ લેવામાં આવી હતી. તેમનાના પિતા પર આઝાદી ચળવળ સમયે ગાંધીજીએ પણ પત્રો લખ્યા હતા. જે પત્રો હજી પણ તેમની પાસે હતા.