અમેરિકાએ ભારતને ખાતરી આપી છે કે તે કોવિશિલ્ડ રસીના નિર્માણ માટે ચોક્કસ કાચી સામગ્રીઓ તત્કાળ પુરી પાડશે, જેમાં વ્હાઇટ હાઉસના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે બાઇડન વહીવટીતંત્ર ભારતના કોવિડ-૧૯ના ઉછાળા સામેની લડતને વેગવાન બનાવવા તમામ સ્ત્રોતો અને પુરવઠાઓ તૈનાત કરવા દિવસ રાત કામ કરી રહ્યું છે.
દેશની અત્યાર સુધીની સૌથી ખરાબ જાહેર આરોગ્યની કટોકટીનો સામનો કરી રહેલ ભારતને કોવિડ-૧૯ની રસીઓનો સરપ્લસ જ્થ્થો પુરો નહીં પાડવા બદલ ડેમોક્રેટિક પાર્ટીના સભ્યો અને ટેકેદારો સહિત વિવિધ ક્ષેત્રોમાંથી બાઇડન પ્રશાસન સખત ટીકાઓ હેઠળ આવ્યું છે. ભારતે અમેરિકાને કોવિશિલ્ડ રસીના ઉત્પાદન માટે કાચી સામગ્રીનો પુરવઠો પુરો પાડવા વિનંતી કરી છે.
કોવિડ-૧૯ના કેસોમાં આવેલા તાજેતરના ઉછાળા પછી ભારતના લોકો તરફ ઉંડી સહાનુભૂતિ વ્યક્ત કરતા અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલીવાને તેમના ભારતીય સમકક્ષ અજીત ડોવલ સાથેની એક ટેલિફોનિક વાતચીતમાં ભારત સાથે અમેરિકાના ઐક્યની મજબૂત ખાતરી આપી હતી. જે રીતે ભારતે રોગચાળાની શરૂઆતમાં અમારી હોસ્પિટલો તનાવ હેઠળ હતી ત્યારે સહાય મોકલાવી હતી તે રીતે અમેરિકા પણ ભારતને તેની જરૂરિયાતના સમયમાં મદદ કરવા પ્રતિબદ્ધ છે એમ અમેરિકી એનએસએના પ્રવકતા એમીલી હોર્ને આ ફોન કોલ પછી જણાવ્યું હતું. હોર્ને એમ પણ જણાવ્યું હતું કે અમેરિકા ઑક્સિજન ઉત્પાદન માટેની તથા અન્ય સામગ્રી પણ તાકીદના ધોરણે પૂરી પાડવા વિકલ્પો વિચારે છે.