અમેરિકી પ્રમુખ જો બાઇડને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેલિફોન કૉલ કર્યો હતો અને ભારતમાં કોવિડ-૧૯ના રોગચાળાના બીજા મોજા સામેની લડતમાં ભારતને ટેકા માટેની અમેરિકાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.
વડાપ્રધાન મોદી સાથેની ટેલિફોનિક વાતચીતમાં પ્રમુખ બાઇડને ભારતને અમેરિકાનો ટેકો વ્યક્ત કરવાની સાથે ભારતને રસીકરણ સહિતની બાબતમાં સહાયની ખાતરી આપી હતી. ટેલિફોનિક વાતચીતમાં બંને નેતાઓએ પોત પોતાના દેશની રોગચાળાની સ્થિતિની ચર્ચા કરી હતી અને ભારતમાં કોવિડ-૧૯ના બીજા મોજાને કાબૂમાં લેવાના પ્રયાસો અંગેની ચર્ચા કરી હતી એમ અહીં એક નિવેદનમાં આપવામાં આવેલી માહિતી પરથી જાણવા મળ્યું હતું.
આ વાતચીત પછી મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે અમેરિકી પ્રમુખ જો બાઇડન સાથે આજે ફળદાયી વાતચીત થઇ. અમે બંને દેશોમાંની કોવિડની સ્થિતિની ચર્ચા કરી. નિવેદનમાં જણાવ્યા મુજબ ટેકા બદલ મોદીએ બાઇડનનો આભાર પણ માન્યો હતો.
બીજી બાજુ જાપાનના વડાપ્રધાન યોશીહીદે સુગા સાથે પણ મોદીની ટેલિફોનિક વાતચીત થઇ હતી જેમાં રોગચાળા વડે ઉભા થયેલા પડકારનો સામનો કરવામાં સહકાર સાધવાની વાતચીત કરવામાં આવી હતી. વાતચીત પછી જારી કરવામાં આવેલ નિવેદનમાં જણાવાયું હતું કે બંને નેતાઓએ પોત પોતાના દેશમાંની રોગચાળાની સ્થિતિની ચર્ચા કરી હતી. બુલેટ ટ્રેન જેવા અન્ય મુદ્દાઓ પર પણ વાતચીત થઇ હતી.