National

તંત્રના કોરોનાના આંકડા છુપાવવાનો ખેલ સુરતીઓના શ્વાસ પર ભારે પડી ગયો

સુરત: (Surat) વિતેલા એક વરસથી કોરોનાના આંકડા છુપાવી સુરતનું સલામત ચિત્ર ઉભુ કરવાની તંત્રની નીતિએ સુરતને ખાડામાં નાંખી દીધું છે. છેલ્લા સોળ કલાકથી સુરતમાં ઓકિસજનની (Oxygen) સપ્લાયમાં 30 ટકા ઘટ પડતા સેકડો લોકોના શ્વાસ ગુંગળાવા લાગ્યા છે. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા એક વરસથી કોરોનાએ કોહરામ મચાવ્યો છે. શહેર અને જિલ્લામાં કોરોનાના તેજ રફતાર સાથે ઘાતક બન્યો હતો. પરંતુ સરકારને વ્હાલા થઇ ગુડબુકમાં આવવા અધિકારીઓના મેલા મનસૂબાને કારણે સુરત ઓકિસજની કટોકટી ઉપર આવી અટકી ગયુ છે. તેમાય વિતેલા સોળ કલાકથી તો અચનાક ઓકિસજન સપ્લાય ઘટી ગયો છે. સુરતનો પ્રતિદિન 220 ટન ઓકિસજન ખપત સામે રોજબરોજ જથ્થો ઘટવા લાગ્યો હતો. કોરોનામાં સીધા ઓકિસજન ડિમાન્ડવાળા પેશન્ટ વધતા ગયા હતા પરિણામે ઓકિસજન સપ્લાય કરતા સાધનો ટાંચા પડવા લાગતા સુરતના શ્વાસ અટકી ગયા છે. સુરતને હવે માંડ 190 ટન ઓકિસજન મળી રહયો છે. જેને લઇને અનેક ખાનગી હોસ્પિટલમાં ઓકિસજન કટોકટી ઉભી થઇ છે.

ગુજરાતમિત્રએ ગયા સપ્તાહમાં આ અંગે સચોટ એહવાલ રજૂ કયો હતો. જે ગણતરીના દિવસોમાં યથાર્થ ઠયોર છે. સુરતમાં કોરાનાના વાસ્તવિક આંકડા કરતા તંત્ર ભળતા જ આંકડા આપતુ હતુ. અને તે આધારે સરકાર સુધી સુરતનુ રૂપાળુ ચિત્ર રજૂ કરાતુ હતુ. અધિકારીઓની આ રમતને કારણે સુરતના માથે ભમી રહેલા સંકટને પારખી શકાયુ નહોતુ. અને ગઇકાલે રાતથી સુરતમાં ઓકિસજનની બૂમ પડી હતી. ગઇકાલે રાતે તો અનેક હોસિપટલે પેશન્ટને શિફટ કરવા સૂચનાઓ આપી આખી રાત સબંધીઓએ ઉજાગરા કરાવ્યા હતા. આ અગે વધુ તપાસ કરતા માલૂમ પડયુ હતુ કે કેન્દ્ર સરકારે જે તે રાજય તરફથી રજૂ થયેલા ચિતાર મુજબ ઓકિસજન અને મેડિકલ હેલ્પ મોકલી હતી. આ ચિતારમાં સુરત અને ગુજરાતની સાચી હકકીત છુપાવાઇ હતી. જેને કારણે મેડિકલ હેલ્પમાં કેનદ્ર સરાકારે સુરતને અગ્રિમતા આપી નહોતી. અને જેતે રાજયને પહેલા ઓકિસજન આપવા સરકારે ગાઇડલાઇન આપતા સુરતને મહારાષ્ટ્રથી લિંડે કંપની મારફત મળતો આશરે 60 ટન ઓકિસજન સપ્લાય બંધ થયો હતો. જેના કારણે સુરતને માથે ઓકિસજન જોખમ આવી પડયુ છે. આજનો દિવસ તો સુરત શહેર અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઓકિસજન પુરવઠો બોટલીંગ પ્લાન્ટ પાસે હાથ ફેલાવી સરભર કરાયો છે. પરંતુ આવતીકાલે ફરી સુરતે શ્વાસ માટે નવો સંઘર્ષ શરૂ થશે.

સરકારમાં રજૂઆતો કરાતી જ હતી!જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ
સુરત જિલ્લા અને શહેરમાં ઓકિસનજની ખપત અંગે સરકારમાં ડે ટુ ડે અહેવાલ મોકલાતો જ હોય છે. સરકારમાં તેમને ઓકિસજન અને ઇન્જેકશન અંગે રજૂઆતો કરી હતી. તેમને વધુમાં કહયુ હતુ કે સુરતમાં મહારાષ્ટ્રથી આવતો 60 ટન ઓકિસનજ સપ્લાય અટકી ગયો છે. જેને કારણે ઇમરજંસી ઉભી થઇ હતી. તેમને કહયુ હતુ કે આજે 16 મેટ્રિક ટન આઇનોકસ કંપની પાસે, 20 મેટ્રિક ટન એર લીકવીડ કંપની પાસે અને 30 મેટ્રિક ટન રિલાયંસ પાસે મેળવી 66 ટનની વ્યવસ્થા કરાઇ છે. તેમને સ્પષ્ટ શબ્દોમાં કહયુ હતુ કે સુરતમાં ઓકિસજનની માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન સાંધવુ અશકય છે.

જે તે હોસ્પિટલનો અનામત સ્ટોકના પણ તળિયા સાફ
સુરત શહેરમાં આવેલી મોટી હોસ્પિટલમાં ઓકિસજનના અનામત સ્ટોકના પણ તળિયા સાફ થઇ ગયા છે. જેને લઇને હવે ખાનગી હોસ્પિટલ્સ તેમજ સરકારી હોસ્પિટલની હાલત કરૂણ થઇ ગઇ છેે શહેરની હોસ્પિટલ્સમાં હવે નવા પેશન્ટને દાખલ કરાશે કે કેમ તે પણ એક સવાલ છે. સુરત શહેરમાં પહેલી વખત પેશન્ટ માટે હોસ્પિટલના દરવાજા બંધ થાય તેવી ભયાનક સ્થિતિ ઉભી થઇ છે.

સિવિલ અને સ્મીમેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની હોસ્પિટલ્સના પ્રાણવાયુ રુંધાયા
ઓકિસજન સંકટને કારણે સુરત સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતની હોસ્પિટલ્સ કટોકટીમાં આવી ગઇ છે. આ અંગે જિલ્લા કલેકટરે કહયુ હતુ કે સુરતની સ્મીમેર અને નવી સિવિલ હોસ્પિટલને દૈનિક 80 ટન ખાનગી હોસ્પિટલ્સને 90 ટન તેમજ નવસારી વલસાડ અને તાપી જિલ્લામાં બોટલ મારફતે 25 ટન ઓકિસજન સ્ટોક સપ્લાય કરાતો હોય છે. સુરતની ડિમાન્ડ સામે ગ્રેજયુઅલી સપ્લાય ઘટી રહયો છે. હાલ તેઓ 7 રિફલીંગ પ્લાન્ટ તેમજ 9 ઓકિસજન પ્લાન્ટના સહારે ટેન્કર મારફત વ્યવસ્થા કરી કરતા હતા.

ગઇકાલે 7 રિફલીંગ પ્લાન્ટ આંઠ કલાક બંધ રહયા
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને ઓકિસજન બોટલીંગ કરતા પ્લાન્ટ પણ ખોટકાઇ ગયા હતા. ગઇકાલે કેનદ્ર સરકારે મહારાષ્ટ્રથી સુરતને મળતા 60 ટન ઓકિસજન સપ્લાય રોકી દેતા લીકવીડ ફોમમાં આવતો ઓકિસજન ગેસમાં રૂપાંતરીત કરી બોટલીંગ કરતા પ્લાન્ટ ખોટકાઇ ગયા હતા. જેના કારણે આ હાલત થઇ છે. આંઠેક કલાક પ્લાન્ટ પણ બંધ રહયા હતા.

Most Popular

To Top