SURAT

હીરા વેપારીને સારવાર માટે સુરત એરપોર્ટથી ચેન્નઈ એરલિફ્ટ કરાયા

અમેરિકા, હોંગકોંગ, બેંગકોક, ઇઝરાઇલ અને લંડનમાં પોલિશ્ડ ડાયમંડનો વેપાર કરતા સુરતના યુવા હીરા ઉદ્યોગકાર અને જાણીતી ડાયમંડ કંપનીના ભાગીદાર ગોરધનભાઇ રીઝીયાને કોરોના સંક્રમણ થયા પછી તેઓ હોસ્પિટલમાં સારવાર લઇ સાજા થયા હતા પરંતુ કોરોનાની સારવાર દરમિયાન તેમના ફેંફસાને ગંભીર અસર થતાં વ્યાપક સારવાર માટે તેમને ચેન્નાઇથી એરએમ્બ્યુલન્સ મંગાવી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.

હીરા ઉદ્યોગના સુત્રોના જણાવ્યા મુજબ સુરતના કતારગામ, વસ્તાદેવડી રોડ ગુજરાત ગેસ સર્કલ પાસે ડાયમંડ અને જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવતા યુવા હીરા ઉદ્યોગકારને 20 દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કતારગામની ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર પછી કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ તેમના ફેંફસા ડેમેજ થઇ જતાં તેમને વધુ સારવાર માટે ચેન્નાઇની પ્રસિધ્ધ એમજીએમ હોસ્પિટલ લઇ જવાનું નક્કી કરાયું હતું.

ગઇકાલે ચેન્નાઇથી તબીબો અને નર્સિંગ સ્ટાફ સાથે એરએમ્બુલન્સ સુરત એરપોર્ટ આવી પહોંચી હતી અને અહીંથી તેમને એરલિફ્ટ કરી ચેન્નઇ એરપોર્ટ લઇ જવાયા હતા. કોરોના નેગેટિવ આવ્યા પછી વધુ સારવાર માટે તેમને સાદા વેન્ટિલેટર પર રાખીને ચેન્નઇ લઇ જવામાં આવ્યા હતા. સુરતથી બે કલાકનું અંતર કાપી તેઓ ચેન્નઇ પહોંચ્યા હતા. ચેન્નઇની હોસ્પિટલમાં તેમને શ્વાસોશ્વાચ્છની પ્રક્રિયા સરળ બનાવવા બ્રીથિંગ ટ્રીટમેન્ટ આપવામાં આવશે.

એર એમ્બુલન્સ અને પ્રાથમિક સારવાર માટે રૂા.30 લાખનો ખર્ચ થયો
સુત્રોના જણાવ્યા મુજબ એર એમ્બુલન્સ અને પ્રાથમિક સારવાર માટે તેમના પરિવારજનોએ એક અંદાજ પ્રમાણે 30 લાખનો ખર્ચ કર્યો હતો. કોરોનાની પ્રથમ લહેરમાં કોરોના સંક્રમિત થઇ કોમામાં સરી પડ઼ેલા સુરતના ડોક્ટર સંકેત શર્માની જે તબીબે સારવાર કરી હતી. તે ડૉક્ટર બાલકૃષ્ણ અને તેમની ટીમના ઓબ્ઝર્વેશન હેઠળ તેમને રાખવામાં આવ્યા છે. જ્યાં તેમને રિહેબિલિટેશન એટલે કે વેન્ટિલેટર વિના જ શ્વાસોશ્વાસ લઇ શકાય તેવી થેરેપી આપવામાં આવી રહી છે. જો આ થેરેપીની સારવારથી તેઓ સાજા ન થાય તો ફેંફસા ટ્રાન્સપ્લાન્ટ કરવા સુધીની તૈયારીઓ રાખવામાં આવી છે.

Most Popular

To Top