Sports

મુંબઇ ઇન્ડિયન્સ સામે પંજાબનો 9 વિકેટે ‘કિંગ સાઇઝ’ વિજય

ચેન્નાઇ, તા. 23 : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આજે અહીં રમાયેલી 17મી મેચમાં ખરાબ શરૂઆત પછી રોહિત શર્માની અર્ધસદી અને સૂર્ય કુમાર યાદવ સાથેની તેની 79 રનની ભાગીદારીના પ્રતાપે મુંબઇ ઇન્ડિયન્સે મુકેલા 132 રનના લક્ષ્યાંકને પંજાબ કિંગ્સે કેપ્ટન રાહુલની નોટઆઉટ અર્ધસદી અને ક્રિસ ગેલ સાથેની 79 રનની નોટઆઉટ ભાગીદારીની મદદથી 1 વિકેટના ભોગે કબજે કરીને મેચ 9 વિકેટે જીતી હતી.

લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી પંજાબ કિંગ્સને રાહુલ અને મયંક અગ્રવાલની જોડીએ સારી શરૂઆત અપાવી હતી. મયંક 20 બોલમાં 25 રન કરીને આઉટ થયો હતો. જો કે તે પછી રાહુલ અને ક્રિસ ગેલે મળીને 79 રનની નોટઆઉટ ભાગીદારી કરીને ટીમને 17.4 ઓવરમાં જ 9 વિકેટે જીતાડી હતી. રાહુલ 52 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 60 જ્યારે ગેલ 35 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 43 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને બીજી ઓવરમાં જ ક્વિન્ટોન ડિ કોક માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. તે પછી બેટિંગમાં આવેલો ઇશાન કિશન ફરી એકવાર ફેલ ગયો હતો અને માત્ર 6 રન કરીને તે આઉટ થયો હતો.

7 ઓવરમાં 26 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવનાર મુંબઇ ઇન્ડિયન્સને તે પછી કેપ્ટન રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવની સાથે મળીને ઇનિંગ સંભાળી હતી. આ બંનેએ મળીને 79 રનની ભાગીદારી કરીને સ્કોર 105 સુધી લઇ ગયા હતા, ત્યારે સૂર્યા અંગત 33 રન કરીને આઉટ થયો હતો. સ્કોર 121 થયો ત્યારે રોહિત શર્મા આઉટ થયો હતો. રોહિતે 52 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 63 રન બનાવ્યા હતા. જો કે તે પછી અંતિમ 2 ઓવરમાં મુંબઇ ઇન્ડિયન્સ 17 રન જ બનાવી શકતાં તેઓ 6 વિકેટે 131 રન સુધી પહોંચ્યા હતા. હાલની સિઝનમાં પોતાની પહેલી મેચ રમતા રવિ બિશ્નોઇએ 4 ઓવરમાં 21 રન આપીને 2 વિકેટ ઉપાડી હતી.

Most Popular

To Top