આફ્રિકન દેશ ઝામ્બિયાના જંગલમાં એક સિંહે એક ભેંસનો શિકાર કરવા તેના પર હુમલો તો કર્યો હતો પરંતુ આ હુમલો તેને ખૂબ જ ભારે પડી ગયો હતો અને છેવટે લોહીલુહાણ થઇને તે જમીન પર પટકાયો હતો.
ઝામ્બિયાના સાઉથ લુંઆગ્વા નેશનલ પાર્કમાં સ્કોટલેન્ડથી ફરવા ગયેલા મેટ આર્મસ્ટ્રોન્ગ ફોર્ડ નામના પ્રવાસીને આ દ્રશ્ય જોવા મળ્યું હતું. લગભગ ૧૯૦ કિલો વજનના એક સિંહે ૮૬૦ કિલોગ્રામ જેટલું વજન ધરાવતી કદાવર ભેંસ પર હુમલો તો કર્યો પણ આ ભેંસ માથાભારે નીકળી. જંગલના રાજા કહેવાતા સિંહને શરણે થવાને બદલે તેણે આ વનરાજને એવો પાઠ શીખવ્યો કે જે તે જીવનભર નહીં ભૂલી શકે.
તેણે સિંહને આખે આખો પોતાના માથા વડે ઉંચકી લીધો હતો અને જમીન પર પટક્યો હતો અને તેના પેટમાં પોતાનું અણિદાર શિંગડું ઘૂસાડી દીધું હતું. સિંહે ભેંસને બચકું ભરીને સામનો કરવાનો પ્રયાસ તો કર્યો પણ ભેંસે મચક આપી ન હતી અને તેના પર હુમલો ચાલુ રાખ્યો હતો.
અધૂરામાં પુરું બીજી ભેંસો પણ ત્યાં આવી ચડી હતી અને તેમણે પણ સિંહને શિંગડા મારવા માંડ્યા હતા. ખરાબ રીતે ઘાયલ થયેલો સિંહને ત્યાં પડેલો મૂકીને ભેંસો જતી રહી હતી. આ આખી ઘટના ફોર્ડે પોતાના કેમેરામાં ઉતારી લીધી હતી જેમાં આ લડાઇના અદભૂત દ્રશ્યો જોવા મળે છે. દિવસો પછી આ ઘાયલ સિંહ મરેલો મળી આવ્યો હતો. તેને જંગલી જરખોએ પણ ફાડી ખાધો હોવાનું જણાતું હતું.