ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે રવિવારે કોરોના કટોકટી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ભારપૂર્વક જણાવ્યું હતું કે, રસીકરણ વધારવું એ કોરોના સંક્રમણ સામે લડવાની ચાવી છે અને એચઆઇવી / એડ્સની દવાના કિસ્સામાં પરવાનાની જોગવાઈઓ સહિત જથ્થો વધારવા માટેના પગલાંને વેગ આપવો જોઈએ. વડા પ્રધાનને લખેલા પત્રમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતાએ કહ્યું હતું કે, કોરોના સામેની આપણી લડતની ચાવીરૂપ રસીકરણને આગળ વધારવું જોઈએ. રસી અંગે નિશ્ચિત સંખ્યા તરફ નહીં પરંતુ કુલ વસ્તીના કેટલા ટકા રસી અપાઈ છે તે અંગે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
ભારતે હાલમાં કુલ વસ્તીના નાના ભાગને જ રસી આપી હોવાનું નોંધતા સિંહે કહ્યું હતું કે, તેઓ નિશ્ચિત છે કે યોગ્ય નીતિની રચના સાથે આપણે ઘણું સારું અને ખૂબ જ ઝડપથી રસીકરણ કરી શકીએ છીએ. મનમોહન સિંહે પોતાના પત્રમાં વિવિધ સૂચનો કરતા સૂચવ્યું હતું કે, રાજ્યોએ ફ્રન્ટલાઈન વર્કર્સની કેટેગરીની ઓળખ માટે થોડી રાહત આપવી જોઈએ. જેથી 45 વર્ષથી ઓછી વયના લોકોને પણ રસી મળી શકે. હાલમાં, 45 વર્ષથી વધુ ઉંમરના લોકો જ રસીકરણ માટે પાત્રતા ધરાવે છે.
તેમણે જણાવ્યું હતું કે, કેટલાક રાજ્યો શાળાના શિક્ષકો, બસ, થ્રી વ્હીલર અને ટેક્સી ડ્રાઇવરો, મ્યુનિસિપલ અને પંચાયત સ્ટાફ અને વકીલો જેમણે કૉર્ટમાં હાજર રહેવાનુ હોય તેઓને ફ્રન્ટલાઈન કામદારો તરીકે નિયુક્ત કરીને તેઓ 45 વર્ષથી ઓછી ઉંમરના હોવા છતાં તેમને રસી આપી શકાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે અમેરિકા, યુકે વગેરે દેશોમાં જે રસીઓને પરવાનગી મળી ગઇ છે તે રસીઓની દેશમાં આયાત કરવી જોઇએ અને તેને તરત રસીકરણ માટે ઉપલબ્ધ બનાવવી જોઇએ.
આ સૂચનો કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળ્યાના એક દિવસ પછી આપ્યા હતા. જેમાં કોરોના મહામારી સામે લડવા માટેના જરૂરી પ્રયત્નોની ચર્ચા કરી હતી. સિંહે કહ્યું કે, કેન્દ્રએ આગામી છ મહિનાના ડિલિવરી માટે રસી ડોઝનો ઑર્ડર સ્વીકારવો જોઈએ. તેમણે કહ્યું હતું કે સરકારે સૂચવવું જોઈએ કે કેવી રીતે રાજ્યોમાં રસી પુરવઠો વિતરણ કરવામાં આવે.