SURAT

સંક્રમણને નિયંત્રણમાં લાવવા ટુ-માસ્ક પોલિસીનો અમલ કરવા તંત્રની અપીલ, જાણો બીજુ માસ્ક કયું?

સુરત: શહેરમાં વકરી રહેલા કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે મનપા કમિશનર બંછાનિધિ પાનીએ શહેરીજનોને ટુ-માસ્ક પોલિસી અપનાવવા અનુરોધ કર્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી જ રહ્યું છે. શહેરમાં હવે પ્રતિદિન 1000થી વધુ પોઝિટિવ દર્દી નોંધાઈ રહ્યા છે. જેથી શહેરીજનોને વધુમાં વધુ સાવચેતી રાખવા મનપા કમિશનરે અપીલ કરી છે. શહેરમાં વકરી રહેલા સંક્રમણને નિયંત્રણમાં લાવવા શહેરીજનોને ‘ટુ-માસ્ક પોલિસી’ અપનાવવા અનુરોધ કર્યો હતો. જે અંતર્ગત પ્રથમ નાકની ઉપર માસ્ક વ્યવસ્થિત રીતે પહેરવા, જ્યારે બીજું ‘ઇમ્યુનિટી માસ્ક’ એટલે કે ડોક્ટરોની સલાહ પ્રમાણે શરીરની ઈમ્યુનિટી વધારવા માટે વિટામીન ડી, સી અને ઝિંકનું જે પ્રમાણ વધે તેવા પ્રયાસો કરવા માટે અપીલ કરી હતી.

વધુમાં મનપા કમિશનરે શહેરીજનોને વધુમાં વધુ ટેસ્ટિંગ કરવા માટે અપીલ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ‘ટેસ્ટ ઈઝ બેસ્ટ’ના મંત્ર સાથે શરીરમાં શરદી, ખાંસી, તાવ, માથું દુઃખવું જેવાં કોઈ પણ લક્ષણો જોવા મળે કે, પ્રથમ ટેસ્ટ કરવામાં આવે તો દવા વહેલી શરૂ થાય. જેથી તે તત્કાળ ટેસ્ટ કરાવવો પણ જરૂરી છે. રાજ્ય સરકારની માર્ગદર્શિકાઓનું ચુસ્ત રીતે પાલન કરવું જરૂરી છે.

રાજ્ય સરકારની નવી ગાઈડલાઈનનું પાલન જરૂરી
હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા સંક્રમણને નાથવા માટે નવી માર્ગદર્શિકાઓ બહાર પાડી હતી. જે તમામનું ચુસ્તપણે પાલન કરાવવા મનપા કમિશનરે અપીલ કરી હતી. જેમાં ખાસ કરીને લગ્ન સમારંભ કે અંતિમવિધિમાં 50થી વધુ વ્યક્તિઓ ભેગા થવા પર પ્રતિબંધ, જાહેરમાં રાજકીય, સામાજિક, ધાર્મિક, સત્કાર સમારંભ, જન્મદિવસની ઉજવણી તેમજ અન્ય કોઈ મેળાવડામાં ભેગા થવા પર પ્રતિબંધ, એપ્રિલ અને મે માસ દરમિયાન દરેક ધર્મના તહેવારોની જાહેરમાં ઉજવણી તેમજ જાહેરમાં લોકો એકત્રિત થવા પર પ્રતિબંધ રહેશે. આ સાથે તમામ તહેવાર આસ્થા સાથે ઘરમાં પરિવાર સાથે ઉજવવાનો રહેશે. તમામ સરકારી, અર્ધસરકારી, ખાનગી ઓફિસ જેમ કે, મહાનગરપાલિકા, કલેક્ટર ઓફિસ, પોલીસ તંત્ર તેમજ અન્ય જરૂરિયાત સર્વિસીસ સિવાય તમામ સરકારી કચેરી, અર્ધસરકારી કચેરી, ખાનગી ઓફિસમાં 50 ટકા સુધીના સ્ટાફને હાજરી આપવાની રહેશે તેમજ અલ્ટરનેટ ડેથી કર્મચારીઓ ફરજ પર આવે. તમામ ધાર્મિક સ્થાનો તા.30 એપ્રિલ સુધી જાહેર જનતા માટે બંધ રહેશે.

વરાછા, કતારગામ, સેન્ટ્રલ, રાંદેરમાં સંક્રમણ વધુ
કોરોનાની બીજી લહેરમાં સંપૂર્ણ શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. પરંતુ શહેરના અમુક ચોક્કસ વિસ્તારોમાં સંક્રમણનું પ્રમાણ વધુ હોય, તે વિસ્તારના લોકોને વધુમાં વધુ સાવચેતી રાખવા માટે મનપા કમિશનરે અપીલ કરી છે. જેમાં ખાસ કરીને હાલમાં વરાછા ઝોન-બી, કતારગામ ઝોન, સેન્ટ્રલ ઝોન અને રાંદેર ઝોનમાં સંક્રમણ વધ્યું છે. જેથી આ ચાર ઝોનના લોકો કોવિડની માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરે તેમ અપીલ કરવામાં આવી હતી.

Most Popular

To Top