Surat Main

સુરતના હીરા બજાર, કાપડ માર્કેટ, પાવરલૂમ ઉદ્યોગ, રિટેલ ઉદ્યોગ આજથી બે દિવસ બંધ

સુરત: (Surat) શહેરમાં કોરોનાના કેસો વધવા સાથે મૃત્યુઆંક સતત વધી રહ્યો હોવાથી ભયનો માહોલ છે ત્યારે કોરોનાની ચેઇન તોડવા માટે બે દિવસ ઉદ્યોગ-વેપાર બંધ રાખવા છેલ્લા એક સપ્તાહથી બેઠકો ચાલી રહી હતી. દરમિયાન આજે ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાના નેતૃત્વમાં ઉદ્યોગ સંગઠનો સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકને અંતે ચેમ્બર દ્વારા ‘બ્રેક ધ ચેઇન’ ઝુંબેશ હેઠળ 30 એપ્રિલ સુધી સપ્તાહમાં બે દિવસ એટલે કે શનિવારે અને રવિવારે (Saturday sunday) ઉદ્યોગ (Industries) વેપાર બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે.

આ અપીલને કાપડ માર્કેટના સંગઠન ફોસ્ટા, વિવિંગ ઉદ્યોગના સંગઠન ફોગવા, હીરા બજારોના સંગઠન સુરત ડાયમંડ એસોસિયેશન અને ડાયમંડ બ્રોકર એસોસિયેશને સમર્થન જાહેર કર્યુ છે. એવીજ રીતે સીએઆઇટી સાથે સંકળાયેલા 22 એસોસિયેશનોએ પણ બંધને સમર્થન જાહેર કર્યુ છે. જોકે મેન્યુફેકચરિંગ સેક્ટરમાં ટેક્સટાઇલ પ્રોસેસિંગ મિલો અને હીરાના કારખાનાઓ ચાલુ રહેશે.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, સુરતમાં કોરોનાનો કહેર જોતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. વેપારીઓમાં પણ સ્વૈચ્છિક રીતે વેપાર–ધંધા બંધ રાખવાનો ગણગણાટ શરૂ થયો છે. કેટલાક વેપારીઓ અવઢવમાં છે અને તેથી અસમંજસભરી પરિસ્થિતિ ઉભી થઇ છે.

હાલમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે તા. ૩૦ એપ્રિલ ર૦ર૧ સુધી શનિ–રવિ એમ બે દિવસ વેપાર–ધંધા બંધ રાખી સ્વૈચ્છિક સ્વયં શિસ્ત જાળવવી પડશે. આ જનતા સ્વયં શિસ્ત કાર્યક્રમને આગળ વધારવો જોઈએ કે નહીં તે તા. ૩૦ એપ્રિલ ર૦ર૧ પછી પરિસ્થિતિની સમીક્ષા કરી આગળનો નિર્ણય લેવો. બેઠકમાં ઉપસ્થિત તમામ એસોસીએશનો દ્વારા આ સ્વયંભૂ બંધ – જનતા સ્વયં શિસ્ત કાર્યક્રમ અંગે ચેમ્બર આગેવાની લે અને તે અંગે અપીલ કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.

બે દિવસના સ્વૈચ્છિક વેપાર ઉદ્યોગ બંધને આ સંગઠનો અને અગ્રણીઓએ ટેકો જાહેર કર્યો

સભામાં, ઇન્ડિયન મેડિકલ એસોસીએશનના પ્રતિનિધિ ડૉ. નિર્મલ ચોરારિયા, સમગ્ર પાટીદાર સમાજના પ્રતિનિધિ કાનજી ભાલાળા, સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નાનુ વેકરીયા, સુરત બિલ્ડર્સ એસોસિએશન – ક્રેડાઈના પ્રતિનિધિ જસમત વિડીયા, ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા, ફિયાસ્વી અને સાસ્કમાના પ્રમુખ ભરત ગાંધી, એસ.આર.ટી.ઇ.પી.સી.ના નેશનલ ચેરમેન ધીરુ શાહ, લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ હરિ કથીરીયા, વોર્પ નીટર્સ એસોસીએશનના બ્રિજેશ ગોંડલીયા, સુરત મર્કન્ટાઇલ એસોસીએશનના પ્રમુખ નરેન્દ્ર સાબુ, ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ, કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના ગુજરાત એકમના પ્રમુખ પ્રમોદ ભગત અને મિતેશ શાહ, ધી સુરત આર્ટ સિલ્ક ક્લોથ મેન્યુફેકચરર્સ એસોસીએશનના મંત્રી હિમાંશુ બોડાવાલા, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વિનેશ શાહ, ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ચિરાગ શાહ, પાંડેસરા વીવર્સ કો–ઓપ. લિ.ના વિમલ બેકાવાલા, મેહુલ વિઠ્ઠલાણી, બરકત પંજવાણી, સુરત ક્ષત્રિય સમાજના અગ્રણી રાજેન્દ્ર લાલવાલા, સુરત જ્વેલરી મેન્યુફેકચરર્સ એસોસીએશનના વિજય માંગુકીયા, વરાછા કો–ઓપ. બેંકના ચેરમેન ભવાન નવાપરા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બંધને સમર્થન જાહેર કર્યુ છે.

તે ઉપરાંત સુરત હાર્ડવેર એન્ડ બિલ્ડિંગ મટિરિયલ મર્ચન્ટ્‌સ એસોસીએશન, સધર્ન ગુજરાત મશીન ટૂલ્સ હાર્ડવેર એન્ડ વેલ્ડીંગ મર્ચન્ટ એસોસીએશન, સાઉથ ગુજરાત ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસીએશન, પાંડેસરા વીવર્સ કો–ઓપ. સોસાયટી, સુરત ઇલેકટ્રીકલ મર્ચન્ટ્‌સ એસોસીએશન, ધી સુરત આયર્ન એન્ડ સ્ટીલ મર્ચન્ટ્‌સ એસોસીએશન, સુરત હોલસેલ ગ્રેઇન મર્ચન્ટ્‌સ, વેડરોડ આર્ટ સિલ્ક સ્મોલ સ્કેલ કો–ઓપરેટીવ ફેડરેશન લિમિટેડ (વાસ્કોફ), સાઉથ ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજી સોસાયટી, હેન્ડીક્રાફટ એન્ડ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, સુરત ખાખરા એસોસીએશન, સુરત ડ્રાય ફ્રુટ એસોસીએશન, સુરત નમકીન એસોસીએશન, સુરત મિઠાઇ એસોસીએશન અને સુરત સિરામિકસ એસોસીએશન દ્વારા પણ બે દિવસ સ્વયંભૂ બંધ માટે સમર્થન જાહેર કર્યું છે.

સંપૂર્ણ વિવિંગ ઉદ્યોગ બંધ રાખવા સામે સચિન જીઆઇડીસીના વિવર્સોનો વિરોધ

કોરોનાની ચેઇન તોડવાના મામલે ફોગવા દ્વારા 25 હજાર વિવિંગ એકમોમા 4.50 લાખ પાવરલૂમ બંધ રાખવા મામલે સચિન જીઆઇડીસીમાં કાર્યરત વિવર્સોએ અસહમતિ દર્શાવી છે. જીઆઇડીસીના વિવર્સ અગ્રણી મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું હતું કે જીઆઇડીસીમાં આવેલા રેપિયર, વોટરજેટ,એરજેટ સહિતના જેકાર્ડ વિવર્સ બંધમાં જોડાશે નહીં. જીઆઇડીસીમાં વિવિંગ ઉદ્યોગકારોએ હેવી મશીનરી વસાવી છે. જે બેંક લોન પર ચાલી રહી છે.

બીજી તરફ કોરોનાને લીધે 60 ટકા વેપાર ઓછો થઇ ગયો છે. સરકારી વેરાઓ ભરવાના પણ બાકી છે. તે ઉપરાંત 30 એપ્રિલ સુધી સપ્તાહમાં બે દિવસ સ્વૈચ્છિક બંધ રાખવામા આવે તો કારીગરો પલાયન થઇ જવાનો ભય રહે છે. તેને લીધે સચિન ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશને ટેક્સટાઇલમાં પ્રોસેસિંગ અને વિવિંગ, કેમિકલ અને એન્જિનિયરિંગ સહિત તમામ યુનિટો ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું હતું કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ના વિસ્તાર ઉધના, બમરોલી, પાંડેસરા, કતારગામ, વેડ રોડ, વરાછા, લીંબાયતમાં આવેલા વિવિંગ યુનિટો ચેમ્બરની અપીલ ને પગલે તા ૧૭-૦૪-૨૧ ને શનિવારે સવાર થી તા ૧૯-૦૪-૨૧ ને સોમવારે સવાર સુધી ૪૮ કલાક માટે સ્વૈચછીક રીતે બંધ રાખવા માટે સમર્થન આપવામાં આવ્યુ છે જેથી કોરોનાની ચેઇન તોડી શકાય આ મામલે વિવર્સોને કારીગરોને સમજાવવા પણ અપીલ કરવામાં આવી છે.

વેડરોડ,કતારગામ વિવર્સ એસો.ના પ્રમુખ દેવેશ પટેલ અને સચિન જીઆઇડીસીના વિવર્સ અગ્રણી મયૂર ગોળવાળાએ પણ ચેમ્બર દ્વારા બે દિવસ ઉદ્યોગ-વેપાર બંધ રાખવાના એલાનને સમર્થન આપ્યું છે. ટેક્સટાઇલમાં કોરોનાની ચેઇન બ્રેક કરવા માટે આ નિર્ણય મહત્વનો રહેશે અને ઓવરપ્રોડક્શનમાં પણ રાહત મળશે.

આ વેપાર-ઉદ્યોગ બંધ રહેશે

  • મહિધરપુરા, કતારગામ અને વરાછા ચોકસી બજાર- મીનીબજારના હીરા બજારો,ઓફિસો અને સેઇફ ડિપોઝીટ વોલ્ટ
  • રિંગરોડ અને સારોલીની 200 જેટલી કાપડ માર્કેટો અને ટ્રાન્સપોર્ટ ગોડાઉનો બંધમાં જોડાશે
  • શહેરનો વિવિંગ ઉદ્યોગ માત્ર બે દિવસ આવતી કાલે શનિવારે અને રવિવારે બે દિવસ સ્વયંભુ બંધમાં જોડાશે. તેને લીધે 4.50 લાખ પાવરલૂમ બંધ રહેશે
  • રિટેલ સેક્ટર સાથે સંકળાયેલો ઇલેક્ટ્રિક સાધનથી મિઠાઇ-ફરસાણ સુધીનો વેપાર બંધ રહેશે.

આ ઉદ્યોગ ચાલુ રહેશે

  • ટેક્સટાઇલમાં ડાઇંગ પ્રોસેસિંગ મિલ ચાલુ રહેશે.
  • કેમિકલ અને એન્જિનિયરિંગ યુનિટો પણ ચાલુ રહેશે.
  • હીરાના તમામ નાના મોટા કારખાનાઓ ચાલુ રહેશે.
  • સહકારી,ખાનગી અને રાષ્ટ્રીયકૃત બેંકો પણ કાર્યરત રહેશે.
  • ડેરી અને દવા ઉદ્યોગ પણ સંપૂર્ણપણે ચાલુ રહેશે.

ઓલપાડ,સાયણ અને દેલાડમાં પણ બે દિવસ લોકડાઉન રહેશે: જયેશ દેલાડ

સહકારી અગ્રણી જયેશ દેલાડે જણાવ્યું હતું કે ઓલપાડ તાલુકામાં કોરોના સંક્રમણના કેસો વધવાના લીધે ઓલપાડ,સાયણ અને દેલાડમાં આવતીકાલે શનિવાર અને રવિવારે લોકડાઉન રાખવામા આવશે. માત્ર દુધનું વેચાણ કરતી ડેરીઓ, મેડિકલ સ્ટોર અને દવાખાન ચાલુ રહેશે. વેપાર ધંધાઓ સંપૂર્ણ બંધ રહેશે. અને આ ત્રણેય ગ્રામ પંચાયતમાં રહેતા લોકો સ્વયંભૂ કરફ્યુમાં જોડાશે.

Most Popular

To Top