મુંબઇ : શુક્રવારે જ્યારે અહીં ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) પંજાબ કિંગ્સ(PUNJAB KINGS)ની સામે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પોતાની બીજી મેચ રમવા માટે મેદાને પડશે ત્યારે તેમની નજર પહેલી જીત મેળવવા માટે પોતાના બોલિંગ આક્રમણની નબળાઇઓ સુધારી લેવા પર હશે, જ્યારે પંજાબ કિંગ્સ રાજસ્થાન રોયલ્સ સામેની જીતની રિધમ જાળવી રાખવા માગશે.
વાનખેડે સ્ટેડિયમ પર ઝાકળની ભૂમિકાને ધ્યાને લેતા જે ટીમ ટોસ જીતશે તે પહેલા બોલિંગ કરવા માગશે, એ હિસાબે ટોસ અહીં મહત્વનો પુરવાર થશે. દિલ્હી કેપિટલ્સ સામેની પહેલી મેચમાં સીએસકેએ સુરેશ રૈનાના 54, મોઇન અલીના 36 અને સેમ કરેનના 34 રનની મદદથી 7 વિકેટે 188 રન બનાવ્યા હતા. જો કે તેના બોલરો આ મોટો સ્કોર પણ બચાવી શક્યા નહોતા. દિલ્હી કેપિટલ્સ વતી શિખર ધવન અને પૃથ્વી શોએ 138 રનની ભાગીદારી કરીને મેચ સરળતાથી જીતી લીધી હતી.
સીએસકેના દીપક ચાહર, સેમ કરેન, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા અને મોઇન અલી એમ તમામ બોલરોની પીટાઇ થઇ હતી, ત્યારે હવે કેપ્ટન ધોનીએ પોતાની ટીમને આ પરાજયમાંથી બહાર કાઢવાની જવાબદારી નિભાવવાની છે. પંજાબ કિંગ્સ માટે પણ ચિંતાનો વિષય તેની બોલિંગ જ છે. અર્શદીપ સિંહે અંતિમ ઓવરમાં 13 રન ન કરવા દઇને ટીમને મેચ જીતાડી હતી, તેના સિવાયના બોલરો પ્રભાવક રહ્યા નહોતા. મહંમદ શમીએ બે વિકેટ તો લીધી પણ તેણે 33 રન આપ્યા હતા. જ્યારે ઝાય રિચાર્ડસન અને રિલે મેરેડિથ મોંઘા સાબિત થયા હતા.