SURAT

છૂટથી રેમડેસિવિર મળતાં થાય તે માટે સુરતવાસીઓએ હજુ ચારેક દિવસ રાહ જોવી પડશે

SURAT : આગામી દિવસોમાં રેમડેસિવિર ઈન્જેકશન ( REMDESIVIR INJECTION ) ની અછત પુરી થઈ જશે. હાલમાં ભારત સરકારે રેમડેસિવિર ઈન્જેકશનના કરોડો ડોઝ ફોરેન જતા અટકાવાયા છે. હવે નિયમ પ્રમાણે સાત દિવસ મેડિકલ ટ્રાયલ પૂરી થયા પછી આ ડોઝ આખા દેશમાં આપવામાં આવશે. સુરતમાં આ ડોઝ માટે ઓછામાં ઓછા ચાર દિવસ રાહ જોવી પડશે. આ વિગત સાંસદ સી.આર.પાટીલે (C R PATIL ) જણાવી હતી. આગામી એક સપ્તાહમાં તેનું પરિણામ આવી ગયા બાદ રેમડેસિવિર ઇન્જેક્શનની સમસ્યા પૂરી થઇ જશે અને લોકોને જરૂરિયાત મુજબનાં ઇન્જેક્શન મળી રહેશે. આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે, હાલમાં જે રીતે મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ કામ કરી રહ્યો છે અને લોકો પોતાની શક્તિ પ્રમાણે મદદરૂપ થઇ રહ્યા છે તે જોતાં આગામી દિવસોમાં ચોક્કસપણે સુરત કોરોનાને માત આપી દેશે.

સુરત શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. સંજીવનીસમાન રેમડેસિવિર અછતને લઇને અનેક ફરિયાદો ઊઠી રહી છે. શહેરમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન મળતાં નથી. આ ઉપરાંત સુરતની સિવિલમાં કોવિડ હોસ્પિટલમાં પણ ખાવાથી માંડીને અન્ય ફરિયાદો ઊઠતાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કોવિડ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. તેઓએ ભોજનાલયથી માંડીને દર્દીઓના સગાઓ સાથે વાત કરી હતી. રેમડેસિવિર ઇન્જેક્શનને લઇ તેમણે કહ્યું હતું કે, ભારત સરકારે રેમડેસિવિર ઇન્જેક્શનનો એક્સપોર્ટ અટકાવી દીધો છે. ભારતમાં જે કોરોનાના દર્દીઓ છે તેની ઉપર ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. આ વાતને ત્રણ દિવસ તો થઇ ગયા છે અને આગામી એક સપ્તાહ સુધીમાં તેનું પરિણામ પણ આવી જશે. ત્યારબાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં જે રેમડેસિવિરની અછત છે તેની સમસ્યા પૂરી થઇ જશે અને જરૂરિયાત પ્રમાણે લોકોને ઇન્જેક્શન મળી રહેશે.


વધારાના 400 નવા ઓક્સિજન સિલિન્ડર ખરીદવામાં આવ્યાં છે, જેથી ઓક્સિજન સમયસર મળી રહે

પ્રદેશ પ્રમુખે વધુમાં કહ્યું કે, હાલમાં જે 108ની ગાડી છે તેમાં ઓક્સિજન સિલિન્ડર હોય છે. ક્યારેક હોસ્પિટલમાં દાખલ થવામાં વાર લાગે ત્યારે દર્દીના જીવને જોખમ આવી જાય છે, તેવું ન થાય એ માટે વધારાનાં 400 સિલિન્ડર ખરીદવામાં આવ્યા છે. જે તમામ સિલિન્ડરોને રિફિલ કરીને તૈયાર રાખવામાં આવશે. 108માં જ્યારે પણ ઓક્સિજનની જરૂર પડે ત્યારે તેને સમયસર પહોંચાડી શકાશે. આ ઉપરાંત ઓક્સિજનને લઇને તેઓએ કહ્યું કે, શહેરમાં પહેલાં જરૂરિયાત કરતાં વધારે ઓક્સિજનનો ઉપયોગ થઇ રહ્યો છે, હોસ્પિટલમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે આ બાબતે પણ સરકાર દ્વારા ચોક્કસ તપાસ કરવામાં આવશે. કોઇ જગ્યાએ ઓક્સિજનનો ગેરઉપયોગ થાય નહીં એ માટે પણ પગલાં ભરવામાં આવશે.


12.5 ટન લાકડાંની પાંચ ટ્રક મંગાવવામાં આવી

શહેરમાં દિવસે દિવસે મૃત્યુ આંક વધતો જાય છે. જેને લઇ બે વધારાનાં સ્મશાનગૃહ શરૂ કરવામાં આવ્યાં છે. અહીં લાકડાંની ભઠ્ઠી ઉપર જ અંતિમવિધિ કરવામાં આવે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને 12.5 ટન લાકડાંની પાંચ ટ્રક મંગાવવામાં આવી છે. જે એક-બે દિવસમાં સુરતમાં આવી જશે. ત્યારબાદ લાકડાં ઉપર જ અંતિમવિધિ કરાશે.

સાંસદ પાટીલે મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફની કામગીરી બિરદાવી . સાંસદ પાટીલે મેડિકલ અને પેરા મેડિકલની કામગીરી બિરદાવી હતી. તેમણે ડો.પારૂલ વડગામા, ડો.અમિત ગામીત તથા અશ્વિન વસાવાનો ખાસ આભાર માન્યો હતો.

Most Popular

To Top