Gujarat

CBSE ની જેમ ગુજરાત બોર્ડ પણ ધો.10-12ની પરીક્ષાઓ માટે ઝડપથી નિર્ણય લે

કોરોનાએ ( CORONA ) આખા વિશ્વને ધ્રુજાવી મુક્યું છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોનાને હરાવવા માટે ટેસ્ટિંગથી માંડીને ટ્રીટમેન્ટના અનેક પ્રયાસો તેમજ વેક્સિન ( VACCINE ) ની શોધ કરવા છતાં પણ કોરોનાને નાથી શકાયો નથી. વિશ્વભરમાં કોરોનાની બીજી લહેરએ માઝા મુકી છે અને ખાસ કરીને ભારતમાં પણ આખા વિશ્વ કરતાં એક જ દિવસમાં વધુ કેસ આવવા માંડ્યાં છે. કોરોનાએ અનેક પરિવારોના સંબંધી છીનવી લીધા છે તો સાથે સાથે વેપાર-ધંધાને વ્યાપક નુકસાન પણ પહોંચાડ્યું છે. જોકે, આ તમામમાં પણ કોરોનાએ સૌથી વધુ નુકસાન કર્યું હોય તો તે વિદ્યાર્થીઓની કારકિર્દીને છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની મહામારી ચાલી રહી હોવાથી ગત વર્ષે પણ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા પડ્યાં હતાં.

જ્યારે માત્ર બોર્ડની પરીક્ષાઓ ( BOARD EXAM ) જ લેવાઈ શકી હતી. મોટાભાગની કોલેજમાં પણ પ્રમોશન આપવા પડ્યાં હતાં. ગત વર્ષ જેવી જ હાલત આ વર્ષે પણ છે. સરકાર ભલે મેળાવડાઓ પર પ્રતિબંધ મુકે અને લોકોને ભેગા થવા નહીં દે પરંતુ કોરોનાનું સંક્રમણ નહીં ફેલાય તેવી રીતે સરકારે મહત્વની પરીક્ષાઓ લેવા માટે આયોજનો કરવા જ જોઈએ. મહત્વની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે જે તે પરીક્ષા જીવનભર માટે ખુબ અગત્યની હોય છે. સરકાર વિદ્યાર્થીઓને અવઢવમાં રાખવાને બદલે ઝડપથી નિર્ણયો લે કે જેથી જે તે વિદ્યાર્થીને પોતાની કારકિર્દી ઘડવા માટેના આયોજનો કરવાની સમજ પડે.

ગત વર્ષે પણ ધો.10માં પ્રમોશન આપવામાં આવ્યું હતું અને ધો. 12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. સાથે સાથે જેઈઈ અને નીટની પરીક્ષાઓ પણ લેવામાં આવી હતી. ગત વર્ષે મોડેથી શરૂ થયેલા સત્રને કારણે આ વખતે પણ બોર્ડની આ પરીક્ષાઓ મોડી જ લેવાની જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવી હતી પરંતુ હવે આ પરીક્ષાઓ પણ લેવાશે કે કેમ? તેની સામે પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે. કોરોનાના વધી રહેલા સંક્રમણને જોતાં સીબીએસઈ બોર્ડ ( CBSE BOARD ) દ્વારા ધો.10ની બોર્ડની પરીક્ષા લેવાનું માંડી વાળવામાં આવ્યું છે. જ્યારે ધો.12ની પરીક્ષા પણ મોકુફ કરી દેવામાં આવી છે. ધો.12ની પરીક્ષા ક્યારે લેવી અને કેવી રીતે લેવી તે માટે આગામી તા.1લી જુનના રોજ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય કરવામાં આવશે.

જે રીતે સીબીએસઈ દ્વારા ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ માટે નિર્ણય લેવામાં આવ્યો તેવી જ રીતે ગુજરાત બોર્ડ દ્વારા પણ ધો.10 અને 12ની પરીક્ષા માટે નિર્ણય લેવામાં આવે તેવી માંગણી પણ ઉઠી છે. સીબીએસઈ દ્વારા પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દેવામાં આવ્યું. પરંતુ ગુજરાત બોર્ડ ( GUJRAT BOARD ) ના વિદ્યાર્થીઓ હજુ અવઢવમાં છે. વિદ્યાર્થીઓને જો પરીક્ષાની તારીખ ખબર પડી જાય તો તેઓ પરીક્ષાની તૈયારી માટેનું શિડ્યુઅલ નક્કી કરી શકે. આટલું જ નહીં તંત્ર દ્વારા કોરોનાને ધ્યાનમાં લઈને ધો.1થી 9,11ની સાથે સાથે યુનિ.ની પરીક્ષાઓ માટે પણ શું સ્ટેટ્સ રાખી શકાય તેનો પણ ઝડપથી નિર્ણય કરી લેવો જોઈએ. જેઈઈ અને નીટ જેવી પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ બે-બે વર્ષથી સતત તૈયારી કરતાં હોય છે. જો પરીક્ષા અંગે ચોક્કસ નિર્ણય લેવામાં નહીં આવે તો તેની સીધી અસર તેમની પર થાય તેમ છે. કોરોનાના સમયમાં સંક્રમણ નહીં વધે તેવી રીતે પ્લાનિંગ કરીને તંત્ર પરીક્ષા લઈ લે તો વિદ્યાર્થીઓનો પણ મોટો છુટકારો થાય તેમ છે. આ પરીક્ષાઓ એવી હોય છે કે તેના આધારે દેશમાં ભાવિ ડોકટરો તેમજ ઈજનેરો તૈયાર થાય છે. જે દેશની ધરોહર છે તેવું સરકારે ધ્યાને રાખવું જોઈએ.

Most Popular

To Top