દેશમાં હાલ કોરોનાની ચાલી રહેલ બીજી લહેરમાં દર્દીઓની સંખ્યામાં ભારે વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. હાલ દેશના અનેક રાજ્યોમાં મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ, ગુજરાત સહિત કોરોના બેકાબુ બની ગયો છે. અત્યારે રાજ્ય સરકારો અધકચરા પગલાંઓ લઇને સંજોગો-સ્થિતિને કાબુમાં લાવવા ભારે પ્રયાસો કરી રહેલ છે. પરંતુ જે રીતે કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે તે આવતા 10-15 દિવસમાં દેશ માટે ભયાનક ચિત્ર ઉભું કરશે તેવો ભય જાણકારો દર્શાવી રહ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો હાલ તો આંશિક લોકડાઉન, તથા નાઇટ કર્ફયુ જેવા પગલાંઓ લઇ રહી છે, પરંતુ તેની અસર મર્યાદિત રહેશે તેવો ભય દરેકને સતાવી રહ્યો છે.
રાજ્યો દ્વારા મીની લોકડાઉન સહિત લેવાઇ રહેલ નિયમનકારી પગલાંઓને પરિણામે દેશની આર્થિક રીકવરી સામે હવે ઉભી થયેલ ભારે અનિશ્ચિતતાને ધ્યાનમાં લઇને રિઝર્વ બેન્કની મોનીટરી પોલીસી કમિટિએ નાણાં વર્ષ 2021-22ની નાણાં નીતિની પ્રથમ દ્વિમાસિક સમીક્ષા બેઠકના અંતે રેપો રેટ ચાર ટકાનો અને રિવર્સ રેપો રેટ 3.35 ટકાનો યથાવત રાખ્યો છે. એકોમોડેટીવ પોલીસી વલણ પણ ચાલુ રાખેલ છે. વર્તમાન નાણાંકીય વર્ષ માટે આર્થિક વિકાસ દર 10.5 ટકાના અંદાજને જાળવી રાખેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આઇએમએફ દ્વારા ચાલુ નાણાંકીય વર્ષનો આર્થિક વિકાસ દર 12.5 ટકા રહેવાનો અંદાજ દર્શાવ્યો છે.
રેપો રેટ-રિવર્સ રેપો રેટ યથાવત રાખવાની જાહેરાત કરાઇ તેનાથી સ્પષ્ટ થઇ ગયું છે કે આના કારણે તમામ લોન ઉપરના વ્યાજદર નહિં વધે કે ડિપોઝીટ ઉપરના વ્યાજદર નહિં ઘટે.
જોકે, સરકારે નાની બચત યોજનોઓના વ્યાજના દરોમાં અડધા ટકા સુધીનો ઘટાડો તાજેતરમાં જાહેર કર્યો હતો અને બીજા જ દિવસે આ ઘટાડો પાછો ખેંચી લીધો હતો. આ મોદી સરકાર અને નાણાં મંત્રી માટે એક ભયંકર છબરડો સાબિત થઇ ગયો છે. રેપો રેટની સાથે સાથે બેન્કે માર્જિનલ સ્ટેન્ડીગ ફેસીલીટી-એમએસએફ રેટ અને બેન્ક રેટ પણ જાળવી રાખ્યા છે.
નવા નાણાંકીય વર્ષના પ્રથમ છ માસમાં ફુગાવો વધીને 5.2 ટકા રહેવાનો પણ કમિટિએ અંદાજ મુક્યો છે જે નાણાંકીય વર્ષના 2023ના ત્રીજા કવાર્ટરમાં ઘટીને 4.4 ટકા થવાનો અંદાજ મુક્યો છે. પરંતુ કોવિડના વ્યાપક-ઝડપી અને અનિયંત્રીત વધી રહેલ, બેકાબુ બની રહેલ દર્દીઓની સંખ્યામાં જોવા મળી રહેલ અસાધારણ વધારાને કારણે માઝા મુકી રહેલ મોંઘવારી ફુગાવાનો દર પણ નવી ઉંચી સપાટીએ પહોંચે તો નવાઇ નહિં લાગે.
રિઝર્વ બેન્ક એવી હૈયાધારણા આપી છે કે ભવિષ્યમાં જરૂર જણાશે તો અર્થતંત્રને ટેકો આપવા માટે વ્યાજના દર ઘટાડવા તૈયાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિટેઇલ ફુગાવો ફેબ્રુઆરીમાં ત્રણ માસની ટોચે 5.03 ટકા, જ્યારે કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવો જાન્યુઆરીમાં 4.06 ટકાના સ્તરે હતો. રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે, એકોમોડેટિવ સ્ટેન્સની નીતિ જ્યાં સુદી જરૂરત હશે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે.
સીપીઆઇ ફુગાવો 2022ના ચોથા કવાર્ટર સુધી 4.4 ટકાથી 5.2 ટકાની વચ્ચે અથડાતો રહેશે, તેવું અનુમાન કરાયેલ છે. ઓન ટેપ ટીએલટીઆરઓ સ્કીમને 30 સપ્ટેમ્બર, 2021 સુધી લંબાયેલ છે. પેમેન્ટ બેન્કો અત્યાર સુધી ગ્રાહકદીઠ દિવસ આખર સુધી એક લાખ રૂપિયા બેલેન્સ રખાતું હતું તે વધારીને રૂ. 2 લાખનું કરાયું છે. એઆરસીના વર્કીંગની સુગ્રથિત સમીક્ષા માટે એક પેનલની રચના થશે. એનબીએફસીને બેન્ક લોન માટેનું ઓન લેન્ડીંગનું પીએસઆઇ વર્ગીકરણ પણ 30 સપ્ટેમ્બર, 2021 સુધી લંબાવવામાં આવ્યું છે.
નોન બેન્ક પેમેન્ટ સંસ્થાઓ પણ હવે એનઇએફટી અને આરટીજીએસ જેવી સેન્ટ્રલાઇઝ્ડ પેમેન્ટ સીસ્ટમમાં સીધું જ સભ્યપદ મેળવી શકશે. દેશમાં ફાઇનાન્સીયલ ઇન્કલ્યુઝનનો વિસ્તાર કેટલો વધી રહ્યો છ તેની જાણ કરતો ફાઇનાન્સીયલ ઇન્કલુઝન ઇન્ડેક્સ આંતરે સમયે પ્રગટ કરાશે.
નિષ્ણાંતોના મતે હવે રિઝર્વ બેન્ક માટે આવતા મહિનાઓમાં એકસચેન્જ રેટમાં થનાર ભારે અફડાતફડીના માહોલનો પડકાર ઉભો થશે તેને સંભાળવો પડશે. રિઝર્વ બેન્કની નીતિ સમીક્ષાના દિવસે જ કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો અને રૂપિયો 1.60 ટકા ગબડયો હતો અને તે રૂ. 73.51 થઇને રૂ. 74.60નો બોલાયો હતો. ગાઉ ડોલર સામે રૂપિયો ઓગસ્ટ 2019માં પણ ગબડયો હતો. અગાઉ એકવાર રૂપિયો ગબડીને રૂ. 76.87 નોંધાયો હતો. બ્રિટિશ પાઉન્ડ સામે રૂપિયો 103.03 સમીક્ષાના દિવસે ગબડયો હતો. 2008-2009માં પણ આવી જ પરિસ્થિતિ સર્જાઇ હતી. જ્યારે કોમોડિટીઝના ભાવો ઉછળતાં રહ્યા હતા.
કોમોડિટીઝનો આ ભાવ ઉછાળો એકસચેન્જ રેટના ઉછાળા કરતાં પણ વધારે હતો. પરંતુ ત્યારબાદ ટુંકાગાળામાં જ રૂપિયો વધવાને બદલે ગબડવા માંડ્યો હતો. માર્ચ 2021માં રૂપિયો મજબૂત બન્યો હતો અને એપ્રિલ 2021માં ગબડયો છે અને આવું જ કંઇક એપ્રિલ 2008-2009માં બન્યું હતું.
રિઝર્વ બેન્કે આ સંજોગોમાં એકસચેન્જ પોલીસી રેટની નીતિની પણ સમીક્ષા કરવાની રહેશે. રૂપિયાના અવમુલ્યનની વિદેશી મુડીરોકાણનો ફાળો વધશે અને નિકાસકારોને ફાયદો થશે, પરંતુ સામે આયાત બિલ ખુબજ ઉંચું આવશે.
કોવિડના કેસો-દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો થવાના કારણે દેશની આર્થિક પ્રગતિ-રીકવરી સામે ખુબ જ મોટું જોખમ ઉભું થઇ રહેલ છે. જુદાજુદા રાજ્યો નવા નિયમ જાહેર કરે છે, જેની વિધાતક અસર ફરીને ડિમાન્ડ ઉપર જોવા મળશે. હાલના સંજોગોમાં રિઝર્વ બેન્કની સ્ટેટસ કવો સ્થિતિ વાજબી ગણાવી શકાય, પરંતુ આવી રહેલ કવાર્ટરોમાં હાલની આ સ્થિતિ જળવાઇ રહે તેવી શકયતા નથી અને અનિશ્ચિતતાના ભારોભાર વધવાની છે.
દેશમાં વેકસીન લગાવવાનો પ્રોગ્રામ પુરજોશમાં ચાલુ છે તેમ છતાં કોરોના વિસ્ફોટે શ્રમિક વર્ગ અને કર્મચારી વર્ગમાં ગમે ત્યારે લોકડાઉન આવવાની બીકે તેમજ રેલવે-બસ સુવિધાઓ બંધ થવાની દહેશતે પોતાના વતન ભણી દોટ મુકતા જોવા મળી રહ્યા છે. આના કારણે કારખાના-ફેકટરીઓ બંધ કરવાની નોબત આવશે, તેવી ચિંતા ઉદ્યોગજગતમાં ફેલાઇ રહી છે.
રિઝર્વ બેન્કે ફુગાવાનો દર ચાર ટકાથી ઉપર રહેવાનો લક્ષ્યાંક રાખ્યો છે પરંતુ ઉત્પાદનને વિવિધ રાજ્યોમાં માઠી અસર થશે તો સપ્લાય ચેઇન પણ તુટશે, જેના કારણે નવા પડકારો અને અવરોધ ઉભા થશે. વધુમાં કોમોડિટીના વિશ્વભરમાં વધતા ભાવો પણ નવીનવી સમસ્યાઓ ઉભી કરી રહેલ છે. ઓગસ્ટ 2020 અને ફેબ્રુઆરી 2021 વચ્ચે આઇએમએફનો પ્રાયમરી કોમોડિટી પ્રાઇસ ઇન્ડેક્સ 29 ટકાનો ઉછાળો દર્શાવે છે. આ સંજોગોમાં ઉંચો ફુગાવાનો દર અને ધારણાં કરતાં વિકાસ-વૃદ્ધિદર નીચો જશે તેમ રિઝર્વ બેન્ક માટે પણ મોટી સમસ્યાઓ ઉભી થશે. બેન્કે એકોમોડેટિવ ફાઇનાન્સીયલ સહયોગ વધુ લાંબા સમય માટે ચાલુ રાખવો પડે. સરકારના બોરોઇંગ પ્રોગ્રામને માટે સાનુકુળ વાતાવરણ રચવા માટે આ પણ જરૂરી છે પરંતુ તેના કારમે ફુગાવો વધવાનું દબાણ વધુ જોરદાર બનશે.
હાલ છેલ્લા થોડાક મહિનાઓમાં સીસ્ટમમાં સરેરાશ સરપ્લસ લીકવીડીટી રૂ. છ ટ્રીલીયન છે જે જળવાઇ રહે તે માટે રિઝર્વ બેન્ક સજજ છે. બીજી બાજું બોન્ડ ઇલ્ડ નીચા લાવવા માટે રિઝર્વ બેન્ક સેકન્ડરી બજારમાંથી એક ટ્રીલીયનના સરકારી બોન્ડ ખરીદનાર છે. આ જાહેરાતે બોન્ડ ઇલ્ડ જરૂર થોડાંક ઘટયા છે પરંતુ ફુગાવો વધશે તો સીસ્ટમમાં વધુ પડતી લીકવીડિટીના એડજસ્ટમેન્ટમાં ભારે મુશ્કેલીઓ આવશે.
ટૂંકમાં રિઝર્વ બેન્કે વિકાસ વૃદ્ધિની પ્રગતિ જળવાઇ રહે અને સરકારનો જંગી બોરોઇંગ પ્રોગ્રામ સફળ થાય તે માટે જરૂર પ્રયાસ કરે પણ નાણાંકીય સ્થિરતા અને ભાવોની સ્થિરતાના ઉદ્દેશને ધ્યાન બહાર રાખે નહિં.