Gujarat

સિટી સ્કેન સેન્ટરો અને ખાનગી લેબોરેટરીઓ બેલગામ, મનફાવે ભાવો વસૂલી રહ્યા છે, છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવાતા નથી

સુરત: (Surat) શહેરમાં કોરોનાકાળમાં ખાનગી લેબોરેટરી અને સિટીસ્કેન સેન્ટરો દર્દીઓ પાસેથી બેફામ પૈસા વસૂલી રહ્યા છે. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા કે સ્થાનિક તંત્ર (administration) દ્વારા આ લૂંટારૂઓ પર કોઈ લગામ કસવામાં આવી રહી નથી. શહેરમાં જ્યારે મેડિકલ ઇમરજન્સી જેવી સ્થિતિ છે ત્યારે આ ખાનગી લેબોરેટરી (Lab) અને સિટીસ્કેન સેન્ટરો મનફાવે રૂપિયા (Rupees) દર્દીઓના ખિસામાંથી ખંખેરી રહ્યા છે અને રિપોર્ટ કરાવવા પહેલા જ બીલ નહીં મળે તેવી સ્પષ્ટ ચોખવટ કરવામાં આવે છે.

શહેરમાં ગયા વર્ષની સરખામણીએ કોરોનાનું સંક્રમણ વધારે ભયાનક અને ઝડપી છે. આ વખતે નાના બાળકોથી લઈને વૃદ્ધો અને યુવાનો પણ સંક્રમીત થઈ રહ્યા છે. શહેરની સરકારી નવી સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ, કોવિડ હોસ્પિટલ બાદ હવે ખાનગી હોસ્પિટલો પણ ફુલ થઈ ગઈ છે. દર્દીઓને દાખલ કરવા ખાટલા નથી સારવાર આપવા તબીબો નથી. આવી ભયંકર પરિસ્થિતિમાં બીજી બાજું શહેરના ખાનગી સિટીસ્કેન સેન્ટરો અને લેબોરેટરીઓ દ્વારા દર્દીઓ પાસેથી ઉઘાટી લૂંટ શરૂ કરવામાં આવી છે. ડરના રૂપિયા વસૂલતા હોય તેમ લોકો કોરોના સંક્રમણથી ડરીને સિટીસ્કેન કરાવવા કે લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા માટે જાય છે. ત્યારે તેમની પાસેથી કોઈપણ ધારાધોરણ વગર મનફાવે તેમ રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે કોરોનાની પ્રથમ વેવ વખતે રાજ્ય સરકારે સ્થાનિક તંત્રને સૂચના આપી લેબોરેટરી અને સિટીસ્કેન સેન્ટરો ઉપર લગામ લગાવી હતી. પરંતુ આ વખતે જાણે સરકાર ખૂદ બેધ્યાન બનીને મેડિકલ ઇમરજન્સી ઉભી કરી રહી હોય તેવો ઘાટ છે.

90 રૂપિયાની રેપિડ કીટના 450 થી 600 રૂપિયા વસૂલાય છે
સુરત મહાનગર પાલિકા દ્વારા જે રેપિડ કીટ ખરીદી કરવામાં આવે છે તે 60 રૂપિયાની છે. આ સિવાય શહેરમાં કોઈપણ મેડિકલ ઉપર મોંઘામા મોંઘી કીટ 92 રૂપિયાની મળે છે. ખાનગી લેબોરેટરી અને હોસ્પિટલો દ્વારા 90 રૂપિયાના કીમતની કીટ વાપરવામાં આવે છે. પરંતુ આ કીટના તેઓ દર્દીઓ પાસેથી 450 થી લઈને 600 રૂપિયા સુધી વસૂલાત કરી રહ્યા છે. જ્યારે સરકાર દ્વારા 100 રૂપિયાથી વધારે નહીં લેવા માટે ગયા વખતે નક્કી કરાયું હતું.

1200 થી 1500 ના સિટીસ્કેનના 3500 થી 4000 વસૂલાય છે
શહેરના ખાનગી સિટીસ્કેન સેન્ટરો ઉપર પહેલા 1200 થી 1500 રૂપિયા લેવાતા હતા. પરંતુ કોરાનાકાળમાં સિટીસ્કેન સેન્ટરો દ્વારા તેમા પણ લૂંટ શરૂ કરી દેવાઈ છે. સિટી સ્કેન માટે આવતા દર્દીઓ પાસેથી ઘણી જગ્યા પર 2500, 3500 થી 4200 રૂપિયા વસૂલાઈ રહ્યા છે.

લેબોરેટરીમાં લોડ વધતા 72 થી 96 કલાક પછી રિપોર્ટ મળે છે
શહેરમાં કોરોનાનું ઝડપી સંક્રમણ થતા લોકો ખાનગી લેબોરેટરીઓમાં દોડ મુકી રહ્યા છે. પરંતુ હવે ખાનગી લેબોરેટરીઓ પાસે પણ લોડ વધતા રિપોર્ટ 72 થી 96 કલાક બાદ મળી રહ્યા છે. આટલા દિવસમાં તો દર્દી ક્યાં તો સાજો થઈ ગયો હોય ક્યાં તો દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી જાય છે. આ રિપોર્ટ આવ્યાના ત્રણેક દિવસ બાદ મહાનગર પાલિકામાંથી દર્દીના મકાનને ક્વોરેન્ટાઈન કરવા માટે આવે છે.

Most Popular

To Top