સુરત: (Surat) સુરતની સીવીલ અને સ્મીમેર હોસ્પિટલમાં લોકો રેમેડેસિવિર ઇન્જેક્શન માટે વલખા મારી રહ્યા છે ત્યારે હવે સુરત મહાનગર પાલિકાનું વિરોધપક્ષ લોકો માટે બાથ ભીડવા તૈયાર થયું છે. સરકારના વિરોઘમાં તેમજ ઇન્જેક્શનની (Injection) માંગને લઈને SMC વિરોઘપક્ષના નેતા ધર્મેશ ભંડેરી અને દડંક ભાવનાબેન સોલંકી કાર્યકર્તાઓના કાફલા સાથે આરોગ્યમંત્રીના (Health Minister) ઘરની બહાર પહોંચ્યા હતા. આપના નગરસેવકો અને (AAP) આપના કાર્યકર્તાઓએ શનિવારે બપોરે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના ધરનો ઘેરાવ કર્યો હતો. ઇન્જેક્શન આપે નહિ તો રાજીનામુ આપોના નારા લગાવી કુમાર કાનાણીના ધરની બહાર પ્રદર્શન કરાયું હતું.
સુરતમાં બીજેપી કાર્યાલય પર રેમડેસિવીર ઇન્જેક્શન વહેંચણી થતા આપ દ્વારા ઘણા પ્રશ્નાર્થ કરવામાં આવ્યા છે, અને જણાવાયું છે કે “જરૂરી દવાઓ અને રેમડેસિવીર ઇન્જેક્શન સિવીલ અને સ્મીમેર હોસ્પિટલોમાં લોકોને મળતા નથી અને રાજય સરકાર તથા સ્થાનિક વહીવટીતંત્ર સદંતર નિષ્ફળ નિવડેલ છે, ત્યારે આવી ગંભીર કટોકટીના સમયે રાજકરણ કરી એ જ ઇન્જેક્શન ભાજપ કાયાઁલય પરથી મળી રહેશે આવી ગુજરાત ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલની જાહેરાત કેટલી યોગ્ય છે?”
સુરતમાં સિવિલ અને સ્મીમેરમાં રેમડેસિવીર ઇન્જેક્શન માટે કોરોનાના દર્દીઓના સગાઓ દ્વારા લાંબી લાંબી કતારો કરવામાં આવી હતી, અને ત્યારબાદ અચાનક કલેકટર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાઓને આ ઇન્જેક્શન મળવા પાત્ર નથી, જો કે આ દરમિયાન ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલની જાહેરાતથી લોકો બીજેપી કાર્યાલય પર ઉમટી પડ્યા હતા. અને વહેલી સવારથી જ લોકોએ લાઈન લગાવી હતી, જો કે સુરત આમ આદમી પાર્ટી દ્વારા આ મુદ્દે રાજકારણનો આરોપ લગાવી એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી સવાલો કરવામાં આવ્યા હતા.
વધુમાં આપે જણાવ્યું હતું કે ઇન્જેક્શન પુરી પાડવામા સરકારનું વહીવટીતંત્ર નિષ્ફળ નિવડેલ હોય ત્યારે ભાજપ અધ્યક્ષ કેવી રીતે જાહેરાત કરી શકે કે ઇન્જેક્શન માટે ભાજપનો સંપકઁ કરવો. સી.આર.પાટીલ પોતાને સરકારી સીસ્ટમથી ઉપર સમજે છે ? કોઇપણ દવા કે ઇન્જેક્શન અધિકૃત કરાયેલ સંસ્થા વહેચણી કરી શકે છે તો ભાજપ કાયાઁલયને આ ઇન્જેક્શનો વહેચણી કરવાનો પરવાનો કોને અને ક્યારે આપ્યો ? આ કાયદાનો પણ સરેઆમ ભંગ છે. સી.આર.પાટીલની આ જાહેરાત બાદ કલેક્ટરધવલ પટેલ દ્વારા એવુ જાહેરનામુ બહાર પડાયેલ કે પ્રાઇવેટ હોસ્પિટલોને ઇન્જેક્શન મળશે નહિ તો સી.આર.પાટીલ પાસે આટલા મોટા માત્રામાં ઇન્જેક્શનનો જથ્થો ક્યાથી આવ્યો?