SURAT

સિવિલમાં એક વાર દર્દી દાખલ થયા પછી પરિવારને ખબર જ નથી પડતી કે તે ક્યાં છે, નેપાળી યુવકનો પરિવાર પણ મુંઝવણમાં

સુરત: (Surat) વરાછા વિસ્તારમાં રહેતો એક નેપાળી યુવક રવિવારે સિવિલમાં (Civil Hospital) દાખલ થયા બાદ ગુમ થઇ જતાં પરિવારજનો ચિંતામાં મુકાયા છે. છેલ્લા ત્રણ દિવસથી આ નેપાળીનો પરિવાર સિવિલ હોસ્પિટલના ધરમના ધક્કા ખાઇ રહ્યો છં, પરંતુ હોસ્પિટલમાંથી કોઇ જવાબ મળતો ન હોવાથી તેઓ પણ મુંઝવણમાં મુકાયા છે. ગુમ થઇ જનાર યુવકનું મોત થયું છે કે પછી તે કોઇ જગ્યાએ દાખલ થયા છે..? તેને લઇને પરિવાર ચિંતામાં મુકાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ વરાછાના મીનીબજાર પાસે મહાદેવ નગરમાં રહેતા ભરત દાનબહાદૂર થાપાની તબિયત ગત રવિવારે ખરાબ થઇ હતી. હીરાના કારખાનામાં કામ કરતા ભરત થાપાએ પોતાના કારખાનાના મેનેજરને વાત કરી હતી અને ‘સિવિલમાં દાખલ થવા જાઉ છું’ કહ્યું હતું. રવિવારે ભરત થાપા ઘરેથી નીકળ્યા બાદ તેનો કોઇ અત્તોપત્તો લાગ્યો ન હતો. બીજા દિવસે ભરતે પોતાના કારખાનેદારની સાથે વાત કરીને સિવિલમાં હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત ભરત થાપાએ પોતાની પત્ની સાથે પણ વાત કરીને હોસ્પિટલમાં દાખલ થવાનું કહ્યું હતું. છેલ્લા ત્રણ દિવસથી ભરત થાપાનો સાળો રાજુ થાપા સિવિલ હોસ્પિટલમાં આવીને ધક્કા ખાઇ રહ્યો છે, પરંતુ હોસ્પિટલ તરફથી કોઇ જવાબ મળ્યો ન હતો. આજે રાજુ થાપાએ ‘ગુજરાતમિત્ર’ સાથે વાત કરતા કહ્યું કે, ભરત ક્યાં છે તે અંગે કોઇ માહિતી જ નથી. ભરત જીવે છે કે નહી..? તે પણ એક પ્રશ્ન ઊભો થયો છે. ભરત એકલો જ હોસ્પિટલમાં દાખલ થયો હોવાથી તે કયા વોર્ડમાં અને કયા માળ ઉપર દાખલ છે તે અંગેની માહિતી પણ જાણવા નહીં મળતા પરિવારના સભ્યો મુશ્કેલીમાં મુકાયા છે.

મારી ઉપર ફોન આવ્યો હતો અને પછી ફોન સ્વીચઓફ થઇ ગયો છે : કારખાનેદાર જેન્તીભાઇ
આ અંગે વરાછા વિસ્તારમાં રહેતા કારખાનેદાર જેન્તીભાઇ માંગુકીયાએ માહિતી આપતા કહ્યું હતું કે, રવિવારે મારી ભરત થાપાની સાથે વાત થઇ હતી. તેની તબિયત ખરાબ હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ભરત એકલો જ હોસ્પિટલમાં દાખલ થયો હોવાનું કહેતો હતો. બીજા દિવસે મે ફોન કર્યો ત્યારે તે સિવિલમાં હોવાનું કહેતો હતો અને બીજીવાર જ્યારે ફોન કર્યો ત્યારે ભરતનો ફોન સ્વીચઓફ આવતો હતો.

Most Popular

To Top