ન્યૂઝીલેન્ડે પ્રથમ વખત ભારતથી આવતા મુસાફરોના પ્રવેશ પર હંગામી પ્રતિબંધ મૂક્યો છે, જેમાં તેના પોતાના નાગરિકો, જે ભારતથી આવી રહ્યા હોય તેમના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ દેશમાં આવતા મુલાકાતીઓમાં કોવિડ-૧૯ના કેસોમાં આવેલા ઉછાળાને કારણે ૧૧થી ૨૮ એપ્રિલ સુધી આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એમ વડાપ્રધાન જેસિન્ડા આર્ડેર્ને આજે જણાવ્યું હતું.
આ પ્રતિબંધો એના પછી આવ્યા છે જેમાં ન્યૂઝીલેન્ડમાં આજે ૨૩ નવા કેસો નોંધાયા હતા જેમાંથી ૧૭ કેસો ભારતથી આવેલા લોકોમાં નોંધાયા હતા એ મુજબ ડિરેકટર-જનરલ ઓફ હેલ્થ એશ્લે બ્લૂમફિલ્ડને મીડિયા અહેવાલોએ કહેતા ટાંક્યા હતા.
ભારતથી આવતા લોકોએ જોખમ મૂલ્યાંકન કરવાની જરૂરિયાત ઉભી કરી હતી ત્યારે વડાપ્રધાન આર્ડેર્ને જણાવ્યું હતું કે તેમની સરકાર અન્ય કોવિડ-૧૯ હોટસ્પોટ દેશો દ્વારા ઉભા થતા જોખમમાં પણ તપાસ કરશે. આ પ્રતિબંધ સ્થાનિક સમય પ્રમાણે ૧૧ એપ્રિલે બપોરના ૪ વાગ્યાથી શરૂ થશે અને ૨૮ એપ્રિલ સુધી રહેશે એમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રતિબંધમાં તમામ પ્રવાસીઓને આવરી લેવાયા છે, જેમાં ન્યૂઝીલેન્ડના નાગરિકો અને કાયમી રહીશોનો પણ સમાવેશ થાય છે જેઓ ભારત જઇને ત્યાંથી પરત આવી રહ્યા છે. અગાઉ કેટલાક દેશો પર ન્યૂઝીલેન્ડે પ્રવાસ પ્રતિબંધો મૂક્યા હતા પરંતુ તેણે ક્યારેય ન્યૂઝીલેન્ડના નાગરિકો અને રહીશોના આગમન પર પ્રતિબંધ મૂક્યો ન હતો.
આર્ડેર્ને કહ્યું હતું કે હું સમજી શકું છુ઼ કે આ હંગામી પ્રતિબંધથી ભારતથી આવતા કિવિઓ(ન્યૂઝીલેન્ડના લોકો)ને મુશ્કેલી પડશે પરંતુ જોખમ ઘટાડવાના માર્ગો શોધવાની મારી જવાબદારી છે. ઑકલેન્ડ ઇન્ડિયન એસોસીએશનના પ્રમુખ નરેન્દ્રભાઇ ભાણાએ કહ્યું હતું કે ભારતથી આવતી ફ્લાઇટો પર હંગામી પ્રતિબંધ મૂકવાના ન્યૂઝીલેન્ડ સરકારના નિર્ણયથી તેમને કોઇ સમસ્યા નથી.