સુરત: (Surat) ફાયર વિભાગ દ્વારા સતત ત્રીજા દિવસે પણ ફાયર સેફ્ટીની (Fire Safety) અપૂરતી સુવિધાને લઇ સીલ (Seal) મારવાની કામગીરી યથાવત રહી હતી. શહેરની માર્કેટની દુકાનો, હોટલો, હોસ્પિટલ, ગોડાઉન સહિત કુલ 2563 એકમ સીલ કરાયાં છે. સેન્ટ્રલ ઝોનમાં સલાબતપુરા સ્થિત કોહિનૂર ટેક્સટાઇલ માર્કેટની (Textile Market) 2300 દુકાન અને રેલવે સ્ટેશન સ્થિત આલ્ફા હોટલ, રાંદેર ઝોનમાં અડાજણ સ્થિત એક્વા કોરિડોરની 27 દુકાનો સીલ કરાઈ હતી.
ઉનાળાની શરૂઆતથી જ શહેરભરમાં સમયાંતરે આગના બનાવોની ઘટનાઓ સામે આવી રહી છે. ફાયર વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી ફાયર સેફ્ટીને લઈ કડક કાર્યવાહીની કામગીરી કરાઈ રહી છે. આગની ઘટના બને એ પહેલા જ ફાયર વિભાગ દ્વારા શહેરની વિવિધ શોપિંગ કોમ્પ્લેક્સની દુકાનો, ગોડાઉન, હોસ્પિટલ, હોટલો, શાળાઓ, ટેક્સટાઇલ માર્કેટમાં જઈ ફાયર સેફ્ટીના અભાવ હોય તેવી દુકાનો અને વેપારીઓ-માલિકોને નોટિસ પાઠવવામાં આવી રહી છે. નોટિસ મળવા છતાં પણ ફાયર સેફ્ટીની સુવિધા ન કરવામાં આવતાં આખરે ફાયર વિભાગ દુકાનોને સીલ મારવાની કામગીરી કરવા મજબૂર બન્યો છે.
સેન્ટ્રલ ઝોનમાં સલાબતપુરા સ્થિત કોહિનૂર ટેક્સટાઇલ માર્કેટની 2300 દુકાન અને રેલવે સ્ટેશન સ્થિત આલ્ફા હોટલ, રાંદેર ઝોનમાં અડાજણ સ્થિત એક્વા કોરિડોરની 27 દુકાન, રેડિયસ હોસ્પિટલ અને એક્વા કોરિડોર હોટલ, ઉધના ઝોનમાં રમેશ વર્મા કેમિકલ અને જી.આર.ટેક્સટાઇલ ગોડાઉન, વરાછા ઝોન-બીમાં ન્યૂ બોમ્બે માર્કેટ સ્થિત કુબેરજી માર્કેટની 48 દુકાન અને વરાછા-સરથાણા પ્લેટેનિયમ પોઇન્ટની 96 દુકાન, કતારગામ ઝોનમાં ફૂલવાડી સ્થિત એમ.આઇ. ટ્રેડર્સ અને અંજીરાવાડી સ્થિત જલારામ કેમિકલ્સનાં ગોડાઉન, અઠવા ઝોનમાં સિટીલાઇટ સેન્ટરમાં 85 દુકાનને સીલ મારવાની કામગીરી કરાઈ હતી.