Columns

સાચી રીતે શીખવા માટે

એક ઉત્સાહથી ભરેલો યુવાન માર્શલ આર્ટ શીખવતા ઝેન ગુરુ પાસે આવ્યો અને કહેવા લાગ્યો, ‘માસ્ટર મને તમારો શિષ્ય બનાવો.મારે માર્શલ આર્ટ શીખવું છે.’ગુરુએ પહેલાં તો કહ્યું, ‘હું કોઈને શિષ્ય બનાવતો નથી.’ યુવાને બહુ વિનંતી કરતાં કહ્યું, ‘મને માર્શલ આર્ટ શીખવું જ છે અને તમારી પાસેથી જ શીખવું છે. મને શિષ્ય તરીકે સ્વીકારી લો.’ઝેન માસ્ટર બોલ્યા, ‘શું તું મહેનત કરવા તૈયાર છે?’ પેલા યુવાને કહ્યું, ‘હા માસ્ટર, તમે કહેશો તેમ કરીશ..બધું કરીશ.’ માસ્ટરે પૂછ્યું, ‘શું તું તારો બધો સમય આપવા તૈયાર છે.’ યુવાને કહ્યું, ‘હા ગુરુજી, હું બધો સમય આપીશ, બરાબર મહેનત કરીશ તો હું કેટલા સમયમાં માર્શલ આર્ટમાં પારંગત થઈ જઈશ.’ઝેન માસ્ટર હસ્યા અને બોલ્યા, ‘પહેલાં શીખવાનું તો શરૂ કર.

પાછો પારંગત બનવાની વાતો કરજે..’યુવાન બોલ્યો, ‘માફ કરજો માસ્ટર, પણ મને કહો ને હું કેટલા સમયમાં શીખી લઈશ અને હું સખત મહેનત કરીશ એટલે પારંગત પણ જલ્દી થઈ જઈશ.’ગુરુજી બોલ્યા, ‘યુવાન તને બહુ ઉતાવળ છે પણ શીખતાં જ દસ વર્ષ લાગશે. સમજ્યો વિચારી લે…’યુવાન ચૂપ થઈ ગયો. થોડી વાર વિચાર્યા બાદ બોલ્યો, ‘માસ્ટર, દસ વર્ષ તો બહુ લાંબો વખત છે …મારે બધું જલ્દી શીખવું છે અને પારંગત પણ બનવું છે. હું બહુ મહેનત કરીશ. તમે જે કહેશો તે બે વાર ..ત્રણ વાર અભ્યાસ કરીશ…તમે કહેશો 8 કલાક મહેનત કર હું ૧૬ કલાક કરીશ. હવે તમે મને કહો, હું કેટલા સમયમાં શીખી લઈશ.’

ઝેન માસ્ટર હસ્યા અને બોલ્યા, ‘યુવાન તો તો તને ૨૦ વર્ષ લાગશે…..’યુવાન આવો વિચિત્ર જવાબ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો.થોડી વાર પછી યુવાન બોલ્યો, ‘માસ્ટર, હું તો તમે કહેશો તેનાથી બમણી મહેનત કરવા તૈયાર છું છતાં તમે કહો છો કે ૧૦ વર્ષથી ઓછો નહિ પણ બમણો સમય લાગશે.’ઝેન માસ્ટર બોલ્યા, ‘યુવાન જીવનમાં માર્શલ આર્ટ નહિ પણ કોઇ પણ વસ્તુ, કળા ,જ્ઞાન વગેરે પ્રાપ્ત કરવા તમે ઉત્સુક હો અને ત્યારે તેને મેળવવા તેની પાછળ વધુ મહેનતથી દોડો ત્યારે તે વસ્તુ તમારાથી વધુ ને વધુ દૂર થતી જાય છે. ‘લો ઓફ રીવર્સ ઈફેક્ટ’ની અસર પ્રમાણે તે વસ્તુ ,તે જ્ઞાન ,તે કળા ,તે પૈસા કે બીજું કંઈ પણ જેટલું તમે તે મેળવવા દોડો તેટલું તમારાથી દૂર થતું જાય છે.તું શરૂઆત કરવા પહેલાં જ આટલી ઉતાવળ કરે છે તે માર્શલ આર્ટ શીખનાર માટે બરાબર નથી. આ આર્ટ એક તપની જેમ શીખવું પડે છે. તેનો કોઈ સમય નક્કી નથી હોતો સમજ્યો.જો ઉતાવળ હોય તો શીખવાનું જ માંડી વાળ અને શીખવું જ હોય તો સમયની ગણતરીઓ છોડી દે.’ઝેન માસ્ટરે સમજ આપી.

Most Popular

To Top