સુરત: (Surat) પશ્ચિમ બંગાળમાંથી ગુમ એક યુવતીને શોધવા માટે દિલ્હીની (Delhi) એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલની ટીમે સુરતમાં ધામા નાંખ્યા હતા. સુરત પોલીસની મદદથી રાહુલરાજ (Rahulraj Mall) મોલમાં ચાલતા સ્પામાં (Spa) દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં 14 યુવતી (Girls) અને સાત પુરુષોને પકડી લેવાયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ બંગાળના બાસંતી પોલીસ મથક વિસ્તારમાં રહેતી એક યુવતી 10 દિવસ પહેલા ગુમ થઇ હતી. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ સ્થાનિકો દ્વારા ત્યાંની મિશનમુક્તિ ફાઉન્ડેશન એન્ટીહ્યુમન ટ્રાફિકિંગ સેલની મદદ લેવામાં આવી હતી. બીજી તરફ આ સેલને માહિતી મળી હતી કે, જે યુવતી ગુમ થઇ છે તે યુવતી રાહુલ રાજ મોલના સ્પામાં નોકરી કરે છે.
આ માહિતીના આધારે દિલ્હીની ટીમે સુરત પોલીસની મદદથી રાહુલ રાજ મોલના વી.બ્યુટી એન્ડ સ્પામાં રેડ પાડી હતી. આ સ્પામાં યુવતી પાસે બળજબરીપૂર્વક દેહવિક્રય કરાવવામાં આવી રહ્યો હતો. દિલ્હીની ટીમે સુરતની પોલીસ સાથે રેડ પાડી હતી અને 14 યુવતીઓને રેસ્ક્યુ કરી હતી. આ સાથે જ પોલીસે અહીંથી સાત પુરુષોની પણ ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ બંગાળમાં જે યુવતી ગુમ હતી. તે યુવતી વી બ્યુટી એન્ડ સ્પામાંથી મળી આવી છે. હાલ તો પોલીસે સ્પાના સંચાલકની સામે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ શરૂ કરી છે.
રાહુલરાજ મોલમાં ચાલતા સ્પામાં કામ કરતી યુવતીઓને પોલીસે છોડાવી છે. આ યુવતીઓને પશ્ચિમ બંગાળથી લગ્ન કરાવવાની લાલચ આપીને લાવવામાં આવતી હતી. યુવતીઓને ત્યાંથી મોટા સપના દેખાડીને સુરતમાં મોલમાં અનૈતિક કામ કરાવવામાં આવતું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.હાલ પોલીસે યુવતીઓને મુક્ત કરાવીને વધુ તપાસ હાથ ધરી છે.