શું દક્ષિણની ફિલ્મોના કલાકારો સશક્ત ભૂમિકાઓવાળી ફિલ્મો પસંદ કરે છે? એ સવાલના જવાબમાં કહી શકાય કે ધનુષને ‘અસુરન’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો અને વિજય સેતુપતિને ‘સુપર ડીલક્સ’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો મળેલો એવોર્ડ આ વાત પર મહોર મારે છે.
મોહનલાલની મલયાલમ પિરિયડ ડ્રામા ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. મહેશબાબુની ‘મહર્ષિ’ શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ બની છે. જ્યારે એક તમિલ ફિલ્મને ખાસ જ્યુરી એવોર્ડ અપાયો છે. તાજેતરમાં જાહેર થયેલા રાષ્ટ્રીય એવોર્ડઝમાં દરેક કેટેગરીમાં દક્ષિણની ફિલ્મોનો દબદબો રહ્યો છે. આ કારણે જ બોલિવૂડની ઘણી ફિલ્મો દક્ષિણની ફિલ્મો પરથી બનતી રહે છે. શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મનો ‘જર્સી’ ને એવોર્ડ મળ્યો એની હિન્દી રીમેક શાહિદ કપૂર સાથે બની રહી છે. ધનુષની તમિલ ફિલ્મ ‘અસુરન’ ને શ્રેષ્ઠ ફિલ્મનો પણ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. ફિલ્મમાં ધનુષ એક એવા પિતાની ભૂમિકામાં છે જે પોતાના પુત્રને બચાવવા માટે ગામ છોડીને પરિવાર સાથે ભાગે છે. હિન્દી ફિલ્મોમાં ધનુષને હજુ એટલી સફળતા મળી નથી પરંતુ તે દક્ષિણમાં સુપરસ્ટાર છે. તેની નવી ફિલ્મ ‘જગમે થંધિરમ’ ને નેટફ્લિક્સ દ્વારા ખરીદી લેવામાં આવી છે.
એમ કહેવાય છે કે નેટફ્લિક્સ દ્વારા ઓટીટી પર રજૂ કરવા પહેલી વખત સૌથી વધુ રકમ આ ફિલ્મને આપવામાં આવી છે. ફિલ્મનું ટીઝર પસંદ કરવામાં આવ્યું છે. તેમાં ધનુષ એક ભારતીય ગેંગસ્ટર સુરલીના પાત્રમાં છે. તેને વિદેશી માફિયાઓ સાથે ટક્કર લેતો બતાવવામાં આવ્યો છે. અભિનેતા તરીકે ધનુષ એક અલગ સ્તર પર જ અભિનય કરતો દેખાશે. દક્ષિણના વિજય સેતુપતિને ચમકાવવા માટે બોલિવૂડવાળા ઘણા સમયથી આતુર હતા. આમિર ખાને પોતાની ‘લાલસિંહ ચઢ્ઢા’ માટે એને સાઇન કર્યો હતો. પરંતુ વાત અટકી ગઇ હતી. કોરોના મહામારી પછી રજૂ થયેલી વિજયની ‘માસ્ટર’ પહેલી મોટી હિટ સાબિત થયા પછી એને પહેલી વખત હિન્દી ફિલ્મમાં સાઇન કરનારાઓની લાઇન લાગી ગઇ હતી. એમાં નિર્દેશક શ્રીરામ રાઘવનની ‘મેરી ક્રિસમસ’ માટે વિજય તૈયાર થયો છે. કેટરિના કેફ આ ફિલ્મમાં તેની હીરોઇન તરીકે દેખાવાની છે. માત્ર દોઢ કલાકની આ ફિલ્મનું શુટિંગ એક જ શિડ્યુલમાં પૂરું કરવાનું આયોજન થઇ ગયું છે. વિજયનો બોલિવૂડમાં પ્રવેશ થવાનો હોવાથી હિન્દી ફિલ્મોના ઘણા હીરોની ઊંઘ હરામ થઇ ગઇ છે.
‘થલાઇવી’ ના અભિનય માટે કંગનાનો એવોર્ડ પાકો છે?
શું ‘થલાઇવી’ કંગનાને પાંચમો રાષ્ટ્રીય એવોર્ડ અપાવશે? ‘થલાઇવી’ નું ટ્રેલર જોયા પછી કંગનાના અભિનયના વખાણ જોતાં આવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. ભલે રાષ્ટ્રીય નહીં પણ બીજા એવોર્ડઝના સમારંભોમાં તે આ ભૂમિકા માટે નામાંકન મેળવશે એ બાબતે શંકા રાખવા જેવું નથી. તાજેતરમાં જ કંગનાને તેની ‘મણિકર્ણિકા’ અને ‘પંગા’ ના અભિનય માટે રાષ્ટ્રીય એવોર્ડ જાહેર થયો છે અને તેના શાનદાર અભિનયવાળી નિર્દેશક એ.એલ વિજયની ફિલ્મ ‘થલાઇવી’ ૨૩ મી એપ્રિલે આવી રહી છે તેથી આ ચર્ચા થઇ રહી છે. કંગના માટે ફિલ્મની જયલલિતાની ભૂમિકા ખરેખર પડકારજનક રહી છે.
ખાસ કરીને ૨૦ કિલો વજન વધારવાનું અને ફરી થોડા દિવસોમાં ઘટાડવાનું કોઇ પણ માટે મુશ્કેલ ગણાય એવું કામ હતું. ટ્રેલરમાં કંગનાને અનેક લુકમાં જોયા પછી કોઇને પણ તેની ભૂમિકા પાછળની મહેનતનો ખ્યાલ આવી જશે. તે આ ભૂમિકા માટે તમિલ ભાષા શીખી હતી. કંગનાએ જયલલિતાની ચાલઢાલ અને અંદાજને બરાબર અપનાવ્યો છે. ફિલ્મના પહેલા લુકને એક વર્ષ પહેલાં જાહેર કરવામાં આવ્યો ત્યારે કંગનાનો ચહેરો ‘ચાચી ૪૨૦’ ના સ્ત્રી રૂપના કમલ હસન જેવો લાગતો હોવાની ટીકા થઇ હતી અને એમ પણ કહેવામાં આવ્યું હતું કે જેનું પોસ્ટર લોકોને પસંદ આવ્યું નથી એ ફિલ્મને કોણ જોવા જશે? જો કે, ટીકા થઇ હતી એ દ્રશ્યોને ટ્રેલરમાં બતાવવામાં આવ્યાં નથી. ‘અમ્મા’ નો સૌથી જાણીતો ગેટઅપ પણ ટ્રેલરમાંથી ગાયબ છે. જે પણ દ્રશ્યો છે એમાં કંગના પોતાના અભિનય અને સંવાદ અદાયગીથી પ્રભાવિત કરી રહી છે. ‘અભી તો સિર્ફ પંખ ફૈલાયે હૈ, ઉડાન અભી બાકી હૈ’ જેવા સંવાદો સાથે કંગના છવાઇ ગઇ છે.
ફિલ્મને ત્રણ ભાષામાં રજૂ કરવામાં આવી રહી છે. પહેલી વખત એવું બન્યું છે કે હિન્દી અને બીજી ભાષાના ટ્રેલરમાં અલગ-અલગ દ્રશ્યોને મહત્ત્વ અપાયું છે. હિન્દીના ટ્રેલરમાં કંગનાને ફોક્સમાં રાખવામાં આવી છે જ્યારે તમિલ ટ્રેલરમાં કંગના સાથે એમજીઆરની ભૂમિકાને કેન્દ્રમાં રાખવામાં આવી છે. બીજી વાત એ પણ નોંધવામાં આવી છે કે ફર્સ્ટ લુક વખતે ટી સીરીઝ કંપની હતી. એ પછી કંગનાએ નેપોટીઝમ અને અન્ય મુદ્દે જંગ છેડી હતી. કદાચ એટલે ફિલ્મને ટી સીરીઝે છોડી દીધા પછી ઝી સ્ટુડિયો દ્વારા ટ્રેલરને લોન્ચ કરવામાં આવ્યું છે.