સુરત: સુરત (Surat) શહેરમાં કોવિડ-19(covid-19)ની મહામારીએ રોજગારીને તો હાનિ પહોંચાડી જ છે. હવે શહેરની બ્લડ બેંક(blood bank)માં લોહીની અછત ઊભી થઈ છે. કોવિડ-19ની લઇને બ્લડ કેમ્પ નહીં થતાં બ્લડ બેંકમાં જરૂર મુજબ બ્લડની આવક થઈ નથી. તેના કારણે લોકોને બહાર આવી બ્લડ કેમ્પ કરવા તથા સ્વૈચ્છિક બ્લડ કેમ્પ કરવા અપીલ કરવામાં આવી રહી છે.
સુરત રક્તદાન કેન્દ્રના પીઆરઓ નિતેષ મહેતાએ જણાવ્યું હતું કે, હાલમાં ચાલી રહેલા કોરોનાવાયરસની ગંભીર પરિસ્થિતિને લીધે શહેરમાં રક્તદાન શિબિરોનાં આયોજનો ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવામાં આવ્યા હતા. જેને લઇ રક્તનાં વિવિધ ગ્રુપોની અછત જોવા મળી છે. બ્લડ બેંકમાં ખાસ કરીને A+ અને AB+ ગ્રુપની અછત (shortage) ખૂબ જ છે. આવનારા દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર ન બને અને રક્તની જરૂરિયાતવાળા દર્દીઓને નિયમિત રક્ત મળી રહે એ હેતુથી શહેરમાં કોવિડ-19ના નિયમોનું પાલન કરી રક્તદાન શિબિર યોજવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને 18થી 65 વર્ષની તંદુરસ્ત વ્યક્તિને વેક્સિન મુકાવતા પહેલાં રક્તદાન કરી ૨ક્તની જરૂરિયાતવાળાં દર્દીઓના નવજીવન માટે આગળ આવી સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે.
સ્મીમેર, સિવિલ અને બ્લડ કેમ્પમાં પ્લાઝમાની અછત
કોવિડ-19ના કેસ વધુ ફેલાઇ રહ્યા છે. જેના કારણે દર્દીઓને પ્લાઝમાની પણ જરૂર ઊભી થઈ છે. સ્મીમેર અને સિવિલ સહિત બ્લડ બેંકોમાં પણ પ્લાઝમાનું દાન કરવા અપીલ કરવામાં આવી છે. જે લોકોને કોરાના થયો હોય અને તેમને સંપૂર્ણ તંદુરસ્તી સાથે 28 દિવસ પૂરા થયા હોય તો તેમને પ્લાઝમા ડોનેશન કરવા માટે અપીલ કરવામાં આવી છે.
છેલ્લાં બે વર્ષમાં થયેલા બ્લડ કેમ્પ
વર્ષ શિબિર એકત્ર રક્ત
2019 393 31308
2020 280 21400
2021 57 4762
(જાન્યુ-માર્ચ સુધી)