Surat Main

સુરતમાં ગરમીએ માર્ચ મહિનાનો ગયા વર્ષનો રેકોર્ડ તોડ્યો, પારો 40.6 ડિગ્રી

સુરતઃ (Surat) હોળાષ્ટકના દિવસો ગરમી માટે જાણીતા કહેવાય છે. જેની અસર સુરત શહેરમાં છેલ્લા બે દિવસમાં જોવા પણ મળી રહી છે. સુરત જેવા દરિયાકાંઠાના શહેરોમાં ગરમી (Heat) અને ભેજની જોડી વધુ કામ કરી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. શહેરમાં શનિવારે તાપમાન 40.6 ડિગ્રી (Temperature) પહોંચી ગયો હતો. જેને કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતાં. એક કે બે જ દિવસમાં અચાનક ગરમીનું પ્રમાણ વધી જતા લોકો માટે આ તાપમાનમાં એડજસ્ટ થવું ભારે થઈ પડ્યું હતું. શહેરમાં શનિવારે માર્ચ મહિનાની ગરમીએ ગયા વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો.

શહેરમાં આજે ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરતા શહેરીજનો ઉપર આકાશમાંથી ગરમીના ગોળા છૂટતા લોકો આકુળ વ્યાકુળ થઈ ઉઠ્યા હતા. ઉનાળા પહેલા માર્ચ મહિનાની ગરમીએ આજે ગયા વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો હતો. હવામાનશાસ્ત્રીઓના મતે આ વર્ષે ઉનાળો પાછલા ઘણા વર્ષોનો રેકોર્ડ બ્રેક કરે તેવી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં છેલ્લા ચારેક દિવસથી ગરમીએ કહેર વર્તાવ્યો છે. ગરમીનો પ્રકોપ વધતા આજે તાપમાનનો પારો 40.6 ડિગ્રી નોંધાયો હતો. વિતેલા 48 કલાકમાં તાપમાનમાં 2.2 ડિગ્રીનો વધારો નોંધાયો હતો.

શહેરમાં આજે લઘુત્તમ તાપમાન અડધો ડિગ્રી ઘટાડા સાથે 22.8 ડિગ્રી નોંધાયું હતું. હવામાં 17 ટકા ભેજની સાથે 7 કિલોમીટરની ઝડપે ઉત્તરનો પવન ફુંકાયો હતો. શહેરમાં આજે ગરમીએ માર્ચ મહિનાની ગયા વર્ષની ગરમીનો રેકોર્ડ તોડ્યો હતો. ગયા વર્ષે માર્ચ મહિનાનું સર્વાધિક તાપમાન 37.5 ડિગ્રી નોંધાયું હતું. હજી માર્ચ મહિનો પુર્ણ થવામાં ચાર દિવસનો સમય બાકી છે. ગરમીનો આકરો તેવર જોતા આગામી ચાર દિવસ ગરમી પાછલા દસ વર્ષનો રેકોર્ડ તોડે તો પણ નવાઈ નહીં. આજે બપોરે જાણે ગરમી અગનગોળા વરસાવતી હોય તેવી સ્થિતિ હતી. શહેરના રસ્તાઓ ઉપર લોકોએ કામ વગર નીકળવાનું પણ ટાળ્યું હતું.

સરેરાશ કરતા 5.2 ડિગ્રી વધારે તાપમાન
શહેરમાં આજે મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. શહેરમાં આજે મહત્તમ તાપમાન માર્ચ મહિનાના સરેરાશ તાપમાન કરતા 5.2 ડિગ્રી વધારે નોંધાયું હતું. માર્ચ મહિનાનું સરેરાશ તાપમાન 35.4 ડિગ્રી છે. શહેરમાં માર્ચ મહિનાનું રેકોર્ડ બ્રેક તાપમાન વર્ષ 1973 માં 44 ડિગ્રી નોંધાયું હતું. આ રેકોર્ડ આગામી ચાર દિવસમાં જો તુટે તો ચાલુ વર્ષે ગરમીનો અસહ્ય પ્રકોપ રહેશે.

છેલ્લા પાંચ વર્ષનું માર્ચ મહિનાનું તાપમાન
વર્ષ તાપમાન
2021 40.6
2020 37.6
2019 40.6
2018 41.8
2017 41.4
2016 41.0

હવામાન વિભાગ દ્વારા લોકોને સાવધ કરાયા છે કે, કામ સિવાય બપોરના સમયે બહાર નીકળવું નહીં. તેમજ ચક્કર આવવા કે હીટસ્ટ્રોકના લક્ષણો જણાય તો તુરંત 108 એમ્બ્યુલન્સ કે નજીકના તબીબનો સંપર્ક કરવા સૂચન કરાયું છે. હાલમાં શહેરમાં કોરોના વાયસરના સંક્રમણને રોકવા માટે રાત્રે કરફ્યુ લાદવામાં આવ્યો છે. જેને કારણે લોકો બહાર નીકળી શકતા નથી. જ્યારે સવારથી સાંજ સુધી અસહ્ય ગરમીને કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે. આવા સંજોગોમાં લોકોની હાલત બગડી ગઈ છે. શહેરમાં ગરમીનું પ્રમાણ વધતા બપોરના સમયે લોકોને બફારાનો પણ અનુભવ થઇ રહ્યો છે. ત્યાં 7 કિલોમીટરની ઝડપે ઉત્તરના ગરમ પવનોને લીધે ગરમ પવનોથી લૂ ની અસર વર્તાઈ રહી છે. શહેરમાં આગામી દિવસમાં હોળી પછી ગરમીનો પ્રકોપ વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top