Savli

સાવલી નગરપાલિકાની મુદત પૂર્ણ: મામલતદાર વહીવટદાર તરીકે નિયુક્ત

રાજ્યની 71 નગરપાલિકાઓમાં ચૂંટણી પહેલા વહીવટદારની નિમણૂંક
નવું બોર્ડ રચાય ત્યાં સુધી દૈનિક વહીવટ સંભાળશે

સાવલી: રાજ્યની કુલ 71 નગરપાલિકાઓની મુદત માર્ચ 2026 દરમિયાન પૂર્ણ થવાને કારણે સરકાર દ્વારા વહીવટદારની નિમણૂંક કરવામાં આવી છે. તેમાં સાવલી નગરપાલિકાની મુદત પૂર્ણ થતા સાવલીના મામલતદારને વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ચૂંટણી પૂર્ણ થયા બાદ નવી કારોબારી સમિતિ રચાય ત્યાં સુધી નગરપાલિકાનો વહીવટ સુચારુ રીતે ચાલે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે.
સરકાર દ્વારા આપવામાં આવેલા સૂચન મુજબ અગાઉની ચૂંટાયેલી પાંખની કારોબારી સમિતિ દ્વારા મંજૂર કરાયેલા કામોના વર્કઓર્ડર આપવાની પ્રક્રિયા તેમજ ગટર, પાણી, સફાઈ, લાઈટ અને અગ્નિશામક સાધનો તથા વાહનોની મરામત જેવા આવશ્યક સેવાઓ માટે નિયમ મુજબ ખર્ચ કરવાની જવાબદારી વહીવટદાર સંભાળશે.
ઉલ્લેખનીય છે કે નાયબ સચિવ, નગરપાલિકા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર વહીવટદાર પોતાના કાર્યકાળ દરમિયાન કોઈ પણ નીતિ વિષયક નવો નિર્ણય લઈ શકશે નહીં.

રિપોર્ટર: વિમલ પટેલ

Most Popular

To Top