Columns

નીતિશકુમાર મુખ્ય મંત્રીની ગાદી છોડશે એટલે હવે બિહારમાં ભાજપનું રાજ આવશે

વિધાનસભામાં બહુમતી ધરાવ્યા વિના પણ મુખ્ય મંત્રીની ખુરશી પર સૌથી લાંબા સમય સુધી ચીટકી રહેવાનો રેકોર્ડ નીતીશકુમારના નામે છે, પણ હવે તેનો અંત નજીકમાં છે. બિહારમાં ૫ માર્ચે એક મોટું રાજકીય પરિવર્તન જોવા મળ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી અને જનતા દળ યુનાઇટેડના નેતા નીતીશકુમારે રાજ્યસભા માટે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે અને સોશ્યલ મીડિયાની પોસ્ટમાં તેની જાહેરાત કરી છે. નીતીશકુમારે ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં પટનામાં પોતાનું નામાંકન દાખલ કર્યું છે. નીતીશકુમારના રાજ્યસભામાં પ્રવેશ પછી બિહારના આગામી મુખ્યમંત્રી ભાજપના હશે તેવું લગભગ ગોઠવાઈ ગયું છે. એમ કહેવું ખોટું નહીં હોય કે બિહારમાં નીતીશકુમારના યુગનો અંત આવી રહ્યો છે અને ભાજપ સરકાર પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવતું થઈ જશે. હવે બિહારમાં નીતીશકુમાર નહીં, પરંતુ ભાજપ શાસન કરશે.

ગયા વર્ષે નવેમ્બરમાં બિહાર વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ તે પછી નીતીશકુમારે સતત ૧૦મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. બિહારમાં NDAએ મહાગઠબંધનને હરાવી દીધું હતું. બિહાર વિધાનસભામાં કુલ ૨૪૩ બેઠકો છે. બિહારમાં ભાજપ ૮૯ વિધાનસભા બેઠકો ધરાવે છે, જ્યારે જેડીયુ ૮૫ બેઠકો સાથે બીજા સ્થાને છે. એનડીએના ઘટક એલજેપી (રામવિલાસ પાસવાન) પાસે ૧૯ બેઠકો છે. જીતનરામ માંઝીના હિન્દુસ્તાન અવામ મોરચા પાસે પાંચ બેઠકો છે. ઉપેન્દ્ર કુશવાહાના રાષ્ટ્રીય લોક મોરચા પાસે ચાર બેઠકો છે.

મહાગઠબંધનની પૈકી રાષ્ટ્રીય જનતા દળ પાસે ૨૫ બેઠકો છે, જ્યારે કોંગ્રેસ પાસે છ, સીપીઆઈ (એમએલ) પાસે બે, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) પાસે એક અને ભારતીય સમાવેશી પાર્ટી પાસે એક બેઠક છે. બીજી તરફ, અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પાસે ૫ અને માયાવતીની પાર્ટી BSP પાસે ૧ બેઠક છે. હાલ ભાજપ વિધાનસભામાં મોટા ભાઈની ભૂમિકા ભજવે છે. હવે ભાજપના કોઈ નેતા મુખ્યમંત્રી બનશે, ત્યારે ભાજપ સરકારમાં પણ મોટા ભાઈ તરીકે જોવામાં આવશે.

નીતીશકુમારના મુખ્ય મંત્રીની ગાદી છોડવાના નિર્ણય બાદ લોકોમાં બિહારના નવા મુખ્ય મંત્રી વિશે ઘણી અટકળો ચાલી રહી છે. સૂત્રોનો દાવો છે કે નવા મુખ્યમંત્રીપદ માટે પાંચ નામો સૌથી આગળ છે, જે તમામ ભાજપના નેતાઓ છે. તેમાં પહેલું નામ સમ્રાટ ચૌધરી, બીજું નામ નિત્યાનંદ રાય, ત્રીજું નામ દિલીપ જયસ્વાલ, ચોથું નામ વિજય સિંહા અને પાંચમું નામ દિઘાના ભાજપ ધારાસભ્ય સંજીવ ચૌરસિયાનું છે. મુખ્યમંત્રી પદની રેસમાં પહેલું નામ સમ્રાટ ચૌધરીનું છે. ૧૬ નવેમ્બર, ૧૯૬૮ના રોજ મુંગેરના લખનપુર ગામમાં જન્મેલા સમ્રાટ ચૌધરી બિહારના રાજકારણમાં એક અગ્રણી વ્યક્તિ બની ગયા છે.

તેમના પિતા શકુનિ ચૌધરી એક અનુભવી રાજકીય નેતા હતા, જે છ વખત ધારાસભ્ય અને એક વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા, જ્યારે તેમની માતા પાર્વતી દેવી તારાપુર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી હતી. સમ્રાટ ચૌધરીએ ૧૯૯૦માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. મે ૧૯૯૯માં તેઓ રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં રહીને રાબડી દેવીની સરકાર દરમિયાન બિહારના કૃષિ મંત્રી બન્યા હતા. ત્યાર બાદ તેઓ ૨૦૦૦ અને ૨૦૧૦માં પરબટ્ટા વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ૨૦૧૦માં તેમણે બિહાર વિધાનસભામાં વિપક્ષના મુખ્ય સૈનિક તરીકે પણ સેવા આપી હતી.

મૂળ આરજેડીમાં અને પાછળથી જેડીયુ સાથે જોડાયેલા સમ્રાટ ચૌધરીએ ૨૦૧૪ માં બિહારના રાજકારણમાં મોટી ઊથલપાથલ કરી હતી. તેમણે આરજેડીના ૧૩ ધારાસભ્યો સાથે બળવાખોર જૂથ બનાવ્યું હતું અને બાદમાં તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાયા હતા. આ પરિવર્તન બાદ ૨ જૂન, ૨૦૧૪ ના રોજ તેમણે જીતનરામ માંઝીની સરકારમાં શહેરી વિકાસ અને ગૃહનિર્માણ મંત્રી તરીકે શપથ લીધા હતા. માર્ચ ૨૦૨૩ માં ભાજપે તેમને સંજય જયસ્વાલના સ્થાને બિહાર રાજ્ય પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા.

ભાજપે ખાસ કરીને તેના OBC આધારને વિસ્તૃત કરવા માટે તેમની પસંદગી કરી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે તેમણે મુખ્યમંત્રી નીતીશકુમારની નીતિઓની આકરી ટીકા કરી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે પ્રતિજ્ઞા લીધી અને પાઘડી પહેરવાનું શરૂ કર્યું હતું. તેમણે નીતીશકુમારને મુખ્યમંત્રીપદ પરથી દૂર કર્યા પછી જ તે ઊતારવાની પ્રતિજ્ઞા લીધી. જો કે, જ્યારે નીતીશકુમાર ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનમાં ફરી જોડાયા ત્યારે તેમણે પાઘડી ઊતારી દીધી હતી. જાન્યુઆરી ૨૦૨૪ માં સત્તાપરિવર્તન પછી સમ્રાટ ચૌધરીને ભાજપ વિધાનસભા પક્ષના નેતા અને બિહારના નાયબ મુખ્ય મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૨૦૨૫ ની ચૂંટણીઓ પછી NDA એ ફરીથી સરકાર બનાવી અને તેઓ નાયબ મુખ્ય મંત્રી બન્યા હતા. હવે તેઓ મુખ્ય મંત્રીની રેસમાં સૌથી આગળ છે.

મુખ્ય મંત્રીપદની રેસમાં બીજું નામ નિત્યાનંદ રાયનું છે. નિત્યાનંદ રાયે છેલ્લી લોકસભા ચૂંટણીમાં પોતાની બેઠક જાળવી રાખી હતી. તેમણે આરજેડી ઉમેદવાર આલોકકુમાર મહેતાને ૬૦,૧૦૨ મતોના માર્જિનથી હરાવીને પ્રભાવશાળી જીત નોંધાવી હતી. ૧૯૬૬માં જન્મેલા નિત્યાનંદ રાયે બિહારના હાજીપુર સ્થિત રાજનારાયણ કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યું, જ્યાંથી તેમણે સ્નાતકની ડિગ્રી મેળવી હતી. નિત્યાનંદ રાયને બિહારના રાજકારણમાં ભાજપનો મુખ્ય યાદવ ચહેરો માનવામાં આવે છે. ભાજપે તેમને આરજેડીના મજબૂત વિકલ્પ તરીકે રજૂ કર્યા છે જેથી તેમની પરંપરાગત યાદવ વોટ બેંકને નુકસાન પહોંચાડી શકાય અને ઓબીસી મતદારોને ભાજપ તરફ આકર્ષિત કરી શકાય. તેમણે બિહારમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પણ સેવા આપી છે, જ્યાં તેમણે પક્ષના પાયાને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

મુખ્ય મંત્રીપદની રેસમાં ત્રીજું નામ દિલીપ જયસ્વાલનું છે. ડૉ. દિલીપકુમાર જયસ્વાલનો જન્મ ૩ ડિસેમ્બર, ૧૯૬૩ના રોજ બિહારના ખગરિયા જિલ્લાના ગોગરીમાં થયો હતો. તેઓ બે બાળકોના પિતા છે. તેઓ હિન્દુ છે અને અત્યંત પછાત ગણાતી કલવાર જાતિના છે. દિલીપ જયસ્વાલે ૨૨ વર્ષથી વધુ સમય સુધી બિહાર ભાજપના ખજાનચી તરીકે સેવા આપી હતી. તેમણે નીતીશકુમાર સરકારમાં મંત્રીપદ પણ સંભાળ્યું હતું. ૬૩ વર્ષના જયસ્વાલ પાસે પીએચ.ડી.ની ડિગ્રી છે. તેઓ પહેલી વાર ૨૦૦૯માં પૂર્ણિયા, અરરિયા અને કિશનગંજના સ્થાનિક સત્તાવાળાઓમાંથી વિધાન પરિષદમાં ચૂંટાયા હતા. તેઓ હાલમાં બિહાર ભાજપના પ્રમુખ છે.

મુખ્ય મંત્રીપદની રેસમાં ચોથું નામ વિજય સિંહાનું છે. ભાજપના નેતા વિજય કુમાર સિંહા આજે બિહારના રાજકારણમાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંના એક છે. ૨૦૧૭ માં તેમને બિહાર સરકારમાં શ્રમ સંસાધન મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૨૦૨૦ માં તેઓ બિહાર વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. જાન્યુઆરી ૨૦૨૪ માં ભાજપ દ્વારા વિજયકુમાર સિંહાને બિહારના નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ત્યારે રાજ્યના રાજકારણમાં એક નવો વળાંક આવ્યો હતો.

૨૦૨૫ ની વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ વિજય સિંહાને ફરી એક વાર બિહારના નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મુખ્ય મંત્રીપદની રેસમાં પાંચમું નામ સંજીવ ચૌરસિયાનું છે. સંજીવ ચૌરસિયાએ પટનાના દિઘા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર તરીકે ૨૦૨૫ની બિહાર વિધાનસભા ચૂંટણી લડી અને જીત મેળવી હતી. સંજીવ ચૌરસિયા પાસે ડોક્ટરેટની પદવી છે. નીતીશકુમારના રાજ્યસભામાં જવાની તૈયારી વચ્ચે હવે તેમના પુત્ર નિશાંતકુમાર જેડીયુમાં જોડાઈ ગયા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top