ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલની બે દિવસીય મુલાકાતના પહેલા દિવસે ઇઝરાયલની સંસદ નેસેટને સંબોધિત કરી. બુધવારે જેરુસલેમ પહોંચેલા નરેન્દ્ર મોદી નેસેટને સંબોધિત કરનારા પહેલા ભારતીય વડા પ્રધાન છે. ૨૦૧૭ માં પ્રધાનમંત્રી મોદીની ઇઝરાયલ મુલાકાત પછી બંને દેશો વચ્ચેની નિકટતા ઝડપથી વધી છે. પહેલાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ ભારતની મુલાકાતે આવવાના હતા, પણ અચાનક તે કાર્યક્રમમાં ફેરફાર થયો અને મોદી ઇઝરાયલ પહોંચી ગયા હતા. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે નરેન્દ્ર મોદીની હાલની ઇઝરાયલ મુલાકાતને તદ્દન અલગ માનવામાં આવી રહી છે.
આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે જે ઉષ્માભર્યો સંબંધ જોવા મળ્યો છે તે બહુ ઓછા રાજકારણીઓ વચ્ચે જોવા મળ્યો છે. વિશ્લેષકો માને છે કે જ્યારે બે દેશોના રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે આવા વ્યક્તિગત સંબંધો અસ્તિત્વમાં હોય છે, ત્યારે તે સંબંધિત દેશો વચ્ચેના સંબંધોમાં એક નવો અર્થ સૂચવે છે. ઇઝરાયલ સાથેના પોતાના ખાસ સંબંધોનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેમનો જન્મ ૧૭ સપ્ટેમ્બર, ૧૯૫૦ ના રોજ થયો હતો. આ દિવસે ભારતે ઇઝરાયલને માન્યતા આપી હતી. પ્રશ્ન એ છે કે ભારત અને ઇઝરાયલના વડા પ્રધાનો વચ્ચેની આ ઉષ્માનો અર્થ શું છે?
વિશ્લેષકો માને છે કે જ્યારે નેતન્યાહૂ તેમના દેશની સંસદને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તેઓ એવું બતાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે તેમના દેશનો ભારત સાથેનો સંબંધ ફક્ત વ્યાવહારિક નથી. એવા સમયે જ્યારે વૈશ્વિક ભૂરાજનીતિમાં ભારે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે, ત્યારે નેતન્યાહૂ એ સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ભારત સાથે ઇઝરાયલનો સંબંધ વ્યક્તિગત અને ભાવનાત્મક છે. ઇઝરાયલમાં ઓક્ટોબરમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે નેતન્યાહૂ એ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેમના નેતૃત્વ હેઠળ ઇઝરાયલ અલગ નહીં રહે પણ ભારત જેવા મુખ્ય દેશો તેની સાથે ઊભા છે.
ઇઝરાયલના કિસ્સામાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય વિદેશ નીતિની જૂની પરંપરાઓને તોડનારા સાબિત થયા છે. ભારતની વિદેશ નીતિમાં કોઈ પણ વ્યક્તિ ઇઝરાયલ પર આટલી ખુલીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેટલી સામે આવ્યું નથી. ૧૭ સપ્ટેમ્બર, ૧૯૫૦ ના રોજ ભારતે ઇઝરાયલને એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે માન્યતા આપી હતી. ત્યારથી ભારતના કોઈ પણ વડા પ્રધાને ઇઝરાયલની મુલાકાત લીધી નહોતી. જુલાઈ ૨૦૧૭ માં, લગભગ ૭૬ વર્ષ પછી, નરેન્દ્ર મોદી ઇઝરાયલની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડા પ્રધાન બન્યા હતા.
આનો અર્થ એ થયો કે મોદીએ ઇઝરાયલની મુલાકાત ન લેવાની પરંપરા તોડી. ૨૦૧૭ માં જ્યારે મોદીએ ઇઝરાયલની મુલાકાત લીધી ત્યારે તેમણે રાજદ્વારી પરંપરા તોડી અને જેરુસલેમ કમ્પાઉન્ડથી માંડ ૩૦ કિલોમીટર દૂર રામલ્લાહમાં પેલેસ્ટિનિયન ઓથોરિટીની અવગણના કરી હતી. મોદીની મુલાકાતમાં પેલેસ્ટાઇનને કોઈ ટેકો જોવા મળ્યો ન હતો, કે ઇઝરાયલની સાથે સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાજ્યનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. અગાઉ, ઇઝરાયલની મુલાકાત લેનારા કોઈ પણ મહત્ત્વપૂર્ણ ભારતીય નેતા રામલ્લાહની પણ મુલાકાત લેતા હતા.
૨૦૧૭માં જ્યારે પીએમ મોદી ઇઝરાયલની મુલાકાતે ગયા હતા, ત્યારે અમેરિકન મીડિયા આઉટલેટ બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો હતો કે ભારતે પરંપરાગત રીતે ઇઝરાયલ સાથેના તેના સંબંધોને ઓછું મહત્ત્વ આપ્યું છે. એવી ચિંતા હતી કે આનાથી દેશનાં ૧૭ કરોડ મુસ્લિમો નારાજ થઈ શકે છે. પરંતુ મોદી એક હિન્દુ રાષ્ટ્રવાદી નેતા છે, જેમની પાર્ટીએ પ્રચંડ વિજય મેળવ્યો છે. દેશમાં વિપક્ષ ખૂબ જ નબળો છે. તેથી, તેમને સ્થાનિક રાજકીય અસરોની બહુ ઓછી ચિંતા છે.
નરેન્દ્ર મોદી આઠ વર્ષ પછી વડા પ્રધાન તરીકે ઇઝરાયલની બીજી મુલાકાતે છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ઇઝરાયલ જેને પોતાનો દુશ્મન માને છે તે ઇરાન પર અમેરિકાના હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ભારતને ઈરાનમાં વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ચાબહાર બંદરમાંથી બાકાત રાખવામાં આવ્યું હોય તેવું લાગે છે. વધુમાં, યુએઈ અને સાઉદી અરેબિયા વચ્ચે તણાવ વધી રહ્યો છે.
સાઉદી અરેબિયા અને પાકિસ્તાને એક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે હેઠળ એક પર હુમલો બંને પર હુમલો માનવામાં આવે છે. આ સંદર્ભમાં, મોદીની ઇઝરાયલ મુલાકાત નોંધપાત્ર મહત્ત્વ ધરાવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટીશ સામ્રાજ્યના પતન દરમિયાન ભારત અને ઇઝરાયલ આધુનિક રાષ્ટ્ર તરીકે જન્મ્યાં હતાં. ભારતે શરૂઆતમાં ઇઝરાયલની રચના વિરુદ્ધ મતદાન કર્યું હતું. જો કે ભારતે ૧૯૫૦ માં ઇઝરાયલને માન્યતા આપી હતી, પરંતુ ૧૯૯૨ માં પી.વી. નરસિંહરાવે ઇઝરાયલના રાજદ્વારી બહિષ્કારનો અંત લાવ્યો હતો.
ઇઝરાયલમાં રહેલા વરિષ્ઠ પત્રકાર હરેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે ઇઝરાયલમાં વિપક્ષી પાર્ટીના નેતાઓ અને બેન્જામિનતરફી મતદારો પણ ભારતને એક સારા મિત્ર તરીકે જુએ છે. નેતન્યાહૂના મતદારો માને છે કે ઇઝરાયલી વડા પ્રધાન પાસે વિશ્વના સૌથી શક્તિશાળી દેશો, જેમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ સમાવેશ થાય છે, સામે ટકી રહેવાની ક્ષમતા છે. નેતન્યાહુ એ પણ બતાવવા માંગે છે કે ભારત જેવો દેશ, વિશ્વમાં એક મોટી અને ઝડપથી ઉભરતી શક્તિ તરીકે, તેમની સાથે ઊભો છે. વિશ્લેષકો એમ પણ કહી રહ્યા છે કે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત નેતન્યાહૂને મજબૂત બનાવવા માટે પણ યોજવામાં આવી છે.
તાજેતરના ભૂતકાળમાં, ભારતે યુરોપિયન યુનિયન સહિત ઘણા દેશો સાથે મુક્ત વેપાર કરારો (FTA) પર હસ્તાક્ષર કર્યા છે. ભારત ઇઝરાયલ સાથેના તેના આર્થિક સંબંધોને FTA તરફ લઈ જવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે. ભારત એ પણ બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે ઇઝરાયલ સાથેના તેના સંબંધો ફક્ત સંરક્ષણ કરારો સુધી મર્યાદિત નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધોના કદ અને અવકાશની કોઈ મર્યાદા નથી, તો તેનો અર્થ એ થયો કે ભારત બંને દેશો વચ્ચેના વેપારને, જે આશરે ચાર અબજ ડોલર છે, આગળ લઈ જવા માંગે છે. મોદીએ ભારતમાં કૃષિ સંશોધન માટે ઇઝરાયલના સમર્થનને યાદ કર્યું અને પર ડ્રોપ મોર ક્રોપ જેવી ઇઝરાયલી તકનીકોને ભારતીય કૃષિ માટે મદદરૂપ ગણાવી હતી. આ તકનીક ૨૦૧૫ માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનો ભાગ હતી. આનો ઉલ્લેખ કરીને, મોદી એ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ભારત ઇઝરાયલ સાથે તેના ટેકનોલોજી જોડાણને વધુ વધારવા માંગે છે.
નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ ૭ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ હમાસના હુમલાની સ્પષ્ટ નિંદા કરે છે, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ગાઝા શાંતિ પહેલને પણ સમર્થન આપે છે. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતને લાંબા સમયથી આતંકવાદનો સામનો કરી રહેલા દેશ તરીકે વર્ણવી રહ્યા હતા, ત્યારે તેમના મનમાં એ પણ હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતની સાથે સૌથી વધુ ખુલ્લેઆમ ઊભો રહેલો દેશ ઇઝરાયલ હતો.
ભારતે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તે માનવતાવાદી ધોરણે પેલેસ્ટાઇન મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરવા માંગે છે, પરંતુ આ માટે તે ઇઝરાયલ સાથેના તેના સંબંધોને મર્યાદિત કરવા માંગશે નહીં. મોદીની આ ઇઝરાયલ મુલાકાત પછી જો અમેરિકા ઇરાન પર હુમલો કરશે અને ઇઝરાયલ તેમાં સામેલ થશે તો ભારત ઇરાન પરના હુમલાની નિંદા કરવાની સ્થિતિમાં નહીં હોય. ભારત રશિયાના જૂથમાંથી બહાર નીકળીને અમેરિકાના જૂથમાં જોડાઈ ગયું છે, તેનો આ સ્પષ્ટ ઇશારો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.