આપણા દેશમાં તમામ મેટ્રો અને મીની મેટ્રો શહેરોમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વકરતી જાય છે. સુરતની પ્રજા પણ ટ્રાફિકની સમસ્યાથી પરેશાન થઈ રહી છે. સુરતને ફ્લાયઓવર સીટીનું બિરુદ મળ્યું હોવા છતાં પણ ટ્રાફિક સમસ્યા એમની એમ છે. અનેક ફ્લાય ઓવર કાર્યરત થઈ ગયા હોવા છતાં પણ સુરતની પ્રજાને ટ્રાફિક સમસ્યા અકળાવે છે. ટુ વ્હીલર , થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનો ની સંખ્યા સુરતમાં એટલી બધી વધી ગઈ છે કે ટ્રાફિક સમસ્યાનું કાયમી નિવારણ આવે એવું લાગતું નથી. આજે લગભગ દરેક ફેમિલીમાં એક કરતાં વધારે વાહનો અને કેટલીક વખત તો વ્યક્તિ દીઠ વાહનો જોવા મળે છે.
ક્યારેક એવું પણ લાગે છે કે યુવા વર્ગ કામ વિના પણ વાહનો લઈને આમથી તેમ મોજ મસ્તી માટે ફર્યા કરે છે. ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનાર સામે ભારે દંડ અને સજાની જોગવાઈ કરવામાં આવે તો કદાચ ટ્રાફિકની સમસ્યા થોડા ઘણા અંશે હલ થઈ શકે. ટ્રાફિકના નિયમો તોડનાર સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. બેંકો દ્વારા પણ ઓછા વ્યાજના દરે વ્હીકલ ખરીદવાની લોન આપવામાં આવે છે તેને પરિણામે પણ વાહનોની સંખ્યા વધતી જ જાય છે. જો સુરતની પ્રજા દ્વારા મોટા પાયે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવામાં આવે તો પણ ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકે છે.
ટ્રાફિક સમસ્યાને પરિણામે હવાનું પ્રદૂષણ અને પ્રજાના સમયનો પણ ખૂબ જ બગાડ થાય છે. સુરત શહેરમાં અવરનવર જે જીવલેણ અકસ્માતો બને છે તેનું એક કારણ ટ્રાફિક સમસ્યા પણ છે. ભારતના દરેક મેટ્રો શહેરોમાં ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવીને ટ્રાફિક જામ પર અંકુશ આવે ખૂબ જ જરૂરી છે. રસ્તા પર વાહનોની સંખ્યા ઘટાડવા માટે જરૂરી પગલાં લઈને જ ટ્રાફિક સમસ્યા હળવી થઈ શકે છે. ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે લાંબાગાળાના અનેકવિધ પગલાંઓ લેવા જરૂરી છે. સુરતની પ્રજાને વધુ સારી જીવનશૈલી પ્રદાન કરવી હોય તો ટ્રાફિક સમસ્યાને હલ કરવી અતિ આવશ્યક છે. ટ્રાફિકની ગંભીર સમસ્યાને પરિણામે સુરતની પ્રજાએ બને ત્યાં સુધી વાહન લઈને બહાર નીકળવાનું પણ ટાળવું પડે છે એવી પરિસ્થિતિનું ધીરે ધીરે સર્જન થઈ રહ્યું છે.
નવસારી – ડૉ.જે. એમ. નાયક- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.