Dakshin Gujarat

ઉમરગામના બિલ્ડર જીતુ પટેલના લમણે રિવોલ્વર મૂકી તેમની કારમાં જ અપહરણ

ઉમરગામના બિલ્ડર જીતુ પટેલનું તેમની કારમાં જ અપહરણ થયું છે. રાત્રે ઉમરગામ ટાઉન સુંદરવન પાસે તેમની કારને રોડ પર આંતરી સફેદ કલરની લક્ઝરિયસ ફોર્ચુનર અને હોન્ડા સીટી કારમાં આવેલા ચાર અજાણ્યા શખ્સો, બે ડ્રાઇવર મળી છ જણા રિવોલ્વરની અણીએ અપહરણ કરી નાસી જતા ચકચાર મચી જવા પામી હતી. વલસાડ ઉમરગામ પોલીસે અનેક ઠેકાણે નાકાબંધી કરી હતી. પરંતુ સોમવારે રાતથી મંગળવાર સાંજ સુધી અપહરણકર્તાઓનો કોઈ પત્તો પોલીસ મળ્યો નથી. જેથી જીતુ પટેલના પરિવારજનો અને મિત્રો ચિંતામાં મુકાયા છે.

ઉમરગામ ટાઉન સુંદરવનની બાજુમાં દયાળ પાર્ક બંગલોમાં રહેતા અને વ્યવસાયે બિલ્ડર જીતુભાઈ મણિલાલભાઈ પટેલ (ઉં.૪૬) સોમવારે રાત્રે મિત્રો સાથે બેઠા હતા ત્યારબાદ પોતાની બ્લેક કલરની ફોરચુન કાર નંબર જી જે ૧૫ સીજી ૯૧૧૭ લઈને પોતાના ઘરે આવી રહ્યા હતા ત્યારે રાત્રીના ૯.૪૦ના સુમારે તેમના ઘર નજીક સફેદ કલરની ફોર્ચ્યુનર અને હોન્ડા સીટી કારમાં આવેલા ચાર શખ્સોએ જીતુ પટેલની કારને આંતરી અટકાવી હતી. એ વખતે જીતુ પટેલે પોતાની કારનો કાચ થોડો નીચે ઉતાર્યો હતો. જોકે અપહરણકર્તાઓએ કારમાં હાથ નાખી દરવાજો ખોલી જીતુ પટેલ કંઇ સમજે તે પહેલાં જ માથામાં પંચ મારી રિવોલ્વરની અણીએ તેમની કારમાં બેસી અપહરણ કરી નાસી ગયા હતા.

શરૂઆતમાં તો અકસ્માત થયો હોય એવું લોકોને લાગ્યું પણ ગણતરીના મિનિટમાં તમામ કાર નીકળી ગઇ
આ વિસ્તાર પબ્લિકની અવરજવર વાળો હોવાથી કેટલાકે ઘટના નજરે જોઇ હતી. શરૂઆતમાં તો અકસ્માત થયો હોય એવું લોકોને લાગ્યું હતું પરંતુ ગણતરીના મિનિટમાં તમામ કાર નીકળી જતા કઈક અજુગતું થયાનું જણાતા લોકોએ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતાં જ જીતુભાઈનો મિત્ર વર્ગ પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો. તથા ઉમરગામથી લઈને સંજાણ સુધી સીસીટીવી ફૂટેજ મેળવવાની કામગીરી પોલીસને સાથે રહી કરી હતી.

જેમાં ઉમરગામ સંજાણ ચાર રસ્તા પાસે નવા બની રહેલા પુલ પાસેથી રાત્ર ૯.૫૦ કલાકે જીતુભાઈની બ્લેક કલરની ફોર્ચ્યુનર કાર તથા વાઈટ કલરની ફોર્ચ્યુનર તથા હોન્ડા સિટી કાર એક સાથે પસાર થતી જોવા મળી હતી. વલસાડ- ઉમરગામ પોલીસે પણ નાકાબંધી કરતા જીતુ પટેલની બ્લેક કલરની ફોર્ચ્યુનર કાર ભીલાડ પોલીસ સ્ટેશનની હદમાં ડેહલી મુખ્ય માર્ગ ઉપર બિનવારસી હાલતમાં મળી આવી હતી. જેમાંથી મોબાઈલ અને રોકડ રકમ પણ મળી હતી. આ કાર અપહરણકર્તાઓ અહીં મૂકી નાસી જવામાં સફળ રહ્યા હતા.

અપહરણકર્તાઓએ રેકી કરી હતી
સાંજે ઘટના બની તે દરમિયાન રાત સુધી ઉમરગામમાં સફેદ કલરની ફોર્ચ્યુનર તથા હોન્ડા સિટી કાર લોકોએ ફરતી જોઈ હતી. કેટલીક જગ્યાએ લાગેલા સીસીટીવી કેમેરામાં ફૂટેજ જોવા મળ્યા હતા. વધુમાં દયાળ પાર્ક બંગલાની સામે જ મુખ્ય માર્ગ ઉપર ભિખારીના વેશમાં એક શખ્સની શંકાસ્પદ હિલચાલ પણ જોવા મળી હોવાનું જાણવા મળ્યું હોવાનું કહેવાય છે. અપહરણની ઘટના બાદ આ શખ્સ પણ ગાયબ થઈ ગયો હતો અને તે પણ ગાડીમાં બેસીને નાસી ગયો હોવાનું મનાઈ રહ્યું છે.

બિલ્ડર્સ જીતુભાઈ પટેલ લાયસન્સવાળી રિવોલ્વર પણ રાખે છે
જીતુભાઈ પટેલ લાયસન્સવાળી રિવોલ્વર પણ રાખે છે. જોકે ગઈ કાલે તેમની પાસે પોતાની રિવોલ્વર સાથે ન હતી. ઉમરગામમાં બિલ્ડર્સ જીતુભાઈની અપહરણની બનેલી ઘટનાને લઇને વલસાડ જિલ્લા પોલીસ દોડતી થઇ ગઇ હતી. જિલ્લા પોલીસ વડા નાયબ પોલીસ અધિક્ષક, ઉમરગામના પી.આઇ, પીએસઆઇ, પોલીસ સ્ટાફ તથા એસ.ઓ.જી એલ.સી.બી કામે લાગી હતી. જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી બિલ્ડર જીતુ પટેલનો કે અપહરણકર્તાઓનો તથા ઘટનામાં વપરાયેલી વ્હાઈટ કલરની ફોર્ચ્યુનર તથા હોન્ડા સિટી કારના સગડ પોલીસ મેળવી શકી નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top