સુરત: (Surat) શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા માટે મનપા પ્રશાસન દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરાયા છે. જેના ભાગરૂપે કાપડ માર્કેટમાં (Textile Market) પણ શનિવાર અને રવિવારે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના લીધે તમામ કાપડ માર્કેટો બંધ રહી હતી અને સોમવારે ખૂલી હતી. બે દિવસ સુધી પાર્સલો નહીં ડિસ્પેચ (Dispatch) થતાં સોમવારે આશરે 250 કરોડનાં પાર્સલો (Parcel) ટ્રાન્સપોર્ટમાં મોકલાયાં હતાં.
શહેરમાં ચૂંટણી પછી કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ શહેરમાં પ્રતિદિન 400ની આસપાસ કોરાનાના કેસો આવી રહ્યા છે. હાલની પરિસ્થિતિ જોતાં તંત્ર દ્વારા તકેદારીનાં તમામ પગલાં લેવાઇ રહ્યાં છે. પાલિકા કમિશનરે બંછાનિધિ પાનીએ ગત શુક્રવારે વેપારીઓને શનિવાર અને રવિવારે માર્કેટો બંધ રાખવા માટેની અપીલ કરી હતી. જેના પગલે વેપારીઓએ શનિવારે અને રવિવારે દુકાનો બંધ રાખી હતી. આ સ્થિતિમાં પાર્સલોની ડિસ્પેચિંગ અટકી પડી હતી. હાલ રાત્રિ કરફ્યૂને લીધે રાતના 9 વાગ્યા પછી પણ પાર્સલો ટ્રાન્સપોર્ટ મોકલી શકાતાં નથી. જેના લીધે 300 કરોડનાં પાર્સલો ડિસ્પેચ થયા વગર પડી રહ્યાં હતાં.
હાલ રમજાન અને લગ્નસરાંની ખરીદીની મોસમ હોવાથી અન્ય રાજ્યોમાં વેપારીઓ ઉતાવળે માલની ડિમાન્ડ કરી રહ્યા છે. સોમવારે માર્કેટો શરૂ થતા જ વેપારીઓએ પાર્સલો મોકલવાનું કામ કર્યું હતું અને આશરે 300 કરોડ રૂપિયાનાં પાર્સલો ટ્રાન્સપોર્ટમાં મોકલ્યાં હતાં. સુરતમાં કોરોનાના સંક્રમણમાં વધારો થતાં અન્ય રાજ્યોના વેપારીઓ હવે સુરત આવવાનું ટાળી રહ્યા છે. જેના લીધે કાપડ માર્કેટમાં તહેવારો અને લગ્નસરાંના વેપારમાં 50 ટકા ઘટાડો થવાની આશંકા છે. ફોસ્ટાના પ્રવક્તા રંગનાશ શારડાએ જણાવ્યું હતું કે, બે દિવસ સુધી દુકાનો બંધ રહેતાં પાર્સલો અટવાઇ ગયાં હતાં. સોમવારે આશરે 300 કરોડનાં પાર્સલો ટ્રાન્સપોર્ટમાં મોકલાયાં હતાં.
આજે ગ્રેની ડિલિવરી પણ થતાં વેપારીઓ નારાજ
વિવર્સ અને વેપારીઓ વચ્ચે ગ્રે પર ટ્રાન્સપોર્ટેશન ચાર્જ અને ધારાધોરણના પગલે ચાલી રહેલા ગજગ્રાહના પગલે 17મી માર્ચથી ગ્રેની ડિલિવરી નહીં લેવાનું ફોસ્ટા દ્વારા નક્કી કરાયું હતું, તેમ છતાં સોમવારે માર્કેટમાં ગ્રે કાપડ લઈ આવતા ટેમ્પો નજરે પડતાં વેપારીઓ નારાજ થયા હતા અને ફોસ્ટાની નેતાગીરી સામે જ પ્રશ્નો ઊભા કરી દેવાયા હતા. આ અંગે ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલે કહ્યું કે, જૂના બુકિંગના ગ્રેની ડિલિવરી હોવાનું જાણવા મળ્યું છે. નવા ઓર્ડર વેપારી આપી રહ્યા નથી. આ સાથે જ અગ્રવાલે કહ્યું કે, એક મંચ પર આવી સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી છે. નહીં તો તહેવારો અને લગ્નસરાંની ખરીદી પર અસર થઇ શકે છે.
કાપડ માર્કેટમાં કોરોના ગાઇડલાઇનનો અમલ કરવાની સૂચના
કાપડ માર્કેટોમાં શનિ-રવિવારના બંધ બાદ સોમવારે કમિશનર બંછાનિધિ પાનીએ માર્કેટ વિસ્તારની મુલાકાત લીધી હતી અને વેપારીઓ તેમજ કાપડ માર્કેટમાં કામ કરવા આવતા શ્રમિકોને કોરોના ગાઇડલાઇનનો અમલ કરવાની સૂચના આપી હતી. સોમવારે સવારે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, મેયર હેમાલીબેન બોઘાવાલા સહિતના અધિકારીઓ વિવિધ ટેક્સટાઈલ માર્કેટોની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે માર્કેટમાં કાર્યરત શ્રમિકો-વેપારીઓ અને મુલાકાતીઓને કોવિડ-19ની ગાઈડ લાઈનનું ફરજિયાત પાલન કરવા માટે દિશા-નિર્દેશ આપ્યા હતા.
શનિવાર અને રવિવારની રજા બાદ સોમવારે સવારથી જ શહેરની અલગ-અલગ ટેક્સટાઈલ માર્કેટોમાં 17 જેટલી ટીમો દ્વારા સઘન ચેકિંગ અભિયાન હાથ ધરાયું છે. ડોક્ટર-નર્સ સહિત ચાર કર્મચારીની એક ટીમ એવી આ 17 ટીમ દ્વારા માર્કેટો સઘન ચેકિંગની સાથે-સાથે શ્રમિકો અને વેપારીઓનો ફરજિયાત કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. મનપા દ્વારા સૌથી વધુ ધ્યાન ટેક્સટાઈલ અને ડાયમંડ માર્કેટોમાં આપવામાં આવી રહ્યું છે. ભીડ અને ગાઈડ લાઈનના ધરાર ઉલ્લંઘનને કારણે કાપડ માર્કેટમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જેના પગલે આજથી મનપા દ્વારા માત્ર કાપડ બજારમાં જ રોજના 2500થી વધુ કોરોના ટેસ્ટિંગનો ટાર્ગેટ મૂકવામાં આવ્યો છે.