સુરતના પોશ ગણાતા City Light વિસ્તારમાં આજે બપોરે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. અણુવ્રત દ્વાર નજીક આવેલી નવી બનેલી Rungta Austria બિલ્ડિંગના પાછળના ભાગમાં જમા થયેલા કચરાના ઢગલામાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. થોડા જ મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી નજરે પડ્યા હતા.ફાયર વિભાગ માંથી મળતી માહિતી અનુસાર, બિલ્ડિંગના પાછળના ખુલ્લા પરિસરમાં મોટી માત્રામાં કચરો અને બિનઉપયોગી સામાન એકત્રિત હતો. અચાનક તેમાં ધુમાડો નીકળવા લાગ્યો અને જોતજોતામાં જ્વાળાઓ ઉંચી ઉઠી. બિલ્ડિંગમાં કામ કરતા કામદારો આગ જોઈને ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાની થયાની માહિતી મળી નથી.
ઘટનાની જાણ થતાં જ Surat Fire Brigadeની 6થી વધુ ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ચારે તરફથી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ એટલી પ્રચંડ હતી કે આજુબાજુના વિસ્તારમાં ધુમાડાનો ઘેરો છવાઈ ગયો હતો અને રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.હાલ ફાયર વિભાગ દ્વારા આગના કારણોની તપાસ હાથ ધરાઈ છે. શહેરમાં વધતી આગની ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
