અજિત પવારના પત્ની સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનશે. તેમને શનિવારે બપોરે 2 વાગ્યે NCP વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેઓ સાંજે 5 વાગ્યે રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
અજિત પવારના નિધન બાદ તેમના પત્ની સુનેત્રા પવાર આજે (શનિવાર) મુંબઈમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સુનેત્રા પવાર બારામતીથી મુંબઈ આવી પહોંચ્યા છે. તેઓ આજે સાંજે 5 વાગ્યે પદ અને ગુપ્તતાના શપથ લેશે. શનિવારે બપોરે NCP વિધાનસભા પક્ષની બેઠકમાં સુનેત્રા પવારને NCP વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આજે સાંજે મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સુનેત્રા પવારને પદના શપથ લેવડાવશે. તેમના પતિ અજિત પવાર જે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી હતા તેમનું 28 જાન્યુઆરીએ બારામતીમાં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું.
સુનેત્રાને પક્ષના નેતા તરીકે પસંદ કરવા માટે NCP વિધાનસભા પક્ષ અને વિધાનસભા પરિષદના સભ્યોની બેઠક વિધાનસભા ભવનમાં બોલાવવામાં આવ્યા હતા. દિલીપ વલસે પાટીલે ત્યાં તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પહેલા સુનેત્રાએ રાજ્યસભા પદ પરથી રાજીનામું આપ્યું. 28 જાન્યુઆરીએ બારામતીમાં વિમાન દુર્ઘટનામાં અજિત પવારના મૃત્યુ પછી નાયબ મુખ્યમંત્રી પદ ખાલી પડ્યું છે.
સુનેત્રા પવારે રાજ્યસભા સાંસદ તરીકે રાજીનામું આપ્યું
નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પહેલા સુનેત્રા પવારે રાજ્યસભા પદ પરથી રાજીનામું આપ્યું. તેઓ 18 જૂન 2024 ના રોજ રાજ્યસભા સાંસદ બન્યા હતા. આ રાજીનામું જરૂરી છે કારણ કે બંધારણની કલમ 190(1) હેઠળ કોઈપણ વ્યક્તિ કેન્દ્રીય સંસદ (રાજ્યસભા) અને રાજ્ય સરકારમાં એક સાથે મંત્રી પદ સંભાળી શકતી નથી.