એક ગરીબ છોકરો ફાટેલાં કપડાં અને ખુલ્લા પગે ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર કંઈક ને કંઈક વેચે. મહેનત મજૂરી તેને મંજૂર હતી પણ ભીખ માંગવી મંજૂર ન હતી એ ખુદ્દાર બાળકને..ધોમધખતા તાપમા… તપતી ધરતી પર ખુલ્લા પગે ડામરની સડક પર આમથી તેમ સિગ્નલમાં એ એક ગાડીથી બીજી ગાડી સુધી દોડતો રહે અને ફૂલ કે નાનાં રમકડાં કે પેન એવી કોઈક ને કોઈક વસ્તુ વેચવાની કોશિશ કરતો રહે. બહુ મહેનત કરે. લોકો તેની વસ્તુઓને જુએ અને તેમાં પણ મોલ ભાવ કરાવે. કોઈ તેની મહેનત તરફ કે તેના દાઝતા પગને જોતું નહીં.
એક સજ્જન છેલ્લા બે દિવસથી તેને જોઈ રહ્યા હતા. તેમને નાનકડા છોકરાની ખુદ્દારી અને મહેનત ગમી પરંતુ તેના દાઝતાં ખુલ્લા પગ જોઈને બહુ દુઃખ થયું. ત્રીજા દિવસે પેલા સજ્જન ગાડીમાંથી ઊતરી તે છોકરા પાસે ગયા. છોકરો એક ગાડી પાસેથી બીજી ગાડી પાસે દોડી રહ્યો હતો અને ફૂલ વેચી રહ્યો હતો. સજ્જને તેને પોતાની પાસે બોલાવ્યો, પેલો છોકરો સજજન ફૂલ ખરીદવા માંગતા હશે એ આશાએ દોડીને તેમની પાસે પહોંચી ગયો અને ફૂલ ખરીદવા માટે આજીજી કરવા લાગ્યો. પેલા સજજને તેનાં બધાં જ ફૂલો મોલ ભાવ કર્યા વિના ખરીદી લીધાં.
છોકરાએ કાળજીથી પૈસા ખિસ્સામાં મૂક્યા. તે એટલી જ કાળજીથી બધાં જ ફૂલો બાંધીને સજ્જનના હાથમાં આપ્યાં અને વળી આભાર પણ માન્યો. સજ્જને એક હાથે ફૂલો લીધાં અને બીજા હાથે પોતાના હાથનું બોક્સ છોકરાને આપ્યું અને કહ્યું, ‘‘આ તારા માટે છે.’’ છોકરાને નવાઈ લાગી. તેણે બોક્સ લઈને ઉત્સુકતાથી ખોલ્યું પણ તેમાં પોતાના માપના બુટ જોઈને તેનો ચહેરો ખીલી ઊઠ્યો. તેણે તરત જ તે બુટ પહેરી લીધા. તેનો ચહેરો આનંદથી ચમકી રહ્યો હતો.
બુટ પહેરી તરત જ પેલા સજજનના હાથ પકડી તેણે પૂછ્યું, ‘‘તમે ભગવાન છો?’’ આ સવાલ સાંભળીને સજ્જન ચમકી ઊઠ્યા… હાથ છોડાવીને બે ડગલાં પાછળ હટી ગયા અને પોતાના કાન પકડીને બોલ્યા, ‘‘ના ના, બેટા, હું ભગવાન નથી.’’ પેલા છોકરાએ સ્મિત સાથે કહ્યું, ‘‘તો ચોક્કસ તમે ભગવાનના આસિસ્ટન્ટ હશો કારણ કે મેં ગઈ કાલે જ બહુ જ ગરમીમાં પગ દાઝતા હોવાથી ભગવાન પાસે એક સ્લીપર કે બુટ માંગ્યા હતા અને આજે જ તમે બુટ લઈને આવી પણ ગયા. તમારો ખૂબ ખૂબ આભાર!’’ સજ્જનની જેમ આપણે પણ અન્યને ખુશી આપીએ, ભગવાનના કામમાં મદદ કરીએ.
ચાલો, ભગવાનના આસિસ્ટન્ટ બનીએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.